Saturday, January 21, 2012

એક નજર કરો ભીતર અને બહાર...

શું કરવું કે શું ન કરવું એ જો નક્કી કરવા જઇએ તો ગૂંચવાઇ જવાના. પરંતુ જે કાર્ય કરીએ છીએ તે અને તે શા માટે કરીએ છીએ એ અંગે જાગૃત હોઇએ તો ઘણા રસ્તાઓ ખૂલવા માંડે.

ફેમસ જોક એવો છે કે શેરીમાંથી પસાર થતી વેળા ગંગારામ છોકરાઓને ‘બોલો, દુનિયાની સૌથી મોટી નદી કઇ?’ એવા ભાતભાતના જનરલ નોલેજના પ્રશ્નો પૂછે. મહોલ્લાના છોકરાઓને એકેય પ્રશ્નો જવાબ આવડે નહીં. એક દિવસ ગંગારામે પૂછ્યું, ‘લાલુપ્રસાદ યાદવ કોણ છે?’ છોકરાઓ નિરુત્તર. ગંગારામે ઉપદેશવાણી શરૂ કરી. 

શું આખો દિવસ ટિચાયા કરો છો? આજુબાજુ જુઓ, દુનિયા ફરો અને માહિતગાર રહો. એક છોકરો જરીક ટીખળી હતો. એણે ગંગારામને પ્રશ્ન કર્યો, ‘અંકલ, તમને ખબર છે મંગારામ કોણ છે?’ અંકલે ટાલ ખંજવાળી, પણ મંગારામ નામના ડેટા એમની હાર્ડડિસ્કમાં હતા જ નહી. છેવટે પેલા ટીખળીએ વિજયી મુદ્રામાં કહ્યું, ‘ઘરમાં રહો અને અંદર જુવો તો ખબર પડે કે મંગારામ કોણ છે ?!’

ગામ, દેશ, દુનિયા અને બ્રહ્નાંડમાં શું ચાલી રહ્યું છે એની માહિતી મેળવવા આપણે સદાય તત્પર રહીએ છીએ. એવા મહાપુરુષોને શું કહીશું કે જે સવાર સવારમાં સમાચારોને ખાઇ જવા ત્રાટક નજરે છાપાંને બટકાં ભરતા હોય છે? કેમ આપણને અન્ય અંગે જાણવા આટલી તો અધિરાઈ અને આતુરતા રહે છે? ઘણાં બધાં કારણો હોઇ શકે. એક તો, આપણી સઘળી ઇન્દ્રિય ઓ, કે જે દ્વારા આપણે વિશ્વને મળીએ છીએ. એ સ્વભાવિક રીતે બહારની તરફ ખૂલે છે. 

આંખની સામે જે ર્દશ્ય આવશે એને એ જોશે. કાન અવાજો અંદર લેશે પછી એ અવાજો પક્ષીગાનના હોય કે લુહારને ત્યાં થતી ટીપાટીપના. અને એ પણ, આપણે થોડેઘણે અંશે, વર્તમાન ક્ષણમાં જીવતા હોઇએ તો જે સામે આવે એ બરાબર દેખાય અથવા આસપાસના અવાજો કાન થકી અંદર આવે, અથવા ઠંડા પાણીના ગ્લાસને પકડ્યોહોવા છતાં એની ઠંડક મહેસુસ થાય. 

બાકી, મોટેભાગે તો, આપણે ખોવાયેલા ખોવાયેલા જ રહેતા હોઇએ છીએ ને? વિચારોમાં, લાગણીઓમાં, માગણીઓમાં, ડરમાં... ધેટ મીન્સ, સમસ્યા બેવડી છે. એક તો ખોવાયેલા રહેવાને કારણે સામે જે આવે એનું જે માત્રામાં સેન્સેશન ફીલ કરવું જોઇએ એ કરી શકતા નથી અને જો કરી શકીએ છીએ તો એ આપણી બાહ્ય આતુરતાને પરિણામે હોય છે. 

બહારનું જાણવામાં રસ પડવાનું બીજું કારણ એ હોઇ શકે કે આપણે આપણામાં રસ પેદા કરી શક્યા નથી. ત્રીજું કારણ એ છે કે બહારની વાતોમાં ખોવાઇ જવાનું સહેલું સરળ છે. જે ખાલીપો અથવા સાયકોલોજિસ્ટ પીડા અંદર અનુભવાતી હોય એ જીરવવી અઘરી હોવાને કારણે ગામ વિકાસ, અણ્ણા આંદોલન, સચિનની એક્સોમી સદી, રમાબેનનું રમેશભાઈ જોડેનું લફરું, અતિશય ઠંડી, ડિસ્કવરી ઉપરના પ્રોગ્રામ વગેરે મુદ્દાઓની છણાવટ કરવામાં મજા પડે છે. પીડા કરતાં તો મજા સારી, એવા સાદા ગણિતને આપણે અનુસરીને છીએ. બીજાં પણ ઘણાં કારણો છે, પરંતુ લેખનો એ મુખ્ય મુદ્દો ન હોવાને કારણે એને અડકતાં નથી.

જે. કૃષ્ણમૂર્તિએ જોવા બાબતે ખાસ્સું એવું સિંચન કર્યું છે. એમની પરિભાષામાં કહીએ તો, જે જુવે છે એને ઓબ્ઝર્વર કહેવાય. જે ઓબ્ઝર્વ અથૉત નિરીક્ષણ કરે એ ઓબ્ઝર્વર. મતલબ કે તમે સુંદર દરિયાકિનારે છો અને બીચ, બીચ ઉપર મજા કરતાં લોકો, દૂર દેખાતી સ્ટીમરો, કિનારે લહેરાતાં નાળિયારીનાં વૃક્ષો વગેરેને જુઓ છો. હવે કૃષ્ણમૂર્તિ કહે છે કે ઓબ્ઝર્વર ઇઝ ઓબ્ઝવ્ર્ડ. મતલબ કે યથાર્થ જોવું એ નથી કે તમે દરિયાકિનારે ઉપર વર્ણવેલી અને ન વર્ણવેલી વસ્તુઓ જુઓ છો, યથાર્થ જોવું એ છે જ્યારે આ બધાને જોનારને તમે જુઓ છો. કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્યારે તમે જોનારને (મતલબ કે તમને) જુવો છો ત્યારે જ જોયું કહેવાય. 

વિચાર વિસ્તાર કરીએ તો, ધારો કે તમે બીચ ઉપર આકર્ષક લોકોને જુઓ છો તો એમને જોતી વેળા તમારી અંદર જે ભાવ /હલનચલન/વિચારો પેદા થાય છે અને જોઇ શકો તો કંઇક જોયું. બાકી તો દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી! એન્ડ ધેટ ટુ, ન્યાયાધીશ બન્યા વિના જોવાનું. આપણું કેવું છે કે સારું શું અને ખરાબ શું એનું ટનબંધ નોલેજ હોવાથી, જો થોડુંક પણ ભીતર જોવાઇ જાય કે તરત જ આ તો ખરાબ કહેવાય એમ કહી જોવાની પ્રક્રિયા કોરણે મુકાઇ જાય અને ગિલ્ટભાવની દશા શરૂ થઇ જાય. 

કૃષ્ણમૂર્તિ આને ‘ચોઇસલેસ અવેરનેસ’ કહે છે. એવી જાગૃતિ એવી રીતે ભીતર જોવું કે આ ‘આ રીતે જોવું કે આ રીતે ન જોવું ’ એવી કોઇ પસંદગીને અવકાશ નથી. એકચ્યુઅલી, જીવનયાત્રામાં અવેરનેસ અથૉત જાગૃતિનું ખાસ્સું મહત્વ છે. દરેક સંતપુરુષે એમનાં સ્થળ-કાળ પ્રમાણે જાગૃતિનું મહત્વ વ્યક્ત કર્યું છે. નરસિંહ કહે, ‘જાગીને જોયું તો જગત દીસે નહીં.’ શ્રી માતાજીનું એક વિધાન છે કે પોતાની અંદર જે હલનચલન થઇ રહી છે એ તરફ સભાન થવું, અને જે કાર્ય કરીએ છીએ તે કાર્ય તરફ અને જે કાર્ય કરીએ છીએ તે તરફ જાગૃત થવું એ અનિવાર્યપણે સ્ટાર્ટિંગ પોઇન્ટ છે. 
શું સારું કે શું ખરાબ, અથવા તો શું કરવું જોઇએ કે શું ન કરવું જોઇએ એ જો આપણે નક્કી કરવા જઇએ તો અવશ્ય ગૂંચવાઇ જવાના. પરંતુ જે કાર્ય કરીએ છીએ તે અને તે કાર્ય શા માટે કરીએ છીએ એ અંગે જાગૃત હોઇએ તો ઘણા રસ્તાઓ ખૂલવા માંડે. ઓશોએ પણ વિવિધ ટેક્નિકસ દર્શાવી જાગૃતિ કેવી રીતે કેળવવી એ આપણને દર્શાવ્યું છે. 

રામદુલારે બાપુએ કહ્યું હતું કે થિયેટરમાં ફિલ્મ જોવા જઇએ ત્યારે, ખુરશી ઓડિયન્સ તરફ રાખીને ઓડિયન્સના હાવભાવ જોવા. છાપું વાંચતીવેળા આપણે આપણને વાંચીએ તો?વાત એ છે કે આપણે દેશ દુનિયાને જોયા કરીએ, માહિતી એકઠી કરતા રહીએ, તો આપણે પણ ગંગારામ જ છીએ. આપણી અંદર, આપણા ઘરમાં, ક્યારે અને કયો મંગારામ આવી જાય એની જાણ ન રહે. હેપ્પી અવેરનેસ!

ચલતે ચલતે : આપણે વિશ્વને, વિશ્વ જેવું છે એવું જોવાનું છે : અર્દશ્યમાન!- અલાન વોટસ