
આ વર્ષ કનૈયાલાલ મુનશીની ૧૨પમી અને રાજેન્દ્ર શાહની ૧૦૦મી જન્મ
શતાબ્દીનું વર્ષ હોવાથી આ પુસ્તક મેળામાં સૌ પ્રથમ દિવસે તેમની શતાબ્દી
વંદનાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી વિદ્વાનો
ઉપસ્થિત તો રહેશે જ, પણ સાથે સાથે ઓડિશાના પ્રખ્યાત લેખક અને પદ્મશ્રી મનોજ
દાસ પણ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ 'ધ ઇન્ટ્રિક રૂટ ઓફ લિટરેચર’ વિશે વક્તવ્ય
આપશે.
આ ઉપરાંત દરરોજ બાળકો અને યુવાનોને રસ પડે તેવાં સાહિત્યને લગતા
વિવિધ કાર્યક્રમો પણ આ બુક ફેરમાં આયોજિત થશે. જેમાં બાળકો માટે પિક્ચર
સ્ટોરી વર્કશોપનું આયોજન કરાશે. આ ઉપરાંત પુસ્તક પ્રકાશકોને તેમના
વ્યવસાયને લગતી કેટલીક માહિતી પણ પૂરી પડાશે. જેમાં કોપીરાઇટના કાયદા,
કેવી રીતે સારું પુસ્તક પ્રકાશિત કરી શકાય, બુક ટ્રેડ જેવા વિષયોને આવરી
લેવાશે. રોજ સાંજે કન્વેન્શન સેન્ટરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો
યોજાશે. જેમાં કવિ સંમેલન, લોક સાહિત્ય, સુગમ સંગીતના કાર્યક્રમો યોજાશે.
કઇ ભાષાનાં પુસ્તકો હશે?
આ પુસ્તક મેળામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધી, મરાઠી,
બંગાળી, જેવી ૧૦થી ૧૨ ભાષાઓનાં પુસ્તકો હશે. ઉપરાંત વિવિધ ભાષામાંથી
અનુવાદિત પુસ્તકો પણ અહીં જોવા મળશે.
કયા કયા પ્રકાશકો ભાગ લેશે?
આ પુસ્તક મેળામાં ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી,
નવજીવન ટ્રસ્ટ, નવભારત સાહિત્ય મંદિર, આર.આર. શેઠની કંપની જેવા ગુજરાતના
પ્રકાશકો તો ખરા જ, પણ સાથે સાથે નેશનલ બુક ટ્રસ્ટ, સાહિત્ય અકાદમી
દિલ્હી, રાજકમલ પ્રકાશન જેવા રાષ્ટ્રીય ઉપરાંત જાપાન અને અન્ય દેશોમાંથી
ઇન્ટરનેશનલ પ્રકાશકો પણ હાજરી આપશે.
૧૨પ વિદ્વાનોને મળવાનો લહાવો
આ માત્ર પુસ્તક મેળો નથી. આ સંસ્કૃતિ મેળો છે. આ મેળાનાં આયોજન અને
તેને ચરિતાર્થ કરવામાં સામાન્ય જનથી માંડીને શ્રેષ્ઠ જનો સામેલ છે. યુવાનોએ
આ મેળાનો ખાસ લાભ એમ લેવો જોઇએ કે અહીં આ સાત દિવસ દરમિયાન સવાસો જેટલા
વિદ્વાનોને પ્રત્યક્ષ સાંભળવાનો અને મળવા- જોવાનો લાભ મળી શકશે.
રાજેન્દ્ર પટેલ: મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ
ઝીણવટપૂર્વકનું આયોજન
આ વર્ષે આ પુસ્તક મેળાનું આયોજન અમે બમણા સ્કેલ પર કર્યું છે. મોટા
સમૂહ માટે મંડપની વ્યવસ્થા અઘરી હોવાથી આ વખતે યુનિવર્સિટી કન્વેન્શન
સેન્ટર ખાતે આયોજન કર્યું છે. ઉપરાંત આવનારા લોકોને કોઇ જ પ્રકારની અગવડ ન
પડે તેનું કોર્પોરેશને ખૂબ જ ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે.
તેજસ ભંડારી: આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર