Sunday, May 22, 2011

નસીબ



જ્યારે પણ ભગવાન પાસે કંઈ માગો તો દિમાગથી નહીં નસીબથી માગજો કારણ કે મેં દિમાગવાળાને નસીબવાળાને ત્યાં કામ કરતા જોયા છે.-ડૉ. અબ્દુલ કલામ

Monday, May 16, 2011

મોરારિબાપુ: પ્રભાવમાં નહીં સ્વભાવમાં જીવો

 
એકવાર મને એક પત્રકારે સવાલ કર્યો કે તમે કઇ વ્યક્તિથી સૌથી વધુ પ્રભાવિત થયા છો? મેં ઘણીવાર કહ્યું છે કે માણસે કોઇના પ્રભાવમાં નહીં પરંતુ પોતાના સ્વભાવમાં જીવવું જોઇએ, છતાં જો કોઇ એક વ્યક્તિનું નામ આપવાનું જ હોય તો હું એમ કહું કે હું આજે જે કઇં છું એની પાછળ મારા સદગુરુ એવા મારા ત્રિભુવનદાદાના માર્ગદર્શનનો સૌથી વધુ પ્રભાવ છે.

એકવાર કોઇકે મને આવો જ સવાલ કર્યો હતો કે તમે કોની અસરમાં જીવો છો? મેં કહ્યું કે હું કરકસરમાં જીવ્યો છું પણ ક્યારેય કોઇની અસરમાં જીવ્યો નથી. હું કાયમ મારી પોતાની અસરમાં જીવું છું છતાં જો કોઇ એક વ્યક્તિનું નામ આપવું ફરજિયાત હોય તો હુ એમ કહું કે હું આજે જે કંઇ છું એ મુકામ સુધી મારી જીવનયાત્રાને પહોંચાડવામાં સૌથી વધુ અસર મારા સદગુરુ ત્રિભુવનદાદા દ્વારા મને મળેલા પ્રેમસભર પથદર્શનની છે.

મારા દાદાએ મને પાંચ સૂચન કર્યાં હતા. ૧. સત્યપ્રિય રહેવું, ૨. માનસ તથા ગીતાનો નિત્ય પાઠ કરવો, ૩. જીભથી કોઇની નિંદા અને જીવથી કોઇની ઇષ્ર્યા કરવી નહીં, ૪. બને તેટલું મૌન રહેવું, ૫. અભિમાન તો આવશે પણ સાવધાન રહેવું. મને મારા દાદા તરફથી નાનપણમાં મળેલાં આ પાંચ સૂત્રોએ મારા જીવનને પ્રભાવિત કર્યું છે અથવા એ સૂત્રોની મારા જીવનમાં અસર છે એમ કહી શકાય. આજે એ પાંચ સૂત્રોની સંક્ષિપ્ત ચર્ચા કરીએ.

૧ સત્યપ્રિય રહેવું : દરેક માણસે શક્ય તેટલું સત્યની નજીક રહેવું જોઇએ. જૈન ધર્મના પાયાનાં ચાર શબ્દોમાં સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ છે. જેમાં ભગવાન મહાવીર દ્વારા બ્રહ્નચર્ય સ્વરૂપે પાંચમો શબ્દ ઉમેરવામાં આવ્યો. માત્ર જૈન ધર્મમાં જ નહીં, પરંતુ ઇસ્લામ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી જેવા તમામ ધર્મમાં સત્યની આરતી ઉતારવામાં આવી છે. હિંદુ ધર્મનો પાયો જ સત્ય છે માટે સત્ય એક વૈશ્વિક શબ્દ છે. વિશ્વભરના મહાપુરુષો અને ચિંતકોએ સત્યની તરફેણ કરી છે. નાસ્તિકો પણ અસત્યને ચાહતા નથી. સત્ય, પ્રેમ અને કરુણા એવા શબ્દો છે જે નોખાને અનોખા બનાવી શકે છે. અલગને લગોલગ લાવી શકે છે.

એક વર્ગખંડમાં શિક્ષકે સવાલ કર્યો કે સડસઠ અને તેત્રીસનો સરવાળો કરીએ તો શું જવાબ મળે? જે વિદ્યાર્થી સાચા હતા તે તમામનો જવાબ એક્સરખો એટલે કે સો હતો અને જે ખોટા હતા તેમાં કોઇનો જવાબ નેવું હતો, કોઇનો એક્સો દસ હતો, તો કોઇનો સાવ અલગ હતો. આમ અસત્યમાં વિવિધતા હોઇ શકે બાકી સત્ય હંમેશાં સમાન હોય છે. શુભ હોય છે.

૨ માનસ તથા ગીતાનો નિત્ય પાઠ કરવો: મને સદગુરુ પાસેથી બીજી શિખામણ એ મળી હતી કે જીવનમાં દરરોજ જેટલો થઇ શકે તેટલો માનસ અને ગીતાનો પાઠ કરવો. મેં આ અગાઉ પણ કહ્યું છે કે ભારતના ત્રણ મહાગ્રંથોમાં મહાભારત નીતિનો ગ્રંથ છે. ભાગવત પ્રીતિનો ગ્રંથ છે જ્યારે રામાયણ નીતિ અને પ્રીતિ બંનેનો ગ્રંથ છે અને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંબોધીને વિશ્વને શ્રીમદ્ ભગવત ગીતા જેવો અમૂલ્ય ગ્રંથ આપ્યો જે હિંદુ ધર્મની આધ્યાત્મિક ઊંચાઇ અને ઊંડાઇનો પરિચય છે.

૩ જીભથી કોઇની નિંદા અને જીવથી કોઇની ઇષ્ર્યા કરવી નહીં: ત્રીજું સૂત્ર એ મળ્યું કે જીભથી કોઇની નિંદા કરવી નહીં અને જીવથી કોઇની ઇષ્ર્યા કરવી નહીં. માણસે દિવસે નિંદાથી દૂર રહેવું અને રાત્રે બને તેટલું નિદ્રાથી દૂર રહેવું એ સાધનાના માર્ગની પ્રથમ શરત છે. વિનોબાએ સાધકનાં પાંચ શીલ એટલે કે પાંચ સદ્ગુણો કહ્યા છે. તેમાં કહ્યું છે કે એ સહનશીલ, સંવેદનશીલ, સર્જનશીલ, સ્વપ્નશીલ અને સત્યશીલ હોવો જોઇએ. માણસમાં આ પાંચ સદ્ગુણો ત્યારે પૂર્ણપણે ખીલે જ્યારે તે નિંદા અને ઇષ્ર્યાથી દૂર રહે. કોઇની નિંદા કરવાથી એની લીટી ટૂંકી થતી નથી અને કોઇની ઇષ્ર્યા કરવાથી આપણી લીટી લાંબી થઇ શકતી નથી. ખુદની લીટી લાંબી કરવી હશે તો જીભથી નિંદા અને જીવથી ઇષ્ર્યા કરવામાં સમય બગાડવાને બદલે સાધકે સાધનાના માર્ગ પર સતત ગતિશીલ રહેવું જોઇએ

૪ બને તેટલું મૌન રહેવું: મને ચોથું સૂત્ર એ આપ્યું કે બને તેટલું મૌન રહેવું. તમને થશે કે સદગુરુની આ આજ્ઞાનો મેં ભરપૂર અનાદર કર્યો છે પરંતુ એવું નથી. મૌન જીભનું બ્રહ્નચર્ય છે અને મારા જીવનમાં મૌનનો બહુ મોટો મહિમા છે. છેલ્લી અડધી સદીથી સમગ્ર વિશ્વમાં રામકથાના માધ્યમથી સતત બોલતો રહ્યો છું. થોડા દિવસોમાં મારા મુખેથી બોલાયેલી સાતસો રામકથા પૂરી થશે. તુલસીદાસના રામચરિત માનસને કેન્દ્રમાં રાખીને ખૂબ મુખરિત થયો છું. છતાં મને કહેવા દો કે જીવનની સાતસો કથામાં હું જે કંઇ બોલ્યો તે હું નથી બોલ્યો પણ મારું મૌન બોલ્યું છે.

છેલ્લા ઘણા સમયથી દર વરસે શ્રાવણ માસમાં હું મૌન રાખું છું. એ સિવાય દરરોજ નક્કી કરેલા સમયે હું મૌન રાખું છું. મૌન વક્તાને બહુ મોટી ઊર્જા આપે છે. મેં ઘણીવાર કહ્યું છે કે જેને નાચતાં આવડે એને ગાવાની જરૂર નથી. જેને સારું ગાતાં આવડે એને વચ્ચે બોલવાની જરૂર નથી પરંતુ જેને સારું બોલતાં શીખવું હોય એણે બીજા વક્તાઓને-ચિંતકોને સાંભળવા તથા વાંચવા જોઇએ. મેં પુસ્તકો ઓછાં વાંચ્યાં છે અને મસ્તકો વધુ વાંચ્યાં છે. પણ માણસ જ્યારે સાંભળે કે વાંચે છે ત્યારે આપોઆપ મૌન થઇ જતો હોય છે. જીવનમાં ક્યારેક મૂક તો ક્યારેક બધિર બની જવું લાભદાયક હોય છે.

એકવાર દેડકાઓમાં પર્વતારોહણની સ્પર્ધાનું આયોજન થયું. દેડકાથી પર્વતની ટોચ ઉપર ચડવું કેટલું કિઠન થઇ શકે તે સમજી શકાય તેવું છે. બધા દેડકા પોતપોતાની શક્તિ પ્રમાણે આરોહણ કરીને પાછા ફરી ગયા જ્યારે એક દેડકો પર્વતની ટોચ સુધી પહોંચી ગયો. જે ટોચ ઉપર પહોંચી ગયો તે વિશિષ્ઠ પ્રકારની શક્તિ ધરાવતો નહોતો. એ ઊલટાનો એક શારીરિક ખોડ ધરાવતો હતો. એ સાવ બહેરો હતો, પરંતુ એનું બહેરા હોવું આ સ્પર્ધામાં આશીર્વાદ બની ગયું.

પર્વતારોહણ કરી રહેલા દેડકાઓને સમાજે ખૂબ કહ્યું કે પર્વતારોહણ કરવું એ આપણું કામ નથી માટે પાછા વળી જાવ. બીજા દેડકાઓ આવાં નિરાશાપ્રેરક વચનો સાંભળીને હતોત્સાહ થયા અને એક બાદ એક પાછા ફરી ગયા અને જે દેડકો બધીર હતો તેણે આવું એક પણ વાક્ય સાંભળ્યું નહીં તેથી સફળ થઇ શક્યો. માટે જીવનમાં સફળ થવા માટે અમુક સમયે મૌન, અમુક સમયે બધિર તો અમુક સમયે અંધ થઇ જવું અનિવાર્ય છે અને એટલે તો ગાંધીજીના ત્રણ વાંદરા મુખ, કાન અને આંખ બંધ કરીને બહુ મોટી સમજણ આપી જાય છે.

એક પિતાને એક યુવાન અને સ્વરૂપવાન દીકરી હતી. આ દીકરીને જોવા માટે કોઇ પણ યુવાન આવે એટલે તરત જ એને પસંદ કરી લેતો પણ દીકરીનો બાપ કહે કે મારી દીકરી સ્વરૂપવાન છે, પરંતુ અંધ, મૂક અને બધિર છે એટલે દરેક યુવાન લગ્ન માટે અસંમતિ બતાવીને ચાલ્યો જતો હતો.

દિવસે દિવસે પિતાની ચિંતા વધતી જતી હતી. જે રીતે જાનકીના સ્વયંવરમાં ધનુષ્યભંગ કરવામાં નિષ્ફળ જતાં રાજાઓને જોઇને જનકની ચિંતા વધતી જતી હતી, પરંતુ એક દિવસ એક યુવાન એવો આવ્યો કે જેણે યુવતી મૂક, બધિર અને અંધ હોય તો પણ લગ્ન કરવાની તૈયારી બતાવી. ધામધૂમથી લગ્ન થયાં. યુવાને પોતાની પરણેતરને સાસરે લઇ જઇને જોયું તો સુખદ આશ્ચર્ય થયું. પેલી યુવતી બોલી શકતી હતી, સાંભળી શકતી હતી અને જોઇ પણ શકતી હતી.

જમાઇએ ખૂબ રાજી થઇને પોતાના સસરાને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે કોઇ યુવાન મારા શબ્દોને સમજી શકતો નહોતો કારણ કે, મારા વાક્ય પાછળ ગર્ભિત અર્થ એવો હતો કે મારી દીકરી કોઇની નિંદા કરવામાં મૂંગી છે, કોઇની નિંદા સાંભળવામાં બહેરી છે અને કોઇના અવગુણ જોવામાં અંધ છે.

૫ અભિમાન તો આવશે પણ સાવધાન રહેવું: મને પાંચમું સૂત્ર એ મળ્યું હતું કે જીવનમાં અભિમાન તો આવશે પરંતુ સાવધાન રહેવું, આપણે માણસ છીએ તેથી કોઇને પદનું, કોઇને પ્રતિષ્ઠાનું, કોઇને સંપત્તિનું તો કોઇને શક્તિનું અભિમાન આવી શકે છે, પરંતુ અભિમાન આવે ત્યારે સાવધ થઇ જઇએ તો અભિમાન માણસને નુકસાન કરવામાં નિષ્ફળ જાય છે. માટે સૌ કોઇ અન્યના પ્રભાવ બદલે પોતાના સ્વભાવમાં જીવે તેવી શુભકામના.

(સંકલન: જગદીશ ત્રિવેદી)

માનસદર્શન, મોરારિબાપુ