Thursday, June 30, 2011

સંબંધની ગાડી પર ‘બ્રેક’ કેમ લાગે છે?

તમારો તમારો મહામૂલો સંબંધ તૂટવાની અણીએ છે, પરંતુ તમે તેના વિશે સહેજ પણ ગંભીર નથી. તમારા સગાં-વહાલાં કે પાર્ટનર એકદમ બદલાઇ ગયાં છે એવું તમને લાગતું હોય કે પછી તેણે તમને યોગ્ય પ્રતિભાવ આપવાનું બંધ કરી દીધું છે. આવા સંજોગોમાં સમયસર સાવચેત થઇ જવાની જરૂર છે. તમને કોઇની સાથે પ્રેમ થઇ જાય ત્યારે કંઇક વિશેષ લાગણી અનુભવાય છે. જોકે તમે જેવું અનુભવો છો એવું જ સામેનું પાત્ર અનુભવે એવું જરૂરી નથી. તમે કોઇને પ્રેમ કરતાં હો ત્યારે ઘણી વાર પરસ્પર નાનીમોટી તકરાર થાય અને અબોલાની પરિસ્થિતિ ઉદ્ભવે એવું બને છે.

મોટા ભાગના લોકો આવા ઇમોશનલ ઇશ્યુ તરફ આંખ આડા કાન કરતાં હોય છે. વિચારે છે કે વખત જતાં બધું આપોઆપ થાળે પડી જશે પરંતુ ખરેખર આવું બનતું નથી. હકીકત એ છે કે તમે તમારા વાંધા-વચકા મુક્ત મને વ્યક્ત કરીને સંબંધમાં પડેલી ગૂંચ સહેલાઇથી અને સમયસર ઉકેલો તો સંબંધો લાંબા સમય સુધી ટકી રહે છે. એટલા માટે નાની લાગતી સમસ્યાઓ તરફ પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે.

સંબંધ તૂટવાના કારણો

સમય નથી

છેલ્લે તમે ક્યારે તમારા મિત્રો, બહેનપણીઓ, કુટુંબીજનો કે વહાલા સાથીદાર સાથે ફિલ્મ જોવા અથવા તો બહાર ગયા હતા? ઘણું યાદ કરવા છતાં યાદ ન આવ્યું ને? તમને જ્યારે પણ તમારી બહેનપણીઓ, કઝિન્સ, બોયફ્રેન્ડ કે પરિવારજનો બહાર સાથે ફરવા જવા માટે કહે છે ત્યારે તમારા તરફથી તેમને શું જવાબ મળે છે? એ જ કે તમે બિઝી છો. કામ છોડીને ફરવા નહીં અવાય. આના પરથી સ્પષ્ટ થાય છે કે તમને સગા-વહાલા કે સાથીદાર કરતાં ઓફિસ અને કામ વધારે વહાલાં છે. આજના જમાનામાં સમય કોઇને મળતો નથી. પ્રિય વ્યક્તિ, શોખ માટે સમય કાઢવો પડતો હોય છે માટે ‘ટાઇમ નથી’ એવું ક્યારેય ન કહેવું જોઇએ.

બહાનાંબાજી કરવી

જ્યારે તમને પાર્ટનર કે અન્ય કોઇ પાર્ટીમાં સાથે આવવા માટે આગ્રહ કરે ત્યારે તમે ‘આજે હું ઓફિસમાં બિઝી છું’ અથવા તો ‘મારી તબિયત સારી નથી’, ‘આજે મારો મૂડ ખરાબ છે’ વગેરે બહાનાં બતાવો છો. આના પરથી સ્પષ્ટ થાય છે કે તમને તેમની સાથે જવામાં રસ નથી.

મિત્રો ઇગ્નોર કરે ત્યારે

તમારા મિત્રોને એવું લાગવા માંડે કે તમારા સંબંધોમાં ક્યાંક લૂણો લાગ્યો છે અને તે આ અંગે પેટછુટી વાત કરવા તૈયાર ન હોય અથવા તો કોઇ કારણસર મૂંઝાતાં-અકળાતાં હોય, અંગત વાત તમારી સાથે ‘શેર’ ન કરતા હોય ત્યારે એનો અર્થ કે તમારા સંબંધોની ગાડી પર ‘બ્રેક’ લાગી છે.

લાગણી અને પ્રેમ આડા હાથે મૂકાઇ જાય

તમારા નિકટના સ્વજનો, પ્રિયજનો તમારો જન્મદિવસ કે લગ્નતિથિ ભૂલી જાય ત્યારે માની લેવું કે સંબંધની નદી સૂકાઇ રહી છે. આવું થાય ત્યારે મોડું થાય એ પહેલાં સમયસર જાગી જવું જોઇએ. તમારે તમારા સ્વજનોને મુક્ત મને વાંધાવચકા વિશે પૂછવું જોઇએ. તમને જ્યારે એવું લાગે કે તમારા સ્વજનો તમારા પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપતા કે તેમને તમારામાંથી રસ ઊડી ગયો છે ત્યારે તમારી લાગણી અને પ્રેમ ક્યાંક આડા હાથે મુકાઇ ગયા છે એ બાબત છતી થાય છે.

તમે બદલાઇ ગયા છો

તમારા સ્વજનો, સગાં-સંબંધીઓ કે મિત્રો જ્યારે એમ કહે કે ‘તું સાવ બદલાઇ ગઇ/ગયો છો. પહેલાં તું આવી નહોતી.’ ત્યારે તમારે સમજી જવું જોઇએ કે તમારા સ્વજનો તમારા વર્તન-વ્યવહારથી ખુશ નથી. તમારા સોના જેવા સંબંધમાં પરિવર્તન આવ્યાનું અનુભવાય ત્યારે આત્મનિરીક્ષણ, મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે એવું જાણી લેવું.

ગંભીરતા ન દાખવો

તમારા બોયફ્રેન્ડ કે સ્વજનો તમારી સાથે વાત કરવા માગતાં હોય અને તમે એમની વાતને સતત ટાળ્યા કરો, ઉડાઉ જવાબ આપો અથવા વાત જ ન કરો ત્યારે તમે સંબંધ પ્રત્યે ગંભીર નથી એવું સાબિત થાય છે. તમારા બોયફ્રેન્ડને સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય ત્યારે તમારે એ પરિસ્થિતિને ટાળવાની નહીં, પરંતુ આ પરિસ્થિતિને સમજદારીથી સંભાળી લેવાની જરૂર છે.

હવે પછી તમારા મિત્રો કે આત્મીયજન જ્યારે તમને કંઇ કહેવા ઇચ્છે ત્યારે તેમની વાત પ્રત્યે ધ્યાન આપશો, તો તમારા સંબંધોની ગાડી પર ‘બ્રેક’ નહીં લાગે એટલું ચોક્કસ.

સંબંધ હૂંફાળા રહે તે માટે આટલું ધ્યાનમાં રાખો

- પરિવાર, મિત્રો કે આત્મીયજનો સાથે થોડા થોડા સમયે બહાર ફરવા જાવ. તેમના માટે સમય ફાળવો, તેમની વાત સાંભળો.

- સમય તો આજના જમાનામાં કોઇને મળતો નથી, તે તમારે ફાળવવાનો હોય છે. આથી ‘સમય નથી’નું બહાનું ક્યારેય ન બતાવો.

- મિત્રો કે પરિવારજનો તમને ઇગ્નોર કરી રહ્યાં છે એવું લાગે ત્યારે આત્મનિરીક્ષણ કરો કે તમારાથી ક્યાંક એમને મનદુ:ખ નથી થયું ને?

- પ્રિયજન, મિત્રો કે પરિવારના લોકોની વાત ધ્યાનથી સાંભળો. તેમને તમારા મનની વાત કહો અને તેમની કોઇ સમસ્યા હોય તો ઉકેલ લાવવામાં મદદરૂપ થાવ.

- તમને જ્યારે એવું સાંભળવા મળે કે ‘તમે બદલાઇ ગયાં છો, પહેલાં જેવા નથી રહ્યાં.’ ત્યારે ચેતી જાવ. તમારા વર્તનમાં પરિવર્તન લાવીને સંબંધોમાં પહેલાં જેવી હૂંફ પાછી લાવો.

No comments:

Post a Comment