Saturday, July 9, 2011

ખોવાયેલા સમયની તલાશ

આપણે ખોવાયેલો સમય શોધીએ છીએ. એવી ઇચ્છા થાય કે વીતેલું જીવન ફરી જીવી લઈએ. એ બહાને, વીતેલો સમય ખરાબ હોય તો એને બદલવાની તક કદાચ મળે. પણ જિંદગી છે જ એવી, બદલાઈ જાય છે, આગળ વધે છે. એમાં નવા અઘ્યાય, નવા પ્રસંગ ઉમેરાતા જાય છે. જે સમય આપણે જીવી ચૂકયા છીએ એ કયારેય, કોઈ પણ રૂપમાં પાછો નથી ફરતો. આપણે પોતે જ અગાઉ જેવા હતા એવા આજે નથી. આપણા પરથી પણ સમયનો પ્રવાહ વીતી ચૂકયો છે. એ સમયનાં નિશાન આપણાં મન, ચેતના અને અસ્તિત્વ પર પડે છે. આ નિશાનોને ઓળખવાં મતલબ કે સમય અને જીવનને ઓળખવાં.

ગુજરેલા સમયમાં એક અર્થ હંમેશાં હોય છે, જે વર્તમાનમાં ઉપયોગી સાબિત થાય છે. આપણો વર્તમાન આપણા ભૂતકાળનો જ મહાયોગ હોય છે, એટલે ખોવાયેલા સમયની તલાશમાંથી મહાન કòતિઓ જન્મે છે. સંસારની તમામ કવિતા, સાહિત્ય, કલા, દર્શન આ વીતેલાં જીવનનું જ પુનર્સર્જન છે. એમાંથી કોઈ અર્થ શોધવાની એ કોશિશ છે.

માણસ હંમેશાં વીતી ચૂકેલાં જીવનનું મૂલ્યાંકન કરવા માગતો હોય છે. આવું મૂલ્યાંકન માત્ર વ્યક્તિ જ નહીં, જાતિઓ, સમૂહો અને દેશો પણ કરે છે. ઇતિહાસમાં એવો તબક્કો આવે છે, જયારે તેમણે પોતાના ભૂતકાળનું મૂલ્યાંકન કરવું પડે છે, જરૂરી તારણો કાઢવાં પડે છે. આવાં જ આકલનથી યુરોપમાં પુનર્જાગરણ (રેનેસાં) જન્મે છે અને જડ થઈ ગયેલો સમાજ આવા જ લેખાં-જોખાંને લીધે જાગી ઊઠે છે.

જીવન કઈ દિશામાં વિકસશે એનો આધાર એ વાત પર રહેલો છે કે વીતેલાં જીવનમાંથી આપણે કેવા અર્થ કાઢયા. ભૂતકાળના એ જ અર્થમાંથી આપણો વર્તમાન આકાર લે છે, એ જ અર્થોથી જિંદગી નવું રૂપ ધરે છે, નવા અર્થ પામે છે. સમગ્ર સંસારનું સાહિત્ય ફંફોસીએ અને દુનિયા પર પોતાની છાપ છોડી જનાર કોઈ પણ વ્યક્તિનાં કથનનો અભ્યાસ કરીએ તો આપણને જોવા મળશે કે લગભગ બધાએ જ સમયને પોતાની રીતે વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરી છે. એ સૂચવે છે કે સમય મૂલ્યવાન છે.

અહીં બધી ચિંતા સામે ફેલાયેલા સમયની કરવામાં આવે છે, પરંતુ જે વીતેલો સમય છે, એ વિશે સામાન્ય માણસની જિંદગીમાં એક ભ્રમપૂર્ણ સ્થિતિ જોવા મળે છે. કોઈ વીતેલા સમયથી પોતાને મુકત કરવા માગે છે, કોઈ ભૂલવા માગે છે, કોઈ એને પરત કરવા માગે છે, તો કોઈ હંમેશને માટે પોતાને ભૂતકાળની સ્મૃતિના હવાલે કરી રાખે છે.

પરંતુ સમયને ન પરત આપી શકાય, ન ભૂલી શકાય અને એને ફરી જીવી પણ ન શકાય. જિંદગી આપણાં અસ્તિત્વમાં સમયના થર જમાવે છે અને પછી દુનિયા એવી નથી રહેતી કે જેને અગાઉની તૈયાર રીતોની મદદથી જાણી શકાય.

દિલ લાખો અવાજોનો એક હિંડોળો હતો......

અને હવે દુનિયા!
લાખો અવાજોનો એક હિંડોળો છે

ઘાયલ ચિત્તા જેવી ચીસો
સમયના ઊડતા પાલવમાં હવે પોતાના પંજા મારી રહી છે- વઝીર આગા

તમે સંસારના કેન્દ્રમાં હો છો. એવું લાગે કે જાણે આ દુનિયા તમારા માટે જ બની છે. પણ જીવનના નિયમ અલગ હોય છે. અચાનક એક દિવસ લાખો અવાજ બનીને દુનિયા તમારી સામે ઊભી હોય છે. આ બધી સમયની કારીગરી છે અને એની સાથેના આપણા સંબંધની પણ. આ સંબંધને સાચી રીતે નિભાવવાની એક રીત છે, સમયને સમજવો, ભૂતકાળનું સમ્યક્ મૂલ્યાંકન કરવું. એવું કરીએ ત્યારે આપણને સમજાય છે કે જેને આપણે વીતી ચૂકેલો સમજેલા એ સમય અનેક ચીજોના અર્થ આપણને પકડાવીને ઓઝલ થયો છે...

No comments:

Post a Comment