Sunday, July 31, 2011

આ શ્રાવણ માસમાં ઇચ્છિત ફળ મેળવવા આટલું કરો

શ્રાવણ માસએ શિવનાં આરાધ્ય માટે વિશેષ ગણાય છે.ઇશ્વર પાસેથી મનુષ્યની કંઇક મેળવવાની ઇચ્છા અવિરતપણે ચાલુ જ હોય છે. દરેક મનુષ્યના દુખ અને સમસ્યાઓ અલગ હોય છે, પરંતુ તેનું નિરાકરણ એક જ છે. તે છે પરમેશ્વર મહાદેવની આરાધના.

ભગવાન શિવ સ્મશાનમાં નિવાસ કરે છે. તેઓ નિરાકાર અને નિર્લેપ છે, પરંતુ તેઓ સંસારીઓની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. શિવ ખૂબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તેમનો ક્રોધ પણ સંસારના કલ્યાણના હિતમાં જ હોય છે. પ્રાણીઓને જે કંઇ પણ મળ્યું છે તે તેમની કૃપાથી જ મળ્યું છે. તેમની કૃપાના બદલામાં આપણે માત્ર આપણું મન અને આપણી ભાવના જ તેમને સમર્પિત કરી શકીએ છીએ. દયાળુ ભોળાનાથ તો ફૂલ-પાન ચઢાવતા પણ પ્રસન્ન થઇ જાય છે.

ઇશ્વર પાસેથી મનુષ્યની કંઇક મેળવવાની ઇચ્છા અવિરતપણે ચાલુ જ હોય છે. દરેક મનુષ્યના દુખ અને સમસ્યાઓ અલગ હોય છે, પરંતુ તેનું નિરાકરણ એક જ છે. તે છે પરમેશ્વર મહાદેવની આરાધના. અન્ન અર્પણ કરવાથી ભગવાન શંકરને પ્રસન્ન કરી શકાય છે.ભોળા કહેવાતાં ભોળાનાથ ભક્તોની કામનાને જલ્દી પુરી કરે છે પરંતુ જુદી-જુદી કામનાઓ માટે શિવને અલગ-અલગ અન્ન અર્પિત કરવા જોઇએ.

- સ્વચ્છ પાણીમાં સાતવાર ધોવામાં આવ્યા હોય તેવા અક્ષત એટલે કે આખા ચોખા શિવને અર્પણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

- સારી ગુણવત્તાવાળા ઘઉં ચઢાવવાથી સંતાન સંબંધિત મનોકામના પૂર્ણ થાય છે.- સુખપ્રાપ્તિ માટે મગ અર્પણ કરવા.

- શિવને આ વસ્તુઓ અર્પણ કરવાનો અર્થ છે ગરીબોને તૃપ્ત કરવા.

આ કાર્યો દ્વારા મહાદેવ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત ફળ આપે છે.

Friday, July 29, 2011

ભગવાન સાથે ઇન્ટરવ્યૂ


હમણાં ઈન્ટરનેટ પર એક મઝાની વાત વાંચી ભગવાન સાથે ઇન્ટરવ્યૂ. એક અનામી લેખકને સ્વપ્ન આવ્યું તેની આ વાત છે.
‘શું તારે મારો ઇન્ટરવ્યૂ લેવો છે ?’ ભગવાને પૂછ્યું .
‘તમને સમય હોય તો ઇન્ટરવ્યૂ લેવો છે.’
ભગવાને સ્મિત કરીને કહ્યું : ‘મારો સમય તો અનંત છે. તારે 
મને શું પૂછવું છે ?’
‘માનવજાત વિશે તમને સૌથી વધુ આશ્ચર્ય કઈ બાબતનું થાય છે ?’
ભગવાને કહ્યું :
‘જયારે તે બાળક હોય છે ત્યારે તેને જલ્દી મોટા થવું હોય  છે
અને મોટા થયા પછી ફરી વાર બાળક થવાનું મન થાય છે .’
‘પૈસા કમાવવામાં તંદુરસ્તી ગુમાવે છે અને તંદુરસ્તી પાછી
મેળવવા પૈસા ગુમાવે છે.’
‘ભવિષ્યની ફિકરમાં વર્તમાનને ભૂલી જાય છે એટલે નથી રહેતો 
વર્તમાનમાં કે ભવિષ્યમાં.’
‘એવી રીતે જીવે છે કે જાણે મોત કદી આવવાનું નથી અને
જયારે મોત આવે ત્યારે જિંદગીનો આંનદ ભૂલી જાય છે.’
ભગવાને મારા હાથમાં હાથ લીધો . થોડી ક્ષણો મૌન રહ્યા પછી
મેં પૂછ્યું : ‘તમારા બાળકો જીવનમાંથી કયા બોધપાઠ લે……પિતા
તરીકે તમને શું લાગે છે ?’
ભગવાને હસીને કહ્યું :
‘બીજા તમને પ્રેમ કરે એવી અપેક્ષા ન રાખવી .તમારા પ્રત્યે
સહેજે પ્રેમ થાય એવું થવું જોઈએ એ ખ્યાલમાં રાખવું.’
‘તમારી પાસે શું છે એના કરતાં તમારા જીવનમાં કોણ છે એ
વધારે મહત્વનું છે એ નહિ ભૂલવું .’
‘તમારી જાતને કદી બીજા સાથે સરખાવવી નહિ.’
‘પોતાની પાસે વધુ હોય એ ધનવાન નથી પણ જેની જરૂરિયાત 
ઓછામાં ઓછી હોય એ ખરો ધનિક છે એ હમેશાં યાદ રાખવું.’
‘પ્રિય વ્યક્તિના દિલને દુભાવવામાં વાર નથી લગતી પણ
એ ઘા રૂઝાતા વરસો લાગી જાય છે.’
‘હમેશાં માફ કરતાં રહેવાથી ક્ષમાનો ગુણ કેળવાય છે.’
‘આપણને આમ તો ઘણાં લોકો ચાહતા હોય છે પણ
કમનસીબે એ વ્યક્ત કરતાં એમને આવડતું નથી હોતું.’
‘પૈસાથી બધું ખરીદી શકાય છે, પણ સુખ નહિ.’
‘એક જ વસ્તુને બે લોકો જુદી જુદી રીતે જુએ એવું સહેજે બને.’
‘બીજા લોકો આપણને માફ કરે એ પુરતું નથી. આપણે પણ
આપણી જાતને માફ કરીએ એ વધુ જરૂરી છે.’
‘હું સદાય તમારી સાથે જ છું એ કદી ન ભૂલવું.’

( “જન્મભૂમી-પ્રવાસી “માંથી  સાભાર  – શાંતિલાલ ડગલી )

Saturday, July 9, 2011

જીવનનો અર્થ શો છે?

જીવન કેવું છે? આ સવાલનો જવાબ તો મળી શકે, પણ જીવન શા માટે છે એના જવાબમાં તમે શું કહેશો?

જીવતા હોવાના ઘણા બધા અર્થ છે અને બધા અલગ અલગ પણ છે. જીવનમાં કુતૂહલ અને જિજ્ઞાસાનું ઊંચું સ્થાન છે. મનુષ્ય પાસે મગજ છે એટલે વિચાર પણ છે અને સવાલ પણ છે. વિદ્વાનો પાસે આ સવાલના જવાબ તો હોય છે, પણ વાસ્તવમાં આપણા જીવનમાં અનેક સવાલ અનુત્તર રહી જતા હોય છે. સાચી વાત તો એ છે કે અમુક સવાલના જવાબ હોતા જ નથી. વિજ્ઞાનની વાત કરીએ.

કહેવાય છે કે વિજ્ઞાન પાશે નક્કર અને વિશ્વસનીય જવાબો હોય છે, પણ સમજવા જેવી વાત એ છે કે વિજ્ઞાન પાસે જે જવાબો છે એ ‘કેવી રીતે’ (હાઉ?) સાથે સંકળાયેલા સવાલોના જવાબ છે. ‘શા માટે’ (વ્હાય?)ના મામલે તો વિજ્ઞાન પણ અનેક મામલે માથું ખંજવાળતું અટકી પડે છે.

‘શા માટે’ પ્રકારના સવાલોના યોગ્ય જવાબ આપવા લગભગ અસંભવ છે, અને અગર અપાય તો પણ એ જવાબમાં વળી બીજો સવાલ છૂપાયેલો જડી આવશે. પરિણામે, એક જવાબ મળ્યા પછી ફરી આપણે, એમાંથી ઊઠેલા સવાલના જવાબની શોધમાં અટવાઈ પડીએ છીએ.

જિંદગીની વ્યાખ્યામાં પણ છેવટે તો ‘જીવન શા માટે?’ એ સવાલ મહત્વનો બની રહે છે. એક આ સવાલ લો: આપણે દુનિયામાં કેવી રીતે આવ્યા? એના ઘણા બધા જવાબો છે - પૃથ્વી પર મોટી ઉથલપાથલ થઈ, વિકાસ થયો, વધુ શક્તિશાળી જાતિ-પ્રજાતિ ટકી ગઈ વગેરે વગેરે... પણ મૂળ સવાલ એ છે કે ‘માણસજાત જન્મી શા માટે?’ હવે આ સવાલનો જવાબ કેવી રીતે શોધવો?

આવા પ્રશ્નના જવાબ શોધવાની દિશામાં અલગ અલગ ધર્મોએ ઘણી મહેનત કરી છે. ધર્માચાર્યોએ માનવનાં જીવનમૂલ્યો, ઉષ્માભર્યા માનવીય સંબંધો, એકમેક આધારિત વિશ્વાસના માર્ગે જીવનનો સંદર્ભ સમજાવવાના પ્રયાસ કર્યા છે, પરંતુ આ બધા એમણે પોતે જ પ્રમાણિત કરેલાં છે. આ વિચારની કોઈ વૈજ્ઞાનિક સમજણ નથી અપાઈ. ગુરુની વાત માનવી કે ન માનવી એનો આધાર તમારા પર છે. માનો તો સાચું, ન માનો તો ખોટું. અહીં વારસાગત બાબતો બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તમે કોઈ વાતમાં કેટલી શ્રદ્ધા ધરાવશો (કે નહીં ધરાવો) એનો આધાર તમારા પર છે.

હું જ્યારે પણ વિચારોથી ધેરાઈ જાઉં છું, ત્યારે સૌથી પહેલા એ વિચારું છું કે દુનિયામાં અર્થપૂર્ણ જેવું કંઈ છે કે નહીં? આવા સવાલનો કોઈ વૈજ્ઞાનિક અને પ્રામાણિક જવાબ નથી મળતો. સાચું એ છે કે દરેક માણસ પોતાની અંદર એકલો જ હોય છે. એને માટે જીવન શું છે એનો જવાબ એના પેઢીગત વારસા, વાતાવરણ તેમ જ ઈતિહાસમાં મળે છે. એની પ્રકૃતિ પ્રમાણે એ અમુક વાતો સ્વીકારીને જીવતો હોય છે.

તમે ખાવા-પીવા, પહેરવા-ઓઢવાના શોખીન માણસ હો કે ઈન્દ્રિયો પર ચુસ્ત અંકુશ રાખી શકતા હો, તમે કોઈ ખરેખરા મહાનાયક હો કે એકદમ કાયર માણસ હો, સમાજમાં તમારી છાપ સ્વાર્થીની હોય કે તમે ખરેખર પરોપકારી હો - તમે જે પણ હો, જેવા પણ હો, એ કારણે તથા તમારી સાથે જે કંઈ પણ બને છે એના થકી પોતાની ક્રિયા-પ્રતિક્રિયા, વાત-વ્યવહારના સહારે તમે ઘણું બધું જાહેર કરો છો. વ્યક્તિ તરીકે જીવનનો અર્થ એ જ હોય છે કે આ ભાઈ એટલે આવા આવા આવા માણસ.

જોકે આ પણ અંતિમ નિષ્કર્ષ ન હોઈ શકે. મારે માટે વ્યક્તિગત રીતે જીવનનો ઘણો ખાસ અર્થ છે, જે મારાં કાર્યોથી સ્પષ્ટ થાય છે. એમાં મારાં મૂલ્યોથી નક્કી થયેલી વ્યવસ્થા છે, જિંદગી અંગેનું મારું સામાન્ય દર્શન છે... પરંતુ મારી વિચારણા અને તમારી વિચારણા એક તો હોઈ ન શકે... એટલે અહીં પાછો સવાલ ઊભો થાય કે કોણ સાચું છે... છેવટે, અર્થ આ જ નીકળે છે... જીવનના અર્થ સંબંધી સંપૂર્ણ અને સર્વમાન્ય જવાબ કોઈની પાસે, કોઈપણ સ્તરે નથી.

રજૂઆત : ચંડીદત્ત શુકલ

(પ્રા. એચ. જે. એસેંકનો જન્મ જર્મનીના બર્લિનમાં ૧૯૧૬ની ૪ માર્ચે થયેલો. ૧૯૪૨થી ૧૯૪૫ સુધી તેઓ મિલ હિલ ઈમર્જન્સી હોસ્પિટલમાં રિસર્ચ સાઈકોલોજિસ્ટ તરીકે કાર્યરત રહેલા. એ પછી એસેંકે લંડનની માઉડસ્લે હોસ્પિટલમાં મનોવિજ્ઞાનીનું પદ સંભાળેલું. એમનાં બહુચર્ચિત પુસ્તકો છે: ‘યુસેજ એન્ડ એબ્યૂઝઝ ઓફ સાઈકોલોજી’, ‘ડિકલાઈન એન્ડ ફોલ ઓફ ધ ફ્રોડિયન અમ્પાયર’ તથા ‘નો યોર ઓન આઈક્યૂ’.)

ખોવાયેલા સમયની તલાશ

આપણે ખોવાયેલો સમય શોધીએ છીએ. એવી ઇચ્છા થાય કે વીતેલું જીવન ફરી જીવી લઈએ. એ બહાને, વીતેલો સમય ખરાબ હોય તો એને બદલવાની તક કદાચ મળે. પણ જિંદગી છે જ એવી, બદલાઈ જાય છે, આગળ વધે છે. એમાં નવા અઘ્યાય, નવા પ્રસંગ ઉમેરાતા જાય છે. જે સમય આપણે જીવી ચૂકયા છીએ એ કયારેય, કોઈ પણ રૂપમાં પાછો નથી ફરતો. આપણે પોતે જ અગાઉ જેવા હતા એવા આજે નથી. આપણા પરથી પણ સમયનો પ્રવાહ વીતી ચૂકયો છે. એ સમયનાં નિશાન આપણાં મન, ચેતના અને અસ્તિત્વ પર પડે છે. આ નિશાનોને ઓળખવાં મતલબ કે સમય અને જીવનને ઓળખવાં.

ગુજરેલા સમયમાં એક અર્થ હંમેશાં હોય છે, જે વર્તમાનમાં ઉપયોગી સાબિત થાય છે. આપણો વર્તમાન આપણા ભૂતકાળનો જ મહાયોગ હોય છે, એટલે ખોવાયેલા સમયની તલાશમાંથી મહાન કòતિઓ જન્મે છે. સંસારની તમામ કવિતા, સાહિત્ય, કલા, દર્શન આ વીતેલાં જીવનનું જ પુનર્સર્જન છે. એમાંથી કોઈ અર્થ શોધવાની એ કોશિશ છે.

માણસ હંમેશાં વીતી ચૂકેલાં જીવનનું મૂલ્યાંકન કરવા માગતો હોય છે. આવું મૂલ્યાંકન માત્ર વ્યક્તિ જ નહીં, જાતિઓ, સમૂહો અને દેશો પણ કરે છે. ઇતિહાસમાં એવો તબક્કો આવે છે, જયારે તેમણે પોતાના ભૂતકાળનું મૂલ્યાંકન કરવું પડે છે, જરૂરી તારણો કાઢવાં પડે છે. આવાં જ આકલનથી યુરોપમાં પુનર્જાગરણ (રેનેસાં) જન્મે છે અને જડ થઈ ગયેલો સમાજ આવા જ લેખાં-જોખાંને લીધે જાગી ઊઠે છે.

જીવન કઈ દિશામાં વિકસશે એનો આધાર એ વાત પર રહેલો છે કે વીતેલાં જીવનમાંથી આપણે કેવા અર્થ કાઢયા. ભૂતકાળના એ જ અર્થમાંથી આપણો વર્તમાન આકાર લે છે, એ જ અર્થોથી જિંદગી નવું રૂપ ધરે છે, નવા અર્થ પામે છે. સમગ્ર સંસારનું સાહિત્ય ફંફોસીએ અને દુનિયા પર પોતાની છાપ છોડી જનાર કોઈ પણ વ્યક્તિનાં કથનનો અભ્યાસ કરીએ તો આપણને જોવા મળશે કે લગભગ બધાએ જ સમયને પોતાની રીતે વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરી છે. એ સૂચવે છે કે સમય મૂલ્યવાન છે.

અહીં બધી ચિંતા સામે ફેલાયેલા સમયની કરવામાં આવે છે, પરંતુ જે વીતેલો સમય છે, એ વિશે સામાન્ય માણસની જિંદગીમાં એક ભ્રમપૂર્ણ સ્થિતિ જોવા મળે છે. કોઈ વીતેલા સમયથી પોતાને મુકત કરવા માગે છે, કોઈ ભૂલવા માગે છે, કોઈ એને પરત કરવા માગે છે, તો કોઈ હંમેશને માટે પોતાને ભૂતકાળની સ્મૃતિના હવાલે કરી રાખે છે.

પરંતુ સમયને ન પરત આપી શકાય, ન ભૂલી શકાય અને એને ફરી જીવી પણ ન શકાય. જિંદગી આપણાં અસ્તિત્વમાં સમયના થર જમાવે છે અને પછી દુનિયા એવી નથી રહેતી કે જેને અગાઉની તૈયાર રીતોની મદદથી જાણી શકાય.

દિલ લાખો અવાજોનો એક હિંડોળો હતો......

અને હવે દુનિયા!
લાખો અવાજોનો એક હિંડોળો છે

ઘાયલ ચિત્તા જેવી ચીસો
સમયના ઊડતા પાલવમાં હવે પોતાના પંજા મારી રહી છે- વઝીર આગા

તમે સંસારના કેન્દ્રમાં હો છો. એવું લાગે કે જાણે આ દુનિયા તમારા માટે જ બની છે. પણ જીવનના નિયમ અલગ હોય છે. અચાનક એક દિવસ લાખો અવાજ બનીને દુનિયા તમારી સામે ઊભી હોય છે. આ બધી સમયની કારીગરી છે અને એની સાથેના આપણા સંબંધની પણ. આ સંબંધને સાચી રીતે નિભાવવાની એક રીત છે, સમયને સમજવો, ભૂતકાળનું સમ્યક્ મૂલ્યાંકન કરવું. એવું કરીએ ત્યારે આપણને સમજાય છે કે જેને આપણે વીતી ચૂકેલો સમજેલા એ સમય અનેક ચીજોના અર્થ આપણને પકડાવીને ઓઝલ થયો છે...