Saturday, July 9, 2011

જીવનનો અર્થ શો છે?

જીવન કેવું છે? આ સવાલનો જવાબ તો મળી શકે, પણ જીવન શા માટે છે એના જવાબમાં તમે શું કહેશો?

જીવતા હોવાના ઘણા બધા અર્થ છે અને બધા અલગ અલગ પણ છે. જીવનમાં કુતૂહલ અને જિજ્ઞાસાનું ઊંચું સ્થાન છે. મનુષ્ય પાસે મગજ છે એટલે વિચાર પણ છે અને સવાલ પણ છે. વિદ્વાનો પાસે આ સવાલના જવાબ તો હોય છે, પણ વાસ્તવમાં આપણા જીવનમાં અનેક સવાલ અનુત્તર રહી જતા હોય છે. સાચી વાત તો એ છે કે અમુક સવાલના જવાબ હોતા જ નથી. વિજ્ઞાનની વાત કરીએ.

કહેવાય છે કે વિજ્ઞાન પાશે નક્કર અને વિશ્વસનીય જવાબો હોય છે, પણ સમજવા જેવી વાત એ છે કે વિજ્ઞાન પાસે જે જવાબો છે એ ‘કેવી રીતે’ (હાઉ?) સાથે સંકળાયેલા સવાલોના જવાબ છે. ‘શા માટે’ (વ્હાય?)ના મામલે તો વિજ્ઞાન પણ અનેક મામલે માથું ખંજવાળતું અટકી પડે છે.

‘શા માટે’ પ્રકારના સવાલોના યોગ્ય જવાબ આપવા લગભગ અસંભવ છે, અને અગર અપાય તો પણ એ જવાબમાં વળી બીજો સવાલ છૂપાયેલો જડી આવશે. પરિણામે, એક જવાબ મળ્યા પછી ફરી આપણે, એમાંથી ઊઠેલા સવાલના જવાબની શોધમાં અટવાઈ પડીએ છીએ.

જિંદગીની વ્યાખ્યામાં પણ છેવટે તો ‘જીવન શા માટે?’ એ સવાલ મહત્વનો બની રહે છે. એક આ સવાલ લો: આપણે દુનિયામાં કેવી રીતે આવ્યા? એના ઘણા બધા જવાબો છે - પૃથ્વી પર મોટી ઉથલપાથલ થઈ, વિકાસ થયો, વધુ શક્તિશાળી જાતિ-પ્રજાતિ ટકી ગઈ વગેરે વગેરે... પણ મૂળ સવાલ એ છે કે ‘માણસજાત જન્મી શા માટે?’ હવે આ સવાલનો જવાબ કેવી રીતે શોધવો?

આવા પ્રશ્નના જવાબ શોધવાની દિશામાં અલગ અલગ ધર્મોએ ઘણી મહેનત કરી છે. ધર્માચાર્યોએ માનવનાં જીવનમૂલ્યો, ઉષ્માભર્યા માનવીય સંબંધો, એકમેક આધારિત વિશ્વાસના માર્ગે જીવનનો સંદર્ભ સમજાવવાના પ્રયાસ કર્યા છે, પરંતુ આ બધા એમણે પોતે જ પ્રમાણિત કરેલાં છે. આ વિચારની કોઈ વૈજ્ઞાનિક સમજણ નથી અપાઈ. ગુરુની વાત માનવી કે ન માનવી એનો આધાર તમારા પર છે. માનો તો સાચું, ન માનો તો ખોટું. અહીં વારસાગત બાબતો બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તમે કોઈ વાતમાં કેટલી શ્રદ્ધા ધરાવશો (કે નહીં ધરાવો) એનો આધાર તમારા પર છે.

હું જ્યારે પણ વિચારોથી ધેરાઈ જાઉં છું, ત્યારે સૌથી પહેલા એ વિચારું છું કે દુનિયામાં અર્થપૂર્ણ જેવું કંઈ છે કે નહીં? આવા સવાલનો કોઈ વૈજ્ઞાનિક અને પ્રામાણિક જવાબ નથી મળતો. સાચું એ છે કે દરેક માણસ પોતાની અંદર એકલો જ હોય છે. એને માટે જીવન શું છે એનો જવાબ એના પેઢીગત વારસા, વાતાવરણ તેમ જ ઈતિહાસમાં મળે છે. એની પ્રકૃતિ પ્રમાણે એ અમુક વાતો સ્વીકારીને જીવતો હોય છે.

તમે ખાવા-પીવા, પહેરવા-ઓઢવાના શોખીન માણસ હો કે ઈન્દ્રિયો પર ચુસ્ત અંકુશ રાખી શકતા હો, તમે કોઈ ખરેખરા મહાનાયક હો કે એકદમ કાયર માણસ હો, સમાજમાં તમારી છાપ સ્વાર્થીની હોય કે તમે ખરેખર પરોપકારી હો - તમે જે પણ હો, જેવા પણ હો, એ કારણે તથા તમારી સાથે જે કંઈ પણ બને છે એના થકી પોતાની ક્રિયા-પ્રતિક્રિયા, વાત-વ્યવહારના સહારે તમે ઘણું બધું જાહેર કરો છો. વ્યક્તિ તરીકે જીવનનો અર્થ એ જ હોય છે કે આ ભાઈ એટલે આવા આવા આવા માણસ.

જોકે આ પણ અંતિમ નિષ્કર્ષ ન હોઈ શકે. મારે માટે વ્યક્તિગત રીતે જીવનનો ઘણો ખાસ અર્થ છે, જે મારાં કાર્યોથી સ્પષ્ટ થાય છે. એમાં મારાં મૂલ્યોથી નક્કી થયેલી વ્યવસ્થા છે, જિંદગી અંગેનું મારું સામાન્ય દર્શન છે... પરંતુ મારી વિચારણા અને તમારી વિચારણા એક તો હોઈ ન શકે... એટલે અહીં પાછો સવાલ ઊભો થાય કે કોણ સાચું છે... છેવટે, અર્થ આ જ નીકળે છે... જીવનના અર્થ સંબંધી સંપૂર્ણ અને સર્વમાન્ય જવાબ કોઈની પાસે, કોઈપણ સ્તરે નથી.

રજૂઆત : ચંડીદત્ત શુકલ

(પ્રા. એચ. જે. એસેંકનો જન્મ જર્મનીના બર્લિનમાં ૧૯૧૬ની ૪ માર્ચે થયેલો. ૧૯૪૨થી ૧૯૪૫ સુધી તેઓ મિલ હિલ ઈમર્જન્સી હોસ્પિટલમાં રિસર્ચ સાઈકોલોજિસ્ટ તરીકે કાર્યરત રહેલા. એ પછી એસેંકે લંડનની માઉડસ્લે હોસ્પિટલમાં મનોવિજ્ઞાનીનું પદ સંભાળેલું. એમનાં બહુચર્ચિત પુસ્તકો છે: ‘યુસેજ એન્ડ એબ્યૂઝઝ ઓફ સાઈકોલોજી’, ‘ડિકલાઈન એન્ડ ફોલ ઓફ ધ ફ્રોડિયન અમ્પાયર’ તથા ‘નો યોર ઓન આઈક્યૂ’.)

No comments:

Post a Comment