Tuesday, October 11, 2011

તારી અને મારી વાત - હંસલ ભચેચ

‘પ્રેમ’ એટલે પોતાના સાથીની મર્યાદાઓને સાચા અર્થમાં સ્વીકારીને તેના અસ્તિત્વને, તેના સાનિઘ્યને ચાહવું!
પ્રેમ એટલે શું નહીં ?!



પ્રેમમાં પડેલી કોઈપણ વ્યક્તિ માટે તેના પ્રેમી/કાથી વિશેષ કોઈ વ્યક્તિ નથી હોતી. આ પૈકી મોટા ભાગની વ્યક્તિઓ એવું માનતી હોય છે કે પોતાનું પ્રિયપાત્ર એક સંપૂર્ણ વ્યક્તિ છે. તેને પ્રિયપાત્રમાં રહેલી કોઈ ત્રુટિઓ દેખાતી નથી અને એટલે જ ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ની ઉક્તિ પ્રચલિત થઈ છે. પ્રેમમાં પોતાની સાથીની ત્રુટિઓ જોવાનો વ્યવહાર જ નથી.

ઘણાં તો વળી એટલી હદે પહોંચી જતા હોય છે કે પોતાના સાથીઓમાં કોઈ ત્રુટિ હોય તે માનવા જ તૈયાર નથી થતા. એક પ્રકારની જડતા જ જોઈ લો. લોકો આ જડત્વને પ્રેમ ગણાવે છે પરંતુ આ પ્રેમ નથી મોહ  (ૈંહકચોર્ચૌહ) છે. સમય જતાં મોહ દૂર થાય છે અને નાનામાં નાની ત્રુટીઓ વિરાટ રૂપ ધારણ કરતી જણાય છે ! રૂપાની ઘંટડી જેવો લાગતો અવાજ ફાટેલા સાયલેન્સરમાંથી નીકળતા અવાજ તેવો કર્કશ લાગવા માંડે છે ! મર્દાનગી લુખાગીરી અને નજાકત ચાંપલાશ લાગવા માંડે છે !


પ્રેમ એટલે પોતાના સાથીની મર્યાદાઓ અને ત્રુટિઓ પ્રત્યે અંધાપો સેવવો એમ નહીં પરંતુ, પ્રેમ એટલે લાગણીઓની સાથે સાથે તમારા સાથીની મર્યાદાઓ-ત્રુટિઓ અંગે સંપૂર્ણ સભાનતા અને માત્ર સભાનતા જ નહીં તેની વાસ્તવિક સ્વીકૃતિ પણ ખરી. મોહ તમને જોયું ના જોયું કરતા શીખવે છે પરંતુ પ્રેમ તમારી સામે વાસ્તવિક ચિત્ર ખડું કરે છે. જ્યારે તમે સાથીની મર્યાદાઓ નજર અંદાજ કરો છો ત્યારે તમે તમારી જાતને છેતરો છો અને સમયની સાથે મોહ લુપ્ત થતા તમે છેતરાયા હોવ તેવો અફસોસ કરતાં રહો છો. સહજીવનમાં આ પ્રકારની લાગણીઓ દુઃખ, અસલામતી અને નિસહાયતાથી વિશેષ બીજું શું આપી શકે ?! પરંતુ, આ જ મર્યાદાઓને જ્યારે તમે તેના સાચા સ્વરૂપમાં સ્વીકારો છો ત્યારે તમારામાં એક સાચો લગાવ પેદા થાય છે. એક એવો લગાવ કે જે મોહ ભાંગી જવા છતાં પણ પ્રેમને અકબંધ રાખવા સક્ષમ છે.

જે વ્યક્તિઓ મોહવશ પોતાના સાથીની મર્યાદાઓ - અપૂર્ણતા નજર અંદાજ કરે છે અને પોતાના આ વલણને ગાઢ પ્રેમની અભિવ્યક્તિ માની બેસે છે, તેને સંબંધમાં ક્યારેક ને ક્યારેક આ મર્યાદાઓ ખૂંચે છે અને જુદી જુદી રીતે તે સાથીને તેની આ મર્યાદાઓનું ભાન કરાવ્યા કરે છે. પ્રેમ એટલે સાથીની મર્યાદાઓનું ભાન કરાવ્યા કરવું એમ નહીં, પણ ‘પ્રેમ’ એટલે વ્યક્તિગત મર્યાદાઓથી ઉપર થઈને લાગણીઓનું વહેવું.

‘પ્રેમ’ એટલે પોતાના સાથીને પોતાની પસંદ નાપસંદ પ્રમાણે બદલવા પરિશ્રમ કરવો એમ નહીં, ‘પ્રેમ’ એટલે પોતાના સાથીની વ્યક્તિગત મર્યાદાઓને સાચા અર્થમાં સ્વીકારીને તેના અસ્તિત્વને, તેના સાનિઘ્યને ચાહવું ! આ સંજોગોમાં જો તમારો સાથી સંવેદનશીલ હોય તો તેને તમારા ગમા-અણગમાનો ખ્યાલ આપોઆપ આવે છે અને આપમેળે તે બદલવા માંડે છે.


ઘણી વ્યક્તિઓ પોતાના સાથીની સ્વભાવગત કે વ્યવહારની મર્યાદાઓ કે નબળાઈઓથી સંપૂર્ણપણે વાકેફ હોય છે તેની સાથે જ તેમને સ્વીકારે પણ છે પરંતુ, મનોમન તેને પોતાના પ્રેમથી બદલી નાખવાનો વિશ્વાસ અને ઈરાદો બન્ને રાખતા હોય છે. વ્યક્તિઓને બદલવાનું ગણિત આટલું સરળ નથી અને માત્ર પ્રેમથી વ્યક્તિઓ બદલાતી નથી. બીજા ઘણા પરિબળો ભાગ ભજવે છે. સમય જતા ધીરજ ખૂટે છે. પ્રેમથી બદલી નાખવાનો વિશ્વાસ અધિરાઈનું રૂપ લઈ લે છે. અધીરાઈ ધીરે ધીરે ટોણા-ટીપ્પણીઓમાં પરિણમે, સંબંધોમાં મન ઊંચા થવા માંડે અને સરવાળે ‘પ્રેમ’ ભૂલ બનીને રહી જાય !


વાતો તરીકે આ બઘું શીરાની જેમ ગળે ઉતરી જાય છે એમ છે પણ વ્યવહારમાં તે ઘણી ઊંડી સમજ અને પરિપક્વતા માંગી લે છે ! ‘પ્રેમ’નું તો એવું જ છે હૈયામાં જુદો, વ્યવહારમાં જુદો અને વાસ્તવિકતામાં તો સાવ જુદો (ક્રમશઃ) પૂર્ણવિરામ ઃ પ્રેમિકા સાથે દલીલોમાં જીત્યા પછી પ્રેમીએ શું કરવું ?!
તરત જ પોતાની જીતની માફી માંગી લેવી !!

Sunday, September 25, 2011

‘મુખવાસ’

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથીતેની ચિંતા છોડશો તો છેતેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
[21] માણસને મોતથી વધુ એનાં ડરની બીક લાગે છે !
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !
[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.
[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !

Thursday, August 25, 2011

જીવનપ્રેરક વિચાર-સંચય

[1] આપણે જ્ઞાનનો અર્થ જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોમાં બુક્કો મારવાથી ભોજન થતું નથી. મોમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ અને ત્યાં પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી, જાણવાથી કામ પતતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હૃદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધામાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ. – વિનોબા
[2] વૈદ્યની કેવળ ભક્તિ કરવાથી બીમારી મટશે નહિ. વૈદ્ય કહે તે પ્રમાણે પથ્યનું પાલન કરીએ તો બીમારી મટે. કોઈ વ્યાયામવીરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી આપણામાં તાકાત નહિ આવે, પણ જે રીતે તેણે તાકાત મેળવી તે ક્રમ પ્રમાણે ચાલવાથી તાકાત આવશે. તેવી જ રીતે કેવળ સંત-સજ્જનોનું નામ લેવાથી કે તેમનું પૂજન કરવાથી કલ્યાણ થતું નથી, પણ તેમણે બતાવેલા માર્ગે જવામાં કલ્યાણ છે. શબ્દોની કઢી કે શબ્દોના ભાત ખાવાથી તૃપ્તિ થશે નહિ, તૃપ્તિ તો જેની ભૂખ હોય તે મળે ત્યારે થાય. – કેદારનાથ

[3] વાતોડિયા લોકો કામ ઓછું કરે છે અને સમય વેડફે છે. કામ કરનારા વાતો ઓછી કરે છે. હોય તેથી વધુ કે ઓછું કે ઊલટું બોલવું તે અસત્ય છે. બીજાની વિરુદ્ધની વાતોનો પ્રચાર ન કરો. કેમ કે તે ખોટી પણ હોય. અને સાચી હોય તોપણ પ્રચાર ન કરો. આપણી કોઈ ખરાબ બાબતનો પ્રચાર થતાં આપણને કેવું લાગે છે ? જીભને વશ થવું એટલે હલકા સ્વભાવને વશ થવું. કેટલુંયે બોલવાથી કંઈ જ મળતું નથી, ઉપરથી પાર વિનાની મુશ્કેલીઓ સર્જાય છે. મૌન પાળતાં શીખો. ગ્રીસમાં મહાત્મા પાયથાગોરસ પોતાના નવા શિષ્યને બે વર્ષ મૌન પળાવતા. ભલે મૌન ન પાળો, પણ જરૂર વગર ન બોલો. પૂછ્યા વગર બોલવાનો અર્થ નથી. હળવાશમય વાતો વખતે પણ નિર્દોષ વાણી હોવી જોઈએ. કોઈની નાની વાતનો છેદ ઉડાડવા દલીલબાજી કરીને કડવાશ ન સર્જવી. બીજાઓને સુધારવાનો કે બીજાઓનો હિસાબ રાખવાનો આપણો ઈજારો નથી. કોઈ પૂછે ત્યારે શાંતિથી, મીઠાશથી બોલવું. – એની બેસન્ટ
[4] મકાનને, ફર્નિચરને, પૈસાને, કપડાંને, વાહનને, પ્રતિષ્ઠાને જેટલી કાળજીથી આપણે સાચવીએ છીએ તેટલી કાળજીથી આપણા શરીરનું જતન કરતા નથી. શરીર, જે જીવનના અંત સુધી મહત્વના હથિયાર તરીકે આપણા જીવનમાં ઉપયોગી થાય છે તે તરફ આપણે જેટલા બેદરકાર રહીએ છીએ તેટલા આપણે દુઃખી થઈએ છીએ. શરીરનું માળખું અમુક અંશે વારસાગત હોય છે, તેમ છતાં તે માળખાની મર્યાદામાં રહી, શરીરને તંદુરસ્ત કે રોગી રાખવાની વાત આપણા હાથની છે. ખોરાક, શ્રમ, વ્યાયામ અને આરામ શરીરને ઘડે છે કે બગાડે છે. જો વિવેકથી ખોરાક અને આરામ લેવાય તથા યોગ્ય પ્રમાણમાં શરીરશ્રમ થાય તો શરીર તંદુરસ્ત રહે. મનની તંદુરસ્તી પણ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દાકતરી સારવાર અને દવાઓની વિપુલ સગવડો માનવીને ઉપલબ્ધ થઈ હોવા છતાં શરીરરોગો કેટલા બધા જોવા મળે છે ? પશુ-પક્ષીઓને તો નથી તેવી સગવડો કે નથી આપણા જેવી બુદ્ધિ, તેમ છતાં કેવાં કિલ્લોલ કરતાં તેઓ જોવા મળે છે ? તેનું કારણ એ છે કે તેઓનું જીવન કુદરતના નિયમો વિરુદ્ધ હોતું નથી, જ્યારે માનવીનું જીવન દિનપ્રતિદિન અકુદરતી બની રહ્યું છે. ધીમા ઝેર સમાં માદક પીણાંઓ-પદાર્થો આપણી તંદુરસ્તી અને આપણા આયુષ્યના દુશ્મનની કામગીરી બજાવી રહ્યાં છે. ઉચ્ચ ધ્યેયવાળી વ્યક્તિએ શરીરને જન્મથી મૃત્યુ સુધીની અત્યંત મૂલ્યવાન થાપણ ગણીને તેની પૂરી દરકાર લેવી જોઈએ. – બબાભાઈ પટેલ
[5] શા માટે લોકો પ્રખ્યાત થવા ઈચ્છે છે ? પ્રથમ તો જાણીતા થવું ફાયદાકારક હોય છે અને તે આપણને ખૂબ આનંદ આપે છે, ખરું ને ? જો તમે આખી દુનિયામાં પ્રખ્યાત હો તો તમે ખૂબ અગત્યના માનવી છો તેવું તમોને લાગે છે. તે તમને અમરતાની લાગણી આપે છે. તમે જાણીતા થવા માગો છો, કીર્તિવાન થવા ઈચ્છો છો અને લોકો તમારા વિશે વાતો કરે તેવું ઈચ્છો છો, કેમ કે તમારી અંદર તમે કશું જ નથી. આંતરિક રીતે કોઈ સમૃદ્ધિ નથી, તેમાં કશું જ નથી તેથી તમે બહારથી, દુનિયામાં જાણીતા થવા ઈચ્છો છો. પણ જો તમે આંતરિક રીતે ભરપૂર હશો તો તમે જાણીતા છો કે નહિ તે તમારા માટે કોઈ જ અર્થ ધરાવતું નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવું એ બાહ્ય રીતે સમૃદ્ધ અને જાણીતા થવા કરતાં ખૂબ જ કઠિન છે. તે ખૂબ જ દરકાર અને તદ્દન નજીકનું ધ્યાન માગી લે છે. જો તમારી પાસે થોડી શક્તિ હોય અને તેનો ઉપયોગ કરતાં આવડતો હોય તો તમે પ્રખ્યાત બની શકો, પણ તેવી રીતે આંતરિક સમૃદ્ધિ આવતી નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવા માટે મન સમજણવાળું હોવું જોઈએ. અને બિનજરૂરી બાબતોને, જેવી કે જાણીતા થવાની ઈચ્છાને, ફેંકી દેવી જોઈએ. આંતરિક સમૃદ્ધિ એટલે તો એકલા ઊભા રહેવું. જે માનવી જાણીતો થવા માગે છે તે એકલો ઊભો રહેતાં ગભરાતો હોય છે કેમ કે તે, લોકોનાં ખુશામત અને સારા અભિપ્રાયો પર જ આધાર રાખતો હોય છે. – જે. કૃષ્ણમૂર્તિ
[6] અહંકાર હજારો માથાંવાળો છે. એના માથાં કપાઈ જાય, છતાં નવાં નવાં જન્મતાં હોય છે. જીવ અટકાઈ જાય, મૂંઝાઈ જાય, લેવાઈ જાય, અકળાઈ જાય, અશાંત થઈ જાય, દુઃખી થઈ જાય, તો હજી એનામાં અહંતા ભરી પડેલી છે તેમ જાણવું. કારણ કે તેની અહંતાને તેવા તેવા પ્રકારના આઘાત લાગે છે. જીવનમાં અનેક પ્રકારના ફાંકાઓ હોય છે. સમજણનો ફાંકો, બુદ્ધિનો ફાંકો, આવડતનો ફાંકો, શક્તિનો ફાંકો, ડહાપણનો ફાંકો, રૂપનો ફાંકો, વ્યવહાર-કુશળતાનો ફાંકો, વૈભવવિલાસનો ફાંકો, ધનનો ફાંકો. આમ વિવિધ પ્રકારના ફાંકા હોય છે. આ બધા ફાંકાઓ આપણા જીવનમાંથી નિર્મૂળ થવા જોઈએ. આવા ફાંકાઓમાં અહમ ઘણો મોટો ભાગ ભજવતો હોય છે. આથી અહમ પર ફટકા પડે ત્યારે સાધક-જીવનને ઘણો આનંદ થવો ઘટે. કશાનું પણ ચોકઠું બનાવી ન દેવું. સમજણનું પણ જો ચોકઠું બની ગયું તો તે બાધક નીવડશે. – શ્રી મોટા
[7] સંસ્કારી મનુષ્યની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે કરી શકાય : એ માણસ કોમના કે કુળના વિચાર કરતો નથી; એ વર્ણના કે જાતિના ભેદ કરતો નથી; એ પ્રદેશ કે ભાષાની ભિન્નતા પર ટકતો નથી. એ મનુષ્યને મનુષ્ય તરીકે જુએ છે, અખંડ મનુષ્ય તરીકે મનુષ્યની ભૂલ પર જ ધ્યાન કેન્દ્રિત કરે એ જેટલું ખોટું કરે છે એટલું જ મનુષ્યના કેવળ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરનારો ખોટું કરે છે. તે બંને, સત્યને આંશિક રૂપે જુએ છે. માણસને તેના સારા-નરસા સમગ્ર સ્વરૂપે જોવો અને સ્વીકારવો એ સંસ્કારિતાનું પ્રથમ લક્ષણ છે. કોઈ પણ સંસ્કારી મનુષ્ય જાણે છે કે પોતે જે કંઈ કરે એનો કમસેકમ એક સાક્ષી તો છે જ, તે સાક્ષી પોતે છે. – હરીન્દ્ર દવે.
[8] તમારા ઘરના પ્રત્યેક ઓરડામાં બે મિનિટ ઊભા રહો અને કહો કે આ એક દિવસ છૂટવાનું છે. સૂતાં પહેલાં તમે તમારી પત્ની તથા બાળકોને જુઓ તો મનમાં કહેજો કે આ બધું એક દિવસ છૂટવાનું છે. રોજ આમ કરીને જુઓ. સમજવાથી ન થતું હોય તો આ રીતે કરી જુઓ. ધ્યાન વગેરે ન થાય તો ન કરશો, પણ આ તો કરી જુઓ. તમે કહો કે ‘હું નહિ છોડું તોપણ આ તો છૂટી જ જશે.’ મૃત્યુનું વિસ્મરણ જ માયા છે. સૌએ જવાનું તો છે જ. કોઈ રોતા રોતા ગયા, કોઈ હસતા-હસાવતા ગયા, કોઈ હાથ-પગ ઘસતા ગયા… જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ પરમાત્માના આહારની એક પદ્ધતિ છે. સો વર્ષની જિંદગીમાં શું કરવું છે એનો ફેંસલો થઈ જવો જોઈએ. શરીર અમર નથી. શરીરનો ધર્મ છે જન્મ લેવો અને મરવું. મરણ અટલ છે. મૃત્યુ તમને એક ઝાટકામાં અહંકારના ખૂંટા પર બાંધેલી રસીને તોડીને લઈ જશે જ. જ્યારે નાટકમાં કામ કરવાનું થાય છે ત્યારે આપણને ખબર હોય છે કે હું રાજા-રાણી-ખલનાયક કે વિદૂષક બન્યો છું. એ કેવળ ત્રણ કલાક માટે જ છે. નાટક ખતમ થયા પછી મારે ચાલ્યા જવાનું જ છે. મંચ પર બેસી રહેવાનું નથી. તેવી જ રીતે આપણે જે શરીરમાં આવ્યા છીએ, આપણને તન-મન-બુદ્ધિ મળ્યાં છે તેનો એક દિવસ અંત આવવાનો જ છે એટલું યાદ રાખવું જોઈએ. મરવાની ઘડીએ તમે એકલા જ છો. – વિમલા ઠકાર
[9] શુભ કાર્ય કે અશુભ કાર્ય જેવું કંઈ નથી. ફકત શુભ મન અને અશુભ મન છે. અશુભ મન એટલે મનની અજાગૃત સ્થિતિ. શુભ મન એટલે મનની જાગૃત સ્થિતિ. જે કંઈ જાગૃતિ દ્વારા સંભવે છે તે સુંદર, નૈતિક છે, અને જે કંઈ જાગૃતિ વગર સંભવે છે તે અસુંદર, અનૈતિક છે. ફક્ત એક જ સદગુણ છે અને તે જાગૃતિ. તમારી જાગૃતતા જે કંઈ કરાવે તે કરો. એવાં કાર્યો ન કરો જે ફક્ત ત્યારે જ થઈ શકે જ્યારે તમે અજાગૃત હો. એવી ઘણી વાતો છે જે તમે અજાગૃત હો ત્યારે જ કરી શકો. – રજનીશજી
[10] તમે જે સાંભળ્યું હોય તેમાં શ્રદ્ધા ન રાખો. કોઈ વિધાનો પેઢીઓથી ચાલ્યાં આવે છે માટે જ તેમાં ન માનો. કોઈ પ્રાચીન મહર્ષિએ તે કહ્યું છે માટે પણ તે ન માનો. તમે જે સત્યો વિશે રોજની ટેવથી ટેવાઈ ગયા હો તોપણ તે ન માનો. તમારા ગુરુઓ અને વડીલોનો આદેશ છે માટે પણ ન માનો. પણ તમે જાતે વિચાર કરો, પૃથક્કરણ કરી જુઓ અને જ્યારે પરિણામ બુદ્ધિને સ્વીકાર્ય બને તથા સર્વ કોઈનું ભલું કરે એવું દેખાય ત્યારે તેને સ્વીકારો અને તે પ્રમાણે જીવન જીવો. – બુદ્ધ

[‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર.]

Thursday, August 11, 2011

જીવનના સાત પગલા...


૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે…..
(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે….
(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…
અને અનેક નવી મૂંઝવણો….
(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…
તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..
અને કુરબાન થવાની આશા છે.
(૫) પ્રૌઢાવસ્થા
ખુદને માટે કશુ ન વિચારતા…
બીજા માટે કરી છુટવાની ખુશી છે.
કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.
(૬) ઘડપણ
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…
(૭) મરણ
જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે…
નાડીએ નાડીએ કર્મ તૂટશે..
પાપ-પૂણ્યનો મર્મ ખુલશે…
ધર્મ-કર્મનો હિસાબ થશે…
સ્વર્ગ-નરકનો માર્ગ થશે….
પોતાનાનો પ્યાર છુટશે………
અને… સાત પગલા પુરા થશે…..
માટે..

સાત પગલાની..
પાણી પહેલા પાળ બાંધો….

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.
(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!
(૩) જો તમને…
પહેરવા કપડા, રહેવા ઘર અને..
બે ટાઇમ અન્ન મળતું હોય તો…
ઉપરવાળાનો આભાર માનજો..
તમારાથી બીજા કેટલા સુખી છે..
તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..
તે જોશો તો… તમારે માટે સ્વર્ગ અહીં જ છે!
(૪) તમે પૈસાદાર હો કે ગરીબ..
બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
મુખ્ય વાત તો એ જ છે કે.. તમારી ખોટ કેટલાને પડી? તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

Thursday, August 4, 2011

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

 

 

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મારી સમક્ષ કં પણ બોલતા પહેલા વિચાર કરવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

મારી હાજરીમાં તું જરા જેટલો પણ સંકોચ અનુભવતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

હું તારા માટે કંઈ પણ કરું તેનો તારે આભાર માનવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મને વિનંતી કરવી પડતી હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું વિચારતો હોય કે હું તારા જીવનની નવી ફિલોસોફી જાણવા ઉત્સુક નથી!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું હું જે કહું તે જ સમજે પણ હું જે ન કહું તે ન સમજતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તારા સ્વપ્નો વિષે સાંભળતા મને ઉંઘ આવી જશે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તને દુ:ખમાં જોઈને મારી આંખમાં આંસુ નહિં આવે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે આપણી પ્રથમ મુલાકાત ક્યારે થઈ હતી એ મને યાદ નહિં હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને એ ન દેખાતું હોય કે કઈ રીતે હું તને ખુશ કરવાના હજારો પ્રયત્ન કરતો રહું છું!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને ખ્યાલ ન આવતો હોય કે કઈ રીતે ફક્ત તારું એક સ્મિત મારો દિવસ સાર્થક કરી નાંખે છે!

હું તારો સાચો મિત્ર નથી જો...

જ્યારે તને ખરેખર ખૂબ વાત કરવાની ઇચ્છા હોય પણ તું મારી સામે ચૂપ રહેતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને જ્યારે એવી ઇચ્છા થતી હોય કે આપણે સાથે રહેવું જોઇએ પણ છતાં તું મને એમ કહેતા ખચકાતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું મને હું તારા માટે શું છું એ કહેવામાં ખૂબ વધારે સમય લેતો હોય! શું હું ખરેખર તારો મિત્ર છું?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



તમારું હ્રદય તમારો પ્રેમ છે...

તમારો પ્રેમ તમારું કુટુંબ છે...

તમારું કુટુંબ તમારું ભવિષ્ય છે...

તમારું ભવિષ્ય તમારું નસીબ છે...

તમારું નસીબ તમારી મહત્વકાંક્ષા છે...

તમારી મહત્વકાંક્ષા તમારી આશા છે...

તમારી આશા તમારો પ્રેરણાસ્ત્રોત છે...

તમારો પ્રેરણાસ્ત્રોત તમારી શ્રદ્ધા છે

તમારી શ્રદ્ધા તમારી શાંતિ છે...

તમારી શાંતિ તમારું લક્ષ્ય છે...

તમારું લક્ષ્ય તમારા મિત્રો છે..

જીવન મિત્રો વગર રસહીન છે...

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મિત્રતાની ભાષા શબ્દોની નહિં,અર્થની છે.

જીવન અડધું આપણે તેને જે બનાવીએ તે છે અને બાકીનું અડધું આપણે જે મિત્રો પસંદ કરીએ છીએ તેના દ્વારા બને છે.

દરેક મનુષ્ય જીવનમાં સાચા મિત્ર શોધતો હોય છે.

મિત્ર બનવું એ ખૂબ ઝડપથી થઈ શકે છે,પણ મિત્રતા એ ધીરે ધીરે પાકતું ફળ છે.

મિત્ર એ છે જે તમને સંપૂર્ણપણે જાણે છે અને છતાં તમને પસંદ કરે છે.

જેનો એકાદ મિત્ર હોય એવો કોઈ જ માણસ નકામો હોતો નથી.

પ્રેમ કોઈક મહાન માણસ કરતાં પણ મહાન હોય છે,મિત્રતા પ્રેમ કરતાં પણ મહાન હોય છે.
ભગવાન કરે તમને ખૂબ બધાં મિત્રો મળે અને એ પણ સાચા મિત્રો!

('ઈન્ટરનેટ પરથી')

Sunday, July 31, 2011

આ શ્રાવણ માસમાં ઇચ્છિત ફળ મેળવવા આટલું કરો

શ્રાવણ માસએ શિવનાં આરાધ્ય માટે વિશેષ ગણાય છે.ઇશ્વર પાસેથી મનુષ્યની કંઇક મેળવવાની ઇચ્છા અવિરતપણે ચાલુ જ હોય છે. દરેક મનુષ્યના દુખ અને સમસ્યાઓ અલગ હોય છે, પરંતુ તેનું નિરાકરણ એક જ છે. તે છે પરમેશ્વર મહાદેવની આરાધના.

ભગવાન શિવ સ્મશાનમાં નિવાસ કરે છે. તેઓ નિરાકાર અને નિર્લેપ છે, પરંતુ તેઓ સંસારીઓની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. શિવ ખૂબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તેમનો ક્રોધ પણ સંસારના કલ્યાણના હિતમાં જ હોય છે. પ્રાણીઓને જે કંઇ પણ મળ્યું છે તે તેમની કૃપાથી જ મળ્યું છે. તેમની કૃપાના બદલામાં આપણે માત્ર આપણું મન અને આપણી ભાવના જ તેમને સમર્પિત કરી શકીએ છીએ. દયાળુ ભોળાનાથ તો ફૂલ-પાન ચઢાવતા પણ પ્રસન્ન થઇ જાય છે.

ઇશ્વર પાસેથી મનુષ્યની કંઇક મેળવવાની ઇચ્છા અવિરતપણે ચાલુ જ હોય છે. દરેક મનુષ્યના દુખ અને સમસ્યાઓ અલગ હોય છે, પરંતુ તેનું નિરાકરણ એક જ છે. તે છે પરમેશ્વર મહાદેવની આરાધના. અન્ન અર્પણ કરવાથી ભગવાન શંકરને પ્રસન્ન કરી શકાય છે.ભોળા કહેવાતાં ભોળાનાથ ભક્તોની કામનાને જલ્દી પુરી કરે છે પરંતુ જુદી-જુદી કામનાઓ માટે શિવને અલગ-અલગ અન્ન અર્પિત કરવા જોઇએ.

- સ્વચ્છ પાણીમાં સાતવાર ધોવામાં આવ્યા હોય તેવા અક્ષત એટલે કે આખા ચોખા શિવને અર્પણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

- સારી ગુણવત્તાવાળા ઘઉં ચઢાવવાથી સંતાન સંબંધિત મનોકામના પૂર્ણ થાય છે.- સુખપ્રાપ્તિ માટે મગ અર્પણ કરવા.

- શિવને આ વસ્તુઓ અર્પણ કરવાનો અર્થ છે ગરીબોને તૃપ્ત કરવા.

આ કાર્યો દ્વારા મહાદેવ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત ફળ આપે છે.

Friday, July 29, 2011

ભગવાન સાથે ઇન્ટરવ્યૂ


હમણાં ઈન્ટરનેટ પર એક મઝાની વાત વાંચી ભગવાન સાથે ઇન્ટરવ્યૂ. એક અનામી લેખકને સ્વપ્ન આવ્યું તેની આ વાત છે.
‘શું તારે મારો ઇન્ટરવ્યૂ લેવો છે ?’ ભગવાને પૂછ્યું .
‘તમને સમય હોય તો ઇન્ટરવ્યૂ લેવો છે.’
ભગવાને સ્મિત કરીને કહ્યું : ‘મારો સમય તો અનંત છે. તારે 
મને શું પૂછવું છે ?’
‘માનવજાત વિશે તમને સૌથી વધુ આશ્ચર્ય કઈ બાબતનું થાય છે ?’
ભગવાને કહ્યું :
‘જયારે તે બાળક હોય છે ત્યારે તેને જલ્દી મોટા થવું હોય  છે
અને મોટા થયા પછી ફરી વાર બાળક થવાનું મન થાય છે .’
‘પૈસા કમાવવામાં તંદુરસ્તી ગુમાવે છે અને તંદુરસ્તી પાછી
મેળવવા પૈસા ગુમાવે છે.’
‘ભવિષ્યની ફિકરમાં વર્તમાનને ભૂલી જાય છે એટલે નથી રહેતો 
વર્તમાનમાં કે ભવિષ્યમાં.’
‘એવી રીતે જીવે છે કે જાણે મોત કદી આવવાનું નથી અને
જયારે મોત આવે ત્યારે જિંદગીનો આંનદ ભૂલી જાય છે.’
ભગવાને મારા હાથમાં હાથ લીધો . થોડી ક્ષણો મૌન રહ્યા પછી
મેં પૂછ્યું : ‘તમારા બાળકો જીવનમાંથી કયા બોધપાઠ લે……પિતા
તરીકે તમને શું લાગે છે ?’
ભગવાને હસીને કહ્યું :
‘બીજા તમને પ્રેમ કરે એવી અપેક્ષા ન રાખવી .તમારા પ્રત્યે
સહેજે પ્રેમ થાય એવું થવું જોઈએ એ ખ્યાલમાં રાખવું.’
‘તમારી પાસે શું છે એના કરતાં તમારા જીવનમાં કોણ છે એ
વધારે મહત્વનું છે એ નહિ ભૂલવું .’
‘તમારી જાતને કદી બીજા સાથે સરખાવવી નહિ.’
‘પોતાની પાસે વધુ હોય એ ધનવાન નથી પણ જેની જરૂરિયાત 
ઓછામાં ઓછી હોય એ ખરો ધનિક છે એ હમેશાં યાદ રાખવું.’
‘પ્રિય વ્યક્તિના દિલને દુભાવવામાં વાર નથી લગતી પણ
એ ઘા રૂઝાતા વરસો લાગી જાય છે.’
‘હમેશાં માફ કરતાં રહેવાથી ક્ષમાનો ગુણ કેળવાય છે.’
‘આપણને આમ તો ઘણાં લોકો ચાહતા હોય છે પણ
કમનસીબે એ વ્યક્ત કરતાં એમને આવડતું નથી હોતું.’
‘પૈસાથી બધું ખરીદી શકાય છે, પણ સુખ નહિ.’
‘એક જ વસ્તુને બે લોકો જુદી જુદી રીતે જુએ એવું સહેજે બને.’
‘બીજા લોકો આપણને માફ કરે એ પુરતું નથી. આપણે પણ
આપણી જાતને માફ કરીએ એ વધુ જરૂરી છે.’
‘હું સદાય તમારી સાથે જ છું એ કદી ન ભૂલવું.’

( “જન્મભૂમી-પ્રવાસી “માંથી  સાભાર  – શાંતિલાલ ડગલી )

Saturday, July 9, 2011

જીવનનો અર્થ શો છે?

જીવન કેવું છે? આ સવાલનો જવાબ તો મળી શકે, પણ જીવન શા માટે છે એના જવાબમાં તમે શું કહેશો?

જીવતા હોવાના ઘણા બધા અર્થ છે અને બધા અલગ અલગ પણ છે. જીવનમાં કુતૂહલ અને જિજ્ઞાસાનું ઊંચું સ્થાન છે. મનુષ્ય પાસે મગજ છે એટલે વિચાર પણ છે અને સવાલ પણ છે. વિદ્વાનો પાસે આ સવાલના જવાબ તો હોય છે, પણ વાસ્તવમાં આપણા જીવનમાં અનેક સવાલ અનુત્તર રહી જતા હોય છે. સાચી વાત તો એ છે કે અમુક સવાલના જવાબ હોતા જ નથી. વિજ્ઞાનની વાત કરીએ.

કહેવાય છે કે વિજ્ઞાન પાશે નક્કર અને વિશ્વસનીય જવાબો હોય છે, પણ સમજવા જેવી વાત એ છે કે વિજ્ઞાન પાસે જે જવાબો છે એ ‘કેવી રીતે’ (હાઉ?) સાથે સંકળાયેલા સવાલોના જવાબ છે. ‘શા માટે’ (વ્હાય?)ના મામલે તો વિજ્ઞાન પણ અનેક મામલે માથું ખંજવાળતું અટકી પડે છે.

‘શા માટે’ પ્રકારના સવાલોના યોગ્ય જવાબ આપવા લગભગ અસંભવ છે, અને અગર અપાય તો પણ એ જવાબમાં વળી બીજો સવાલ છૂપાયેલો જડી આવશે. પરિણામે, એક જવાબ મળ્યા પછી ફરી આપણે, એમાંથી ઊઠેલા સવાલના જવાબની શોધમાં અટવાઈ પડીએ છીએ.

જિંદગીની વ્યાખ્યામાં પણ છેવટે તો ‘જીવન શા માટે?’ એ સવાલ મહત્વનો બની રહે છે. એક આ સવાલ લો: આપણે દુનિયામાં કેવી રીતે આવ્યા? એના ઘણા બધા જવાબો છે - પૃથ્વી પર મોટી ઉથલપાથલ થઈ, વિકાસ થયો, વધુ શક્તિશાળી જાતિ-પ્રજાતિ ટકી ગઈ વગેરે વગેરે... પણ મૂળ સવાલ એ છે કે ‘માણસજાત જન્મી શા માટે?’ હવે આ સવાલનો જવાબ કેવી રીતે શોધવો?

આવા પ્રશ્નના જવાબ શોધવાની દિશામાં અલગ અલગ ધર્મોએ ઘણી મહેનત કરી છે. ધર્માચાર્યોએ માનવનાં જીવનમૂલ્યો, ઉષ્માભર્યા માનવીય સંબંધો, એકમેક આધારિત વિશ્વાસના માર્ગે જીવનનો સંદર્ભ સમજાવવાના પ્રયાસ કર્યા છે, પરંતુ આ બધા એમણે પોતે જ પ્રમાણિત કરેલાં છે. આ વિચારની કોઈ વૈજ્ઞાનિક સમજણ નથી અપાઈ. ગુરુની વાત માનવી કે ન માનવી એનો આધાર તમારા પર છે. માનો તો સાચું, ન માનો તો ખોટું. અહીં વારસાગત બાબતો બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તમે કોઈ વાતમાં કેટલી શ્રદ્ધા ધરાવશો (કે નહીં ધરાવો) એનો આધાર તમારા પર છે.

હું જ્યારે પણ વિચારોથી ધેરાઈ જાઉં છું, ત્યારે સૌથી પહેલા એ વિચારું છું કે દુનિયામાં અર્થપૂર્ણ જેવું કંઈ છે કે નહીં? આવા સવાલનો કોઈ વૈજ્ઞાનિક અને પ્રામાણિક જવાબ નથી મળતો. સાચું એ છે કે દરેક માણસ પોતાની અંદર એકલો જ હોય છે. એને માટે જીવન શું છે એનો જવાબ એના પેઢીગત વારસા, વાતાવરણ તેમ જ ઈતિહાસમાં મળે છે. એની પ્રકૃતિ પ્રમાણે એ અમુક વાતો સ્વીકારીને જીવતો હોય છે.

તમે ખાવા-પીવા, પહેરવા-ઓઢવાના શોખીન માણસ હો કે ઈન્દ્રિયો પર ચુસ્ત અંકુશ રાખી શકતા હો, તમે કોઈ ખરેખરા મહાનાયક હો કે એકદમ કાયર માણસ હો, સમાજમાં તમારી છાપ સ્વાર્થીની હોય કે તમે ખરેખર પરોપકારી હો - તમે જે પણ હો, જેવા પણ હો, એ કારણે તથા તમારી સાથે જે કંઈ પણ બને છે એના થકી પોતાની ક્રિયા-પ્રતિક્રિયા, વાત-વ્યવહારના સહારે તમે ઘણું બધું જાહેર કરો છો. વ્યક્તિ તરીકે જીવનનો અર્થ એ જ હોય છે કે આ ભાઈ એટલે આવા આવા આવા માણસ.

જોકે આ પણ અંતિમ નિષ્કર્ષ ન હોઈ શકે. મારે માટે વ્યક્તિગત રીતે જીવનનો ઘણો ખાસ અર્થ છે, જે મારાં કાર્યોથી સ્પષ્ટ થાય છે. એમાં મારાં મૂલ્યોથી નક્કી થયેલી વ્યવસ્થા છે, જિંદગી અંગેનું મારું સામાન્ય દર્શન છે... પરંતુ મારી વિચારણા અને તમારી વિચારણા એક તો હોઈ ન શકે... એટલે અહીં પાછો સવાલ ઊભો થાય કે કોણ સાચું છે... છેવટે, અર્થ આ જ નીકળે છે... જીવનના અર્થ સંબંધી સંપૂર્ણ અને સર્વમાન્ય જવાબ કોઈની પાસે, કોઈપણ સ્તરે નથી.

રજૂઆત : ચંડીદત્ત શુકલ

(પ્રા. એચ. જે. એસેંકનો જન્મ જર્મનીના બર્લિનમાં ૧૯૧૬ની ૪ માર્ચે થયેલો. ૧૯૪૨થી ૧૯૪૫ સુધી તેઓ મિલ હિલ ઈમર્જન્સી હોસ્પિટલમાં રિસર્ચ સાઈકોલોજિસ્ટ તરીકે કાર્યરત રહેલા. એ પછી એસેંકે લંડનની માઉડસ્લે હોસ્પિટલમાં મનોવિજ્ઞાનીનું પદ સંભાળેલું. એમનાં બહુચર્ચિત પુસ્તકો છે: ‘યુસેજ એન્ડ એબ્યૂઝઝ ઓફ સાઈકોલોજી’, ‘ડિકલાઈન એન્ડ ફોલ ઓફ ધ ફ્રોડિયન અમ્પાયર’ તથા ‘નો યોર ઓન આઈક્યૂ’.)

ખોવાયેલા સમયની તલાશ

આપણે ખોવાયેલો સમય શોધીએ છીએ. એવી ઇચ્છા થાય કે વીતેલું જીવન ફરી જીવી લઈએ. એ બહાને, વીતેલો સમય ખરાબ હોય તો એને બદલવાની તક કદાચ મળે. પણ જિંદગી છે જ એવી, બદલાઈ જાય છે, આગળ વધે છે. એમાં નવા અઘ્યાય, નવા પ્રસંગ ઉમેરાતા જાય છે. જે સમય આપણે જીવી ચૂકયા છીએ એ કયારેય, કોઈ પણ રૂપમાં પાછો નથી ફરતો. આપણે પોતે જ અગાઉ જેવા હતા એવા આજે નથી. આપણા પરથી પણ સમયનો પ્રવાહ વીતી ચૂકયો છે. એ સમયનાં નિશાન આપણાં મન, ચેતના અને અસ્તિત્વ પર પડે છે. આ નિશાનોને ઓળખવાં મતલબ કે સમય અને જીવનને ઓળખવાં.

ગુજરેલા સમયમાં એક અર્થ હંમેશાં હોય છે, જે વર્તમાનમાં ઉપયોગી સાબિત થાય છે. આપણો વર્તમાન આપણા ભૂતકાળનો જ મહાયોગ હોય છે, એટલે ખોવાયેલા સમયની તલાશમાંથી મહાન કòતિઓ જન્મે છે. સંસારની તમામ કવિતા, સાહિત્ય, કલા, દર્શન આ વીતેલાં જીવનનું જ પુનર્સર્જન છે. એમાંથી કોઈ અર્થ શોધવાની એ કોશિશ છે.

માણસ હંમેશાં વીતી ચૂકેલાં જીવનનું મૂલ્યાંકન કરવા માગતો હોય છે. આવું મૂલ્યાંકન માત્ર વ્યક્તિ જ નહીં, જાતિઓ, સમૂહો અને દેશો પણ કરે છે. ઇતિહાસમાં એવો તબક્કો આવે છે, જયારે તેમણે પોતાના ભૂતકાળનું મૂલ્યાંકન કરવું પડે છે, જરૂરી તારણો કાઢવાં પડે છે. આવાં જ આકલનથી યુરોપમાં પુનર્જાગરણ (રેનેસાં) જન્મે છે અને જડ થઈ ગયેલો સમાજ આવા જ લેખાં-જોખાંને લીધે જાગી ઊઠે છે.

જીવન કઈ દિશામાં વિકસશે એનો આધાર એ વાત પર રહેલો છે કે વીતેલાં જીવનમાંથી આપણે કેવા અર્થ કાઢયા. ભૂતકાળના એ જ અર્થમાંથી આપણો વર્તમાન આકાર લે છે, એ જ અર્થોથી જિંદગી નવું રૂપ ધરે છે, નવા અર્થ પામે છે. સમગ્ર સંસારનું સાહિત્ય ફંફોસીએ અને દુનિયા પર પોતાની છાપ છોડી જનાર કોઈ પણ વ્યક્તિનાં કથનનો અભ્યાસ કરીએ તો આપણને જોવા મળશે કે લગભગ બધાએ જ સમયને પોતાની રીતે વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરી છે. એ સૂચવે છે કે સમય મૂલ્યવાન છે.

અહીં બધી ચિંતા સામે ફેલાયેલા સમયની કરવામાં આવે છે, પરંતુ જે વીતેલો સમય છે, એ વિશે સામાન્ય માણસની જિંદગીમાં એક ભ્રમપૂર્ણ સ્થિતિ જોવા મળે છે. કોઈ વીતેલા સમયથી પોતાને મુકત કરવા માગે છે, કોઈ ભૂલવા માગે છે, કોઈ એને પરત કરવા માગે છે, તો કોઈ હંમેશને માટે પોતાને ભૂતકાળની સ્મૃતિના હવાલે કરી રાખે છે.

પરંતુ સમયને ન પરત આપી શકાય, ન ભૂલી શકાય અને એને ફરી જીવી પણ ન શકાય. જિંદગી આપણાં અસ્તિત્વમાં સમયના થર જમાવે છે અને પછી દુનિયા એવી નથી રહેતી કે જેને અગાઉની તૈયાર રીતોની મદદથી જાણી શકાય.

દિલ લાખો અવાજોનો એક હિંડોળો હતો......

અને હવે દુનિયા!
લાખો અવાજોનો એક હિંડોળો છે

ઘાયલ ચિત્તા જેવી ચીસો
સમયના ઊડતા પાલવમાં હવે પોતાના પંજા મારી રહી છે- વઝીર આગા

તમે સંસારના કેન્દ્રમાં હો છો. એવું લાગે કે જાણે આ દુનિયા તમારા માટે જ બની છે. પણ જીવનના નિયમ અલગ હોય છે. અચાનક એક દિવસ લાખો અવાજ બનીને દુનિયા તમારી સામે ઊભી હોય છે. આ બધી સમયની કારીગરી છે અને એની સાથેના આપણા સંબંધની પણ. આ સંબંધને સાચી રીતે નિભાવવાની એક રીત છે, સમયને સમજવો, ભૂતકાળનું સમ્યક્ મૂલ્યાંકન કરવું. એવું કરીએ ત્યારે આપણને સમજાય છે કે જેને આપણે વીતી ચૂકેલો સમજેલા એ સમય અનેક ચીજોના અર્થ આપણને પકડાવીને ઓઝલ થયો છે...

Thursday, June 30, 2011

સંબંધની ગાડી પર ‘બ્રેક’ કેમ લાગે છે?

તમારો તમારો મહામૂલો સંબંધ તૂટવાની અણીએ છે, પરંતુ તમે તેના વિશે સહેજ પણ ગંભીર નથી. તમારા સગાં-વહાલાં કે પાર્ટનર એકદમ બદલાઇ ગયાં છે એવું તમને લાગતું હોય કે પછી તેણે તમને યોગ્ય પ્રતિભાવ આપવાનું બંધ કરી દીધું છે. આવા સંજોગોમાં સમયસર સાવચેત થઇ જવાની જરૂર છે. તમને કોઇની સાથે પ્રેમ થઇ જાય ત્યારે કંઇક વિશેષ લાગણી અનુભવાય છે. જોકે તમે જેવું અનુભવો છો એવું જ સામેનું પાત્ર અનુભવે એવું જરૂરી નથી. તમે કોઇને પ્રેમ કરતાં હો ત્યારે ઘણી વાર પરસ્પર નાનીમોટી તકરાર થાય અને અબોલાની પરિસ્થિતિ ઉદ્ભવે એવું બને છે.

મોટા ભાગના લોકો આવા ઇમોશનલ ઇશ્યુ તરફ આંખ આડા કાન કરતાં હોય છે. વિચારે છે કે વખત જતાં બધું આપોઆપ થાળે પડી જશે પરંતુ ખરેખર આવું બનતું નથી. હકીકત એ છે કે તમે તમારા વાંધા-વચકા મુક્ત મને વ્યક્ત કરીને સંબંધમાં પડેલી ગૂંચ સહેલાઇથી અને સમયસર ઉકેલો તો સંબંધો લાંબા સમય સુધી ટકી રહે છે. એટલા માટે નાની લાગતી સમસ્યાઓ તરફ પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે.

સંબંધ તૂટવાના કારણો

સમય નથી

છેલ્લે તમે ક્યારે તમારા મિત્રો, બહેનપણીઓ, કુટુંબીજનો કે વહાલા સાથીદાર સાથે ફિલ્મ જોવા અથવા તો બહાર ગયા હતા? ઘણું યાદ કરવા છતાં યાદ ન આવ્યું ને? તમને જ્યારે પણ તમારી બહેનપણીઓ, કઝિન્સ, બોયફ્રેન્ડ કે પરિવારજનો બહાર સાથે ફરવા જવા માટે કહે છે ત્યારે તમારા તરફથી તેમને શું જવાબ મળે છે? એ જ કે તમે બિઝી છો. કામ છોડીને ફરવા નહીં અવાય. આના પરથી સ્પષ્ટ થાય છે કે તમને સગા-વહાલા કે સાથીદાર કરતાં ઓફિસ અને કામ વધારે વહાલાં છે. આજના જમાનામાં સમય કોઇને મળતો નથી. પ્રિય વ્યક્તિ, શોખ માટે સમય કાઢવો પડતો હોય છે માટે ‘ટાઇમ નથી’ એવું ક્યારેય ન કહેવું જોઇએ.

બહાનાંબાજી કરવી

જ્યારે તમને પાર્ટનર કે અન્ય કોઇ પાર્ટીમાં સાથે આવવા માટે આગ્રહ કરે ત્યારે તમે ‘આજે હું ઓફિસમાં બિઝી છું’ અથવા તો ‘મારી તબિયત સારી નથી’, ‘આજે મારો મૂડ ખરાબ છે’ વગેરે બહાનાં બતાવો છો. આના પરથી સ્પષ્ટ થાય છે કે તમને તેમની સાથે જવામાં રસ નથી.

મિત્રો ઇગ્નોર કરે ત્યારે

તમારા મિત્રોને એવું લાગવા માંડે કે તમારા સંબંધોમાં ક્યાંક લૂણો લાગ્યો છે અને તે આ અંગે પેટછુટી વાત કરવા તૈયાર ન હોય અથવા તો કોઇ કારણસર મૂંઝાતાં-અકળાતાં હોય, અંગત વાત તમારી સાથે ‘શેર’ ન કરતા હોય ત્યારે એનો અર્થ કે તમારા સંબંધોની ગાડી પર ‘બ્રેક’ લાગી છે.

લાગણી અને પ્રેમ આડા હાથે મૂકાઇ જાય

તમારા નિકટના સ્વજનો, પ્રિયજનો તમારો જન્મદિવસ કે લગ્નતિથિ ભૂલી જાય ત્યારે માની લેવું કે સંબંધની નદી સૂકાઇ રહી છે. આવું થાય ત્યારે મોડું થાય એ પહેલાં સમયસર જાગી જવું જોઇએ. તમારે તમારા સ્વજનોને મુક્ત મને વાંધાવચકા વિશે પૂછવું જોઇએ. તમને જ્યારે એવું લાગે કે તમારા સ્વજનો તમારા પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપતા કે તેમને તમારામાંથી રસ ઊડી ગયો છે ત્યારે તમારી લાગણી અને પ્રેમ ક્યાંક આડા હાથે મુકાઇ ગયા છે એ બાબત છતી થાય છે.

તમે બદલાઇ ગયા છો

તમારા સ્વજનો, સગાં-સંબંધીઓ કે મિત્રો જ્યારે એમ કહે કે ‘તું સાવ બદલાઇ ગઇ/ગયો છો. પહેલાં તું આવી નહોતી.’ ત્યારે તમારે સમજી જવું જોઇએ કે તમારા સ્વજનો તમારા વર્તન-વ્યવહારથી ખુશ નથી. તમારા સોના જેવા સંબંધમાં પરિવર્તન આવ્યાનું અનુભવાય ત્યારે આત્મનિરીક્ષણ, મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે એવું જાણી લેવું.

ગંભીરતા ન દાખવો

તમારા બોયફ્રેન્ડ કે સ્વજનો તમારી સાથે વાત કરવા માગતાં હોય અને તમે એમની વાતને સતત ટાળ્યા કરો, ઉડાઉ જવાબ આપો અથવા વાત જ ન કરો ત્યારે તમે સંબંધ પ્રત્યે ગંભીર નથી એવું સાબિત થાય છે. તમારા બોયફ્રેન્ડને સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય ત્યારે તમારે એ પરિસ્થિતિને ટાળવાની નહીં, પરંતુ આ પરિસ્થિતિને સમજદારીથી સંભાળી લેવાની જરૂર છે.

હવે પછી તમારા મિત્રો કે આત્મીયજન જ્યારે તમને કંઇ કહેવા ઇચ્છે ત્યારે તેમની વાત પ્રત્યે ધ્યાન આપશો, તો તમારા સંબંધોની ગાડી પર ‘બ્રેક’ નહીં લાગે એટલું ચોક્કસ.

સંબંધ હૂંફાળા રહે તે માટે આટલું ધ્યાનમાં રાખો

- પરિવાર, મિત્રો કે આત્મીયજનો સાથે થોડા થોડા સમયે બહાર ફરવા જાવ. તેમના માટે સમય ફાળવો, તેમની વાત સાંભળો.

- સમય તો આજના જમાનામાં કોઇને મળતો નથી, તે તમારે ફાળવવાનો હોય છે. આથી ‘સમય નથી’નું બહાનું ક્યારેય ન બતાવો.

- મિત્રો કે પરિવારજનો તમને ઇગ્નોર કરી રહ્યાં છે એવું લાગે ત્યારે આત્મનિરીક્ષણ કરો કે તમારાથી ક્યાંક એમને મનદુ:ખ નથી થયું ને?

- પ્રિયજન, મિત્રો કે પરિવારના લોકોની વાત ધ્યાનથી સાંભળો. તેમને તમારા મનની વાત કહો અને તેમની કોઇ સમસ્યા હોય તો ઉકેલ લાવવામાં મદદરૂપ થાવ.

- તમને જ્યારે એવું સાંભળવા મળે કે ‘તમે બદલાઇ ગયાં છો, પહેલાં જેવા નથી રહ્યાં.’ ત્યારે ચેતી જાવ. તમારા વર્તનમાં પરિવર્તન લાવીને સંબંધોમાં પહેલાં જેવી હૂંફ પાછી લાવો.

Thursday, June 23, 2011

જીવન સાચી અને સારી રીતે જીવવાની ૨૯ જડીબુટ્ટી...

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-૩૦ મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ .

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને બિનશરતી માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને,મિત્રોને પણ જણાવો.

એક સારા મિત્ર હોવાના ૧૫ ફાયદા......

*જ્યારે તમારું રડવાનું બંધ ન થતું હોય ત્યારે સારો મિત્ર 'ટીશ્યુ'તરીકે ની ગરજ સારે છે, *જ્યારે તમને જીવન ત્યજી દેવાનું મન થતું હોય ત્યારે સાચો મિત્ર ખભો બની રહે છે
*તમારે જ્યારે કંઈક કહેવું હોય ત્યારે એક સારો મિત્ર હંમેશા તે સાંભળવા તત્પર છે
*જ્યારે તમને એક દિવસની જરૂર હોય ત્યારે સારો મિત્ર અઠવાડિયું(હાજર) હોય છે
*જ્યારે તમારું હદય ભગ્ન થાય ત્યારે સારો મિત્ર સાચો આધાર બની રહે છે
*જ્યારે બધું છિન્ન્ન ભિન્ન્ન થઈ રહ્યું હોય ત્યારે સારો મિત્ર ગુંદર બની જાય છે
*જ્યારે વર્ષા બંધ જ ન થાય ત્યારે સારો મિત્ર સૂર્ય બની રહે છે
*જ્યારે તમારો ભેરો પોલીસ સાથે થઈ ત્યારે સારો મિત્ર તમારો મમ્મી કે વાલીની ફરજ બજાવે છે
*જ્યારે તમે તમારા ધેરથી બહાર નીકળવવા સમર્થ ન હોય ત્યારે તમારો મિત્ર 'ફોન કોલ' બની રહે છે
*જ્યારે તમે સાવ એકલું અનુભવતા હોય ત્યારે સારો મિત્ર તમારો સહારો બની રહે છે
*તમને ઉડવાની ઈરછા થાય ત્યારે સારો મિત્ર પાંખ બની રહે છે
*કારણ જાણ્યા વગર પણ સારો મિત્ર તમનેબરાબર સમજી શકે છે. કે તમે જે કંઈ કહેવા ઈરછ્તા હોય તે સમજી જાય છે
*સારો મિત્ર તમારા રહસ્ય ને સાંભળી અને જાળવી રાખે છે
*જ્યારે તમે માંદા પડ્યા હોય ત્યારે સારો મિત્ર તમારી દવા બની રહે છે
*સારો મિત્ર સાચો પ્રેમ છે જે ક્યારેય તમારું ખરાબ થવા દેતો નથી કે તમારા વિષે ખરાબ ઈરછ્તો નથી

સંબંધો અને નસીબ. . .

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!


હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.

મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!

બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.

બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.

પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.

કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.

મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.

તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!

Everyone knows how to count but very few know ‘what to count?’

Sunday, June 12, 2011

Tu Mujhe Soch Kabhi

Tu Mujhe Soch Kabhi

હવે સંબંધો install થઇ શકે છે.....

હવે સંબંધો install થઇ શકે છે,
હાર્ટમાં લાગણીઓનું storage થઇ શકે છે.
એ copy-paste થાય, delete થઇ શકે,  rename તો રોજે રોજ થઇ શકે છે.

સંબંધો હવે કોમ્પ્યુટરની ફાઇલની જેમ share થઇ શકે છે.
જરૂર પડે તો formate change થઇ શકે છે.

પ્રેમ હવે આંખોના મળવાથી જ નહીં email મળવાથી પણ થઇ જાય છે!
હાર્ટમાં નહીં હાર્ડ ડીસ્કમાં આખું જગત સમાઇ જાય છે. 
સંબંધોમાં પણ હવે ‘mobile number portability’ જેવી સરળતા રહે છે.
terms-condition સારા હોય ત્યાં સૌ ઢળતા રહે છે.

‘live in relationship’ જેવા રૂપાળા label મળે છે.
પ્રેમ, લાગણી, ઉષ્મા બધું જ digital મળે છે.

પૈસાથી સંબંધો recharge થાય છે.
હવે તો બધું જ on-line થઇ શકે છે.
credit cardથી રોમાંસ થઇ શકે છે!

પણ,
આ બધું તું જવા દે.
જે થતું હોય તે થવા દે.
આપણો પ્રેમ disconnect ન થઇ જાય તે જોજે.
આપણી નાનકડી દુનિયા on-line  install કરવી પડશે,
next, next, next કરતાં એને run કરવી પડશે.

મારા માટે તું antivirus સમ લાગે છે,
તારા વગર હવે મારા જીવને જોખમ લાગે છે.

facebook પર મળતી રહેજે,
email, call કરતી રહેજે.
તો ચાલ, હવે હું જાઉં છું,
આજ પુરતો log off થાઉં છું.

Friday, June 3, 2011

ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા – મોહમ્મદ માંકડ


વર્ષોથી ચાલી આવતી આપણી આર્થિક નીતિઓમાં મોટા પાયે પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. આ બદલાતી જતી આર્થિક વ્યવસ્થાને સરકારે ‘આર્થિક સુધારાઓ’ એવું નામ આપ્યું છે. આપણે એવી સામાજિક પરિસ્થિતિમાં જીવીએ છીએ કે ‘આર્થિક સુધારાઓ’ હોય કે ‘આર્થિક બગાડાઓ’ હોય, આપણે એમને સ્વીકાર્યા વિના છૂટકો નથી. આ આર્થિક સુધારાઓના ફાયદા કેટલાક લોકોને મળવાના છે. સામાન્ય લોકોને પણ એ વધુ-ઓછા પ્રમાણમાં મળશે.
આર્થિક વ્યવસ્થામાં બદલાવની અસર શિક્ષણવ્યવસ્થા ઉપર પડે એ સ્વાભાવિક છે. હવે વિદ્યાર્થી જ્ઞાન મેળવવા, કશુંક શીખવા કે જાણવા-સમજવા માટે ભણતો નથી, પરંતુ નોકરી-આજીવિકા મેળવવા માટે જ એ ભણે છે. શિક્ષણ દ્વારા આજનો વિદ્યાર્થી એવું જ જ્ઞાન મેળવવા માગે છે કે જેના દ્વારા નોકરી કરીને વધુ ને વધુ પૈસા કમાઈ શકે અને આ નોકરીની ઈચ્છા પૂરી કરવા માટે આજના યુવાનોએ ઘણે દૂર-કુટુંબ છોડીને જવું પડે છે. પતિ-પત્ની બંને જ્યારે નોકરી કરતાં હોય ત્યારે સંઘર્ષના શરૂઆતના દિવસોમાં પોતાનાં મા-બાપને સાથે રાખવાનું શક્ય બનતું નથી. કુટુંબ નાનું હોય અને એમાં પણ જ્યારે આ રીતે વિભાજન આવી પડે છે ત્યારે સંતાનો મા-બાપનો સહારો બની શકતાં નથી. સંયુક્ત કુટુંબની આપણી વ્યવસ્થા હવે આવી રહેલા બદલાવ સામે ટક્કર લઈ શકે તેવું લાગતું નથી. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. એ પણ આવી રહેલા પરિવર્તનની જ નિશાની છે. (અલબત્ત, વૃદ્ધોની દરકાર કરવામાં આવે અને એમના માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવે એ આવકારદાયક પણ છે.)
સંયુક્ત કુટુંબનું વિભાજન થતાં આખરે માણસ એકલોઅટૂલો થતો જવાનો છે. આજે જે યુવાન કે પ્રૌઢ છે એ આવતી કાલે વૃદ્ધાવસ્થાના આરે પહોંચી જવાના છે. શ્રીમંત અને સુખી ઘરના માણસોને સગવડ ઘણી મળી રહેશે, પરંતુ મનને હળવું કરી શકાય એવું કોઈ માણસ મળશે નહીં. કામ કરી આપે એવાં વૉશિંગ મશીન જેવાં અદ્યતન મશીનો મળી રહેશે, પરંતુ માણસ મળશે નહીં. સામાન્ય કે મધ્યમવર્ગના માણસે તો એવી અપેક્ષા પણ રાખવાનો કોઈ અર્થ રહેશે નહીં. અને અમેરિકા જેવા દેશોમાં જે ‘સોશિયલ સિક્યોરીટી’ની વ્યવસ્થા છે એવી વ્યવસ્થા વૃદ્ધો કે જરૂરિયાતમંદ માટે આપણા જેવા ગરીબ દેશોમાં થઈ શકે એવું નજીકના ભવિષ્યમાં દેખાતું નથી.

જિંદગી એવી છે કે વર્ષો વીતવા સાથે મિત્રો અને સગાંવહાલાંઓનો સાથ છૂટતો જાય છે. દુનિયામાંથી ઘણી પરિચિત વ્યક્તિઓ વિદાય લેતી જાય છે. માણસ એકલો પડતો જાય છે. જિંદગી વધુ ને વધુ સાંકડી થતી જાય છે. અને આ પરિસ્થિતિને ખાળી શકાય, રોકી શકાય એવી શક્યતા દેખાતી નથી. એટલે ગમે કે ન ગમે, માણસે જ પરિસ્થિતિને અનુકૂળ થવાનું શીખવું પડે એમ છે. હવેનો માણસ જીવનની શરૂઆતમાં જ જો વિશાળ અને પહોળો પાયો નહીં બનાવી શકે તો એના ઉપર ચણાયેલી ઈમારત ખખડી જશે અને એને સાથ નહીં આપે. માણસ પોતાની જીવવાની રીતભાતમાં જેટલો ફેરફાર કરી શકશે એટલો જ એ વધુ સુખી થઈ શકશે. જિંદગીની શરૂઆતમાં તો યુવાની હોય, દોડધામ હોય, કોલાહલ હોય, ધન અને કીર્તિ કમાઈ લેવામાં મન રોકાયેલું હોય, પણ ઉત્તરાવસ્થામાં પિરામિડ ઊલટો થઈ જાય છે. અને ઊલટો પિરામીડ સમતુલા જાળવી નથી શકતો ત્યારે માણસ દુઃખીદુઃખી થઈ જાય છે. વૃદ્ધાવસ્થા અને એકલતાના દુઃખમાં રાહત મેળવવાનો એક જ રસ્તો છે. ઈશ્વરે માણસને જે પાંચ ઈન્દ્રિયો આપી છે એ પાંચેય ઈન્દ્રિયોનો વધુમાં વધુ વિકાસ કરવો, સમતોલ વિકાસ કરવો. તમે યુવાન હો, પ્રૌઢ વયના હો કે વૃદ્ધાવસ્થાના આરે પહોંચ્યા હો, તમારું જીવન આ ખાસ વાત પર ધ્યાન આપીને ગોઠવજો, જેથી તમારી જિંદગી ક્યારેય તમારા માટે બોજારૂપ ન બની જાય.
કેટલાક લોકોને એમની યુવાનીમાં ખાવાપીવાનો, ફિલ્મ જોવાનો કે માત્ર રેડિયો-ટીવીનો જ શોખ હોય છે. બીજી કોઈ બાબતોમાંથી સુખ મેળવવાના એમના પ્રયત્નો જ હોતા નથી. મારા એક મિત્ર એક સંબંધીની ખબર કાઢવા ગયા હતા. મેં પૂછ્યું :
‘કેમ છે તબિયત ?’
‘ઠીક છે.’ એમણે કહ્યું, ‘આમ તો તબિયત સારી છે. પણ હવે વૃદ્ધાવસ્થા છે અને આટલી જિંદગી સુધી એમણે માત્ર એક જ વાતમાં રસ લીધો છે – ખાવાપીવામાં. એમની સ્વાદેન્દ્રિય સિવાય બીજી કોઈ ઈન્દ્રિયોનો વિકાસ થયો નથી. પૈસા કમાવા અને સારુંસારું ખાવું – બસ, એ રીતે જ એમની જિંદગી વીતી છે. ખાવાનો શોખ હજી એમને એટલો જ છે, પણ હવે જીભ અને પેટ એકબીજાની વિરુદ્ધ થઈ ગયાં છે. તળેલો ભારે ખોરાક ખાય એટલે પેટમાં ટકતો નથી.’ વૃદ્ધાવસ્થા કષ્ટદાયક તો છે જ, કારણ કે એમાં પરાવલંબન છે. આમ છતાં જો તમે તમારી પાંચે ઈન્દ્રિયોનો પૂરતો વિકાસ કર્યો હશે તો જિંદગીનો આનંદ મેળવવાની તમારી ક્ષમતા વધશે. બહારની સૃષ્ટિમાં રૂપ, રંગ, ધ્વનિ, સુગંધ, મીઠાશનો અખૂટ ખજાનો પડ્યો છે, પરંતુ એ માણવા માટે આપણે આપણા મનને સજ્જ કરવું પડે છે.
તમે ક્યારેય તારાથી મઢેલા આકાશ સામે નજર કરી છે ?
તમે સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોને ક્યારેય માણ્યા છે ?
ફૂલો, વૃક્ષો, વનસ્પતિ સાથે દોસ્તી બાંધી છે ?
ઝરણાના કાંઠે બેસી એકલાએકલા એનો અવાજ સાંભળ્યો છે ?
પક્ષીઓના સંગીત પર ક્યારેય ધ્યાન આપ્યું છે ?
જંગલમાં, વગડામાં, નદીકાંઠે, પહાડોમાં ક્યારેય ફર્યા છો ખરા ?
ચોમાસાની ધરતીની ભીની સુગંધ ક્યારેય અનુભવી છે ?

તમારાં નાક, કાન, આંખનો ઉપયોગ યોગ્ય રીતે કરશો તો જરૂર તમને આ બધી વાતોમાં રસ પડશે અને જો તમને આવી વાતોમાં રસ નહીં પડે તો તમે જિંદગીની કોટડીમાં કેદ થઈ જવાના. એ કોટડી ગમે તેટલી મોટી હોય, ધનદોલતથી તમે એને ગમે તેટલી શણગારશો તોય એની દીવાલોની જતે દહાડે તમને ભીંસ લાગવાની છે. એ દીવાલોમાંથી બહાર નીકળી જવું જોઈએ. કોઈ કહેશે, અમે ક્યાં લેખક-કવિ, ચિત્રકાર કે સંગીતકાર છીએ કે અમને ઝરણાના સંગીતમાં, સૂર્યાસ્તના રંગોમાં કે તારા-ભરેલી રાતોમાં રસ પડે ? ભલે રસ ન પડે, રસ લેવાની જરૂર છે. માણસને બધી બાબતોમાં સહેલાઈથી રસ પડતો નથી, પણ ઓછા દુઃખી થવા માટે માણસે આનંદ મેળવવાની ક્ષમતાનો પાયો મોટો કરવો જરૂરી છે. રસ લેવાની ક્ષમતા વારસામાં મળતી નથી, એ કેળવવી પડે છે. એ વાત સાચી છે કે જીવનને ટકાવી રાખવા માટે તો રોટીની-પૈસાની જરૂર હોય છે, પરંતુ જીવનને ધબકતું રાખવા માટે ચિત્રકલા, સંગીત, સાહિત્યરસ કેળવવાની જરૂર છે. દરેક માણસ, લેખક, કલાકાર કે સંગીતકાર થઈ શકતો નથી, પરંતુ સારો વાચક, કલામર્મજ્ઞ અને સંગીતને સમજી-માણી શકે એવો તો જરૂર બની શકે છે. માણસ આ રીતે આનંદ મેળવવાની ક્ષમતા વધારે છે. એના જીવનમાં ખાલીપો ઓછો આવે છે. એની જિંદગી કાયમ ભરીભરી રહે છે.
આપણને આપણી ઈન્દ્રિયના વિકાસની ક્ષમતાનો બહુ ઓછો ખ્યાલ હોય છે. આપણને પ્રશ્ન થાય છે કે ઈન્દ્રિયનો વિકાસ કેટલો કરી શકાય ? માણસ જ્યારે એકાદ ઈન્દ્રિય ગુમાવી દે છે ત્યારે એને બીજી ઈન્દ્રિયની ક્ષમતાની અને શક્તિની ખબર પડે છે. આંધળો માણસ માત્ર પગરવ સાંભળીને આવનારની ઓળખાણ આપી શકે છે. આંખનું કામ એના કાન કરે છે. દેખતા માણસને ભાગ્યે જ ચાલનારની ચાલની કે એના અવાજની ખબર હોય છે. એ રીતે અંધ માણસમાં સ્પર્શની શક્તિ પણ ખૂબ જ ખીલેલી હોય છે. બધા માટે આટલો વિકાસ શક્ય નથી હોતો, પણ બધી ઈન્દ્રિયોનો શક્ય એટલો વધુ વિકાસ સાધવાની કોશિશ દરેકે કરવી જોઈએ. વિભાજિત કુટુંબની એકલતામાં સફળતાપૂર્વક જીવવાની બધી તૈયારી માણસે કરી રાખવી જોઈએ. હવેનાં વર્ષોમાં એ રોટી, કપડાં, મકાન જેવી જ અગત્યની બની રહેવાની છે.
અમુક ઉંમર પછી સમય કોની પાસેથી શું ઝૂંટવી લેશે એ કોઈ કહી શકતું નથી. મોટી ઉંમરે કવિ મિલ્ટનની આંખો ચાલી ગઈ હતી અને સંગીતકાર બિથોવનની શ્રવણેન્દ્રિય ચાલી ગઈ હતી. મિલ્ટને આંખો ગુમાવી દીધા પછી મહાકાવ્યનું સર્જન કર્યું હતું અને બહેરા થઈ ગયેલા સંગીતકાર બિથોવને એની સૌથી ઉત્તમ સિમ્ફોનીનું સર્જન કર્યું હતું. ઉંમર વીતવા સાથે સાંભળવાની શક્તિ ઓછી થતી જાય કે આંખોમાં ઝાંખપ આવે, કાનમાં બહેરાશ આવી જાય એ એક સ્વાભાવિક બાબત છે, પણ મનમાં જો બધી ઈન્દ્રિયોએ મોકલેલી સ્મૃતિઓ પડેલી હશે તો માણસ મિલ્ટન કે બિથોવનની માફક છેલ્લે સુધી કાર્યક્ષમ રહી શકશે. જિંદગીમાં અનેક નાનીમોટી બાબતોમાં જો તમે રસ લીધો હશે તો તમારે કોઈ એકાદ ક્ષેત્રમાં પીછેહઠ કરવાનું બનશે કે કોઈ એકાદ ક્ષેત્રમાં તમને નિષ્ફળતા મળશે તોપણ તમે જિંદગી હારી નહીં જાઓ, બલકે બદલાતા જતા સમયના પ્રવાહમાં ચોક્કસ ગોઠવાઈ જશો. તમને ક્યારેય એકલું નહીં લાગે કે જિંદગી તમારા માટે ક્યારેય બોજારૂપ નહીં બની જાય.
બર્ટ્રાન્ડ રસેલનું આ વાક્ય યાદ રાખવા જેવું છે : ‘The happy man is the man, who has wide interests.’

Sunday, May 22, 2011

નસીબ



જ્યારે પણ ભગવાન પાસે કંઈ માગો તો દિમાગથી નહીં નસીબથી માગજો કારણ કે મેં દિમાગવાળાને નસીબવાળાને ત્યાં કામ કરતા જોયા છે.-ડૉ. અબ્દુલ કલામ

Monday, May 16, 2011

મોરારિબાપુ: પ્રભાવમાં નહીં સ્વભાવમાં જીવો

 
એકવાર મને એક પત્રકારે સવાલ કર્યો કે તમે કઇ વ્યક્તિથી સૌથી વધુ પ્રભાવિત થયા છો? મેં ઘણીવાર કહ્યું છે કે માણસે કોઇના પ્રભાવમાં નહીં પરંતુ પોતાના સ્વભાવમાં જીવવું જોઇએ, છતાં જો કોઇ એક વ્યક્તિનું નામ આપવાનું જ હોય તો હું એમ કહું કે હું આજે જે કઇં છું એની પાછળ મારા સદગુરુ એવા મારા ત્રિભુવનદાદાના માર્ગદર્શનનો સૌથી વધુ પ્રભાવ છે.

એકવાર કોઇકે મને આવો જ સવાલ કર્યો હતો કે તમે કોની અસરમાં જીવો છો? મેં કહ્યું કે હું કરકસરમાં જીવ્યો છું પણ ક્યારેય કોઇની અસરમાં જીવ્યો નથી. હું કાયમ મારી પોતાની અસરમાં જીવું છું છતાં જો કોઇ એક વ્યક્તિનું નામ આપવું ફરજિયાત હોય તો હુ એમ કહું કે હું આજે જે કંઇ છું એ મુકામ સુધી મારી જીવનયાત્રાને પહોંચાડવામાં સૌથી વધુ અસર મારા સદગુરુ ત્રિભુવનદાદા દ્વારા મને મળેલા પ્રેમસભર પથદર્શનની છે.

મારા દાદાએ મને પાંચ સૂચન કર્યાં હતા. ૧. સત્યપ્રિય રહેવું, ૨. માનસ તથા ગીતાનો નિત્ય પાઠ કરવો, ૩. જીભથી કોઇની નિંદા અને જીવથી કોઇની ઇષ્ર્યા કરવી નહીં, ૪. બને તેટલું મૌન રહેવું, ૫. અભિમાન તો આવશે પણ સાવધાન રહેવું. મને મારા દાદા તરફથી નાનપણમાં મળેલાં આ પાંચ સૂત્રોએ મારા જીવનને પ્રભાવિત કર્યું છે અથવા એ સૂત્રોની મારા જીવનમાં અસર છે એમ કહી શકાય. આજે એ પાંચ સૂત્રોની સંક્ષિપ્ત ચર્ચા કરીએ.

૧ સત્યપ્રિય રહેવું : દરેક માણસે શક્ય તેટલું સત્યની નજીક રહેવું જોઇએ. જૈન ધર્મના પાયાનાં ચાર શબ્દોમાં સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ છે. જેમાં ભગવાન મહાવીર દ્વારા બ્રહ્નચર્ય સ્વરૂપે પાંચમો શબ્દ ઉમેરવામાં આવ્યો. માત્ર જૈન ધર્મમાં જ નહીં, પરંતુ ઇસ્લામ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી જેવા તમામ ધર્મમાં સત્યની આરતી ઉતારવામાં આવી છે. હિંદુ ધર્મનો પાયો જ સત્ય છે માટે સત્ય એક વૈશ્વિક શબ્દ છે. વિશ્વભરના મહાપુરુષો અને ચિંતકોએ સત્યની તરફેણ કરી છે. નાસ્તિકો પણ અસત્યને ચાહતા નથી. સત્ય, પ્રેમ અને કરુણા એવા શબ્દો છે જે નોખાને અનોખા બનાવી શકે છે. અલગને લગોલગ લાવી શકે છે.

એક વર્ગખંડમાં શિક્ષકે સવાલ કર્યો કે સડસઠ અને તેત્રીસનો સરવાળો કરીએ તો શું જવાબ મળે? જે વિદ્યાર્થી સાચા હતા તે તમામનો જવાબ એક્સરખો એટલે કે સો હતો અને જે ખોટા હતા તેમાં કોઇનો જવાબ નેવું હતો, કોઇનો એક્સો દસ હતો, તો કોઇનો સાવ અલગ હતો. આમ અસત્યમાં વિવિધતા હોઇ શકે બાકી સત્ય હંમેશાં સમાન હોય છે. શુભ હોય છે.

૨ માનસ તથા ગીતાનો નિત્ય પાઠ કરવો: મને સદગુરુ પાસેથી બીજી શિખામણ એ મળી હતી કે જીવનમાં દરરોજ જેટલો થઇ શકે તેટલો માનસ અને ગીતાનો પાઠ કરવો. મેં આ અગાઉ પણ કહ્યું છે કે ભારતના ત્રણ મહાગ્રંથોમાં મહાભારત નીતિનો ગ્રંથ છે. ભાગવત પ્રીતિનો ગ્રંથ છે જ્યારે રામાયણ નીતિ અને પ્રીતિ બંનેનો ગ્રંથ છે અને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંબોધીને વિશ્વને શ્રીમદ્ ભગવત ગીતા જેવો અમૂલ્ય ગ્રંથ આપ્યો જે હિંદુ ધર્મની આધ્યાત્મિક ઊંચાઇ અને ઊંડાઇનો પરિચય છે.

૩ જીભથી કોઇની નિંદા અને જીવથી કોઇની ઇષ્ર્યા કરવી નહીં: ત્રીજું સૂત્ર એ મળ્યું કે જીભથી કોઇની નિંદા કરવી નહીં અને જીવથી કોઇની ઇષ્ર્યા કરવી નહીં. માણસે દિવસે નિંદાથી દૂર રહેવું અને રાત્રે બને તેટલું નિદ્રાથી દૂર રહેવું એ સાધનાના માર્ગની પ્રથમ શરત છે. વિનોબાએ સાધકનાં પાંચ શીલ એટલે કે પાંચ સદ્ગુણો કહ્યા છે. તેમાં કહ્યું છે કે એ સહનશીલ, સંવેદનશીલ, સર્જનશીલ, સ્વપ્નશીલ અને સત્યશીલ હોવો જોઇએ. માણસમાં આ પાંચ સદ્ગુણો ત્યારે પૂર્ણપણે ખીલે જ્યારે તે નિંદા અને ઇષ્ર્યાથી દૂર રહે. કોઇની નિંદા કરવાથી એની લીટી ટૂંકી થતી નથી અને કોઇની ઇષ્ર્યા કરવાથી આપણી લીટી લાંબી થઇ શકતી નથી. ખુદની લીટી લાંબી કરવી હશે તો જીભથી નિંદા અને જીવથી ઇષ્ર્યા કરવામાં સમય બગાડવાને બદલે સાધકે સાધનાના માર્ગ પર સતત ગતિશીલ રહેવું જોઇએ

૪ બને તેટલું મૌન રહેવું: મને ચોથું સૂત્ર એ આપ્યું કે બને તેટલું મૌન રહેવું. તમને થશે કે સદગુરુની આ આજ્ઞાનો મેં ભરપૂર અનાદર કર્યો છે પરંતુ એવું નથી. મૌન જીભનું બ્રહ્નચર્ય છે અને મારા જીવનમાં મૌનનો બહુ મોટો મહિમા છે. છેલ્લી અડધી સદીથી સમગ્ર વિશ્વમાં રામકથાના માધ્યમથી સતત બોલતો રહ્યો છું. થોડા દિવસોમાં મારા મુખેથી બોલાયેલી સાતસો રામકથા પૂરી થશે. તુલસીદાસના રામચરિત માનસને કેન્દ્રમાં રાખીને ખૂબ મુખરિત થયો છું. છતાં મને કહેવા દો કે જીવનની સાતસો કથામાં હું જે કંઇ બોલ્યો તે હું નથી બોલ્યો પણ મારું મૌન બોલ્યું છે.

છેલ્લા ઘણા સમયથી દર વરસે શ્રાવણ માસમાં હું મૌન રાખું છું. એ સિવાય દરરોજ નક્કી કરેલા સમયે હું મૌન રાખું છું. મૌન વક્તાને બહુ મોટી ઊર્જા આપે છે. મેં ઘણીવાર કહ્યું છે કે જેને નાચતાં આવડે એને ગાવાની જરૂર નથી. જેને સારું ગાતાં આવડે એને વચ્ચે બોલવાની જરૂર નથી પરંતુ જેને સારું બોલતાં શીખવું હોય એણે બીજા વક્તાઓને-ચિંતકોને સાંભળવા તથા વાંચવા જોઇએ. મેં પુસ્તકો ઓછાં વાંચ્યાં છે અને મસ્તકો વધુ વાંચ્યાં છે. પણ માણસ જ્યારે સાંભળે કે વાંચે છે ત્યારે આપોઆપ મૌન થઇ જતો હોય છે. જીવનમાં ક્યારેક મૂક તો ક્યારેક બધિર બની જવું લાભદાયક હોય છે.

એકવાર દેડકાઓમાં પર્વતારોહણની સ્પર્ધાનું આયોજન થયું. દેડકાથી પર્વતની ટોચ ઉપર ચડવું કેટલું કિઠન થઇ શકે તે સમજી શકાય તેવું છે. બધા દેડકા પોતપોતાની શક્તિ પ્રમાણે આરોહણ કરીને પાછા ફરી ગયા જ્યારે એક દેડકો પર્વતની ટોચ સુધી પહોંચી ગયો. જે ટોચ ઉપર પહોંચી ગયો તે વિશિષ્ઠ પ્રકારની શક્તિ ધરાવતો નહોતો. એ ઊલટાનો એક શારીરિક ખોડ ધરાવતો હતો. એ સાવ બહેરો હતો, પરંતુ એનું બહેરા હોવું આ સ્પર્ધામાં આશીર્વાદ બની ગયું.

પર્વતારોહણ કરી રહેલા દેડકાઓને સમાજે ખૂબ કહ્યું કે પર્વતારોહણ કરવું એ આપણું કામ નથી માટે પાછા વળી જાવ. બીજા દેડકાઓ આવાં નિરાશાપ્રેરક વચનો સાંભળીને હતોત્સાહ થયા અને એક બાદ એક પાછા ફરી ગયા અને જે દેડકો બધીર હતો તેણે આવું એક પણ વાક્ય સાંભળ્યું નહીં તેથી સફળ થઇ શક્યો. માટે જીવનમાં સફળ થવા માટે અમુક સમયે મૌન, અમુક સમયે બધિર તો અમુક સમયે અંધ થઇ જવું અનિવાર્ય છે અને એટલે તો ગાંધીજીના ત્રણ વાંદરા મુખ, કાન અને આંખ બંધ કરીને બહુ મોટી સમજણ આપી જાય છે.

એક પિતાને એક યુવાન અને સ્વરૂપવાન દીકરી હતી. આ દીકરીને જોવા માટે કોઇ પણ યુવાન આવે એટલે તરત જ એને પસંદ કરી લેતો પણ દીકરીનો બાપ કહે કે મારી દીકરી સ્વરૂપવાન છે, પરંતુ અંધ, મૂક અને બધિર છે એટલે દરેક યુવાન લગ્ન માટે અસંમતિ બતાવીને ચાલ્યો જતો હતો.

દિવસે દિવસે પિતાની ચિંતા વધતી જતી હતી. જે રીતે જાનકીના સ્વયંવરમાં ધનુષ્યભંગ કરવામાં નિષ્ફળ જતાં રાજાઓને જોઇને જનકની ચિંતા વધતી જતી હતી, પરંતુ એક દિવસ એક યુવાન એવો આવ્યો કે જેણે યુવતી મૂક, બધિર અને અંધ હોય તો પણ લગ્ન કરવાની તૈયારી બતાવી. ધામધૂમથી લગ્ન થયાં. યુવાને પોતાની પરણેતરને સાસરે લઇ જઇને જોયું તો સુખદ આશ્ચર્ય થયું. પેલી યુવતી બોલી શકતી હતી, સાંભળી શકતી હતી અને જોઇ પણ શકતી હતી.

જમાઇએ ખૂબ રાજી થઇને પોતાના સસરાને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે કોઇ યુવાન મારા શબ્દોને સમજી શકતો નહોતો કારણ કે, મારા વાક્ય પાછળ ગર્ભિત અર્થ એવો હતો કે મારી દીકરી કોઇની નિંદા કરવામાં મૂંગી છે, કોઇની નિંદા સાંભળવામાં બહેરી છે અને કોઇના અવગુણ જોવામાં અંધ છે.

૫ અભિમાન તો આવશે પણ સાવધાન રહેવું: મને પાંચમું સૂત્ર એ મળ્યું હતું કે જીવનમાં અભિમાન તો આવશે પરંતુ સાવધાન રહેવું, આપણે માણસ છીએ તેથી કોઇને પદનું, કોઇને પ્રતિષ્ઠાનું, કોઇને સંપત્તિનું તો કોઇને શક્તિનું અભિમાન આવી શકે છે, પરંતુ અભિમાન આવે ત્યારે સાવધ થઇ જઇએ તો અભિમાન માણસને નુકસાન કરવામાં નિષ્ફળ જાય છે. માટે સૌ કોઇ અન્યના પ્રભાવ બદલે પોતાના સ્વભાવમાં જીવે તેવી શુભકામના.

(સંકલન: જગદીશ ત્રિવેદી)

માનસદર્શન, મોરારિબાપુ