Sunday, April 24, 2011

સફળતા વિષેના સ્વામી વિવેકાનંદના વિચારો અત્રે રજુ કરેલ છે.

આ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલાં વધારે છે.
૧. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
૨. ડરો નહિ. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો તેનો વિચાર ન કરો. હરકત નહિ, કાળ અનંત છે. આગળ વધો.
૩. દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરદસ્ત પ્રામાણિકતા રહેલાં હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે.
૪. અનંત શ્રદ્ધા અને બળ, એ જ માત્ર સફળતાનું રહસ્ય છે.
૫. દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદભુત કાર્યો કર્યા છે. બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !
૬. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈ પણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.
૭. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એક માત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કે… જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો ત્યાં સુધી નિષ્ફળતા કદી નહિ સાંપડે.
૮. કોઈ પણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.
૯. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમઃ જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહિ શકે.
૧૦.’છાયા અને ફળ બંનેવાળું હોય તેવા મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ માણતાં કોણ રોકે છે?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર છે.
૧૧. કોઈ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.
૧૨. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઈચ્છા સાથે જોડાઈ જઈને કાર્ય કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઈચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે.
૧૩. નિરાશ ન થશો. અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ નથી.
૧૪. મારા ધ્યેયની સાથે મારું સમગ્ર જીવન છે; મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ. સફળતાની એ જ ચાવી છે.

Friday, April 22, 2011

તારી અને મારી વાત -હંસલ ભચેચ


કોઇપણ સંબંધો બંધાવા, વિકસવા અને ટકવા પાછળ ચોક્કસ કારણો અને પરિબળો કામ કરતા હોય છે. અલબત્ત જન્મના પેકેજમાં આવેલા સંબંધો બાદ કરવા પડે! એક જમાનામાં જ્યારે સંપર્કના માઘ્યમો મર્યાદિત હતા ત્યારે સંબંધો બંધાતા ઘણો સમય નીકળી જતો અને આજે અનેક સંપર્કના માઘ્યમો વચ્ચે પલક ઝપકતાં સંબંધ બંધાઇ જાય છે. આપણી વચ્ચે એક એવી પેઢી પણ જીવે છે કે જેમાં સંબંધ બંધાયા પછી સંપર્ક થયો હોય!! એકમેક સાથે એક પણ શબ્દ બોલ્યા ના હોય અને પહેલી મુલાકાત જ સીધી લગ્નની ચોરીમાં થઇ હોય તેવા અસંખ્ય યુગલોએ તેમના લગ્ન જીવનના પચ્ચાસ વર્ષો પૂરા કર્યાના જીવતા-જાગતા દાખલાઓ આપણા સમાજમાં છે. અત્યાર સુધી આ દાખલાઓ પશ્ચિમના સંબંધ નિષ્ણાતો (રીલેશનશીપ એક્સપર્ટ)ને મૂંઝવતા હતા અને હવે આપણી યુવા પેઢીને પણ મૂંઝવી રહ્યા છે! આજની યુવા પેઢી માટે તો આવું વિચારવું પણ અશક્ય છે.
દિલની વાત કહેવામાં દિવસો અને વર્ષો કાઢી નાખ્યા હોય તેવા યુગલોની હયાતી જ જેમના ગળે માંડ ઉતરતી હોય ત્યાં તમે જ કહો, દિલની એક નાની અમથી વાત કહેવામાં દિવસો (અને ક્યારેક તો આખાય જીવન!) નીકળી જાય તેવું આજની પેઢી માટે વિચારવું પણ શક્ય છે?! આજે તો સંપર્કના માઘ્યમોની સવલતો અને સમયની મારામારી વચ્ચે સંબંધો બિલાડીની ટોપની જેમ રાતોરાત ફૂટી નીકળે છે. આ ઓછું હોય તેમ સંબંધ નિષ્ણાતો પણ આજકાલ સંબંધો બાંધવા અને ટકાવવા અસરકારક સંપર્ક (ઈફેક્ટીવ કમ્યુનિકેશન)ના પાઠ ભણાવવા માંડ્યા છે જેના પગલે સંબંધો ચોમાસામાં ઉગી નીકળતા ઘાસ-ફૂંલની જેમ ફૂટી નીકળે છે. મોબાઇલ, ઈ-મેઇલ, ચેટીંગ, સોશિયલ નેટવર્કંિગ સાઇટો, ઓનલાઇન વીડીયો ટોક વગેરેના ટ્રાફિક વચ્ચે પણ કડવી વાસ્તવિકતા એ છે કે સંબંધોનું આયુષ્ય ઘટતું જાય છે. પાશ્ચાત્ય દેશોમાં તૂટેલા વિજાતીય સંબંધોમાં વપરાતો ‘એક્સ’ (મારો એક્સ બૉયફ્રેન્ડ કે એક્સ ગર્લફ્રેન્ડ) હવે આપણા ત્યાં એનો પગ પેસારો કરી ચૂક્યો છે. ખેર, સંપર્કમાં આપણે ઘણા આગળ વધી ચૂક્યા છીએ. હવે પાછા વળવું અશક્ય છે. જુની વાતો વાગોળવી પણ વ્યર્થ અને હાસ્યાસ્પદ ગણાશે. પરંતુ આ આખીય વાતમાં વિચાર માંગી લે તેવી એક વાત એ છે કે સંપર્ક કે વાતચીતના અસરકારક માઘ્યમો વચ્ચે પણ સંબંધ ટકાવવા કેમ અઘરા બન્યા છે?! પુસ્તક લખી શકાય તેવો આ પ્રશ્ન છે, આપણે ટુકડે-ટુકડે આ બાબતની ચર્ચા પણ અવાર-નવાર કરી છે. આજે આ બાબતનો એક એવો ટૂકડો યાદ આવ્યો છે કે સંબંધોની માવજત અને મજબૂતાઇ માટે અદભૂત કહો તો અદભૂત અને ચમત્કારિક કહો તો ચમત્કારિક સાબિત થઇ શકે તેમ છે.
કલ્પના કરો કે યુગલો વચ્ચે સહજીવનના દરેક તબક્કે સંપર્કના વિવિધ માઘ્યમો દ્વારા કે અંગત આમને-સામને કેટલા શબ્દોની આપલે થતી હશે. વાતચીત, દલીલો, યોજનાઓ, વાટાઘાટો, સોદાઓ, વલોપાતો- સતત કંઇકનું કંઇક ચાલ્યા જ કરે છે. સંબંધ નિષ્ણાતો આને ઈફેક્ટીવ કોમ્યુનિકેશન જેવું સુંવાળું નામ આપે છે. આ બધાથી સંબંધમાં એક પ્રકારનું ખુલ્લાપણું આવે છે તેની ના નહીં પરંતુ આ ખુલ્લાપણું સંબંધોને વત્તેઓછે અંશે હચમચાવતું રહે છે. કોઇ પણ વસ્તુને મજબૂતાઇ આપવા થોડી હલચલ જરૂરી છે. પરંતુ એના કરતા પણ વઘુ જરૂરી છે. હલચલ બાદ થયેલી ઉથલપાથલને શાંત થવા સમય આપવો. આ માટે જરૂરી છે એકબીજાનું સાવ મૌન સાથે બેસી રહેવું. તમે તમારા સાથે સાથે એકપણ શબ્દ બોલ્યા વગર અને બીજી કોઇપણ પ્રવૃત્તિ કર્યા સિવાય ક્યારેય બેઠા છો?! જે લોકોનો જવાબ ‘હા’ હશે અને જે લોકો અવારનવાર આ રીતે બેસતા હશે તે સમજી શકશે કે પોતાની અંદરની લાગણીઓ વહેવડાવવાની અને બીજાને તેનો અહેસાસ કરાવવાની આ કેટલી અસરકારક પઘ્ધતિ છે. સાવ સરળ લાગતી આ વાત છે. આરામદાયક વાતાવરણમાં માત્ર તમારા પ્રિયપાત્રની બાજુમાં કંઇપણ બોલ્યા વગર શાંતિથી બેસી રહો, બસ, એમ જ હાથ પકડીને આંખો બંધ કરીને, બન્ને જણાના જોડે લેવાતા શ્વાસના અહેસાસમાં ડૂબવાનો પ્રયત્ન કરો. એક ગજબનો સંપર્ક સ્થપાશે, મનના વિરોધો, દલીલો શમવા માંડશે. સ્વીકૃતિ અને સ્નેહનો એક નવો ભાવ ઉત્પન્ન થશે જે સંબંધની માવજત કરવા અત્યંત જરૂરી છે. જે યુગલો એકબીજાના સાનિઘ્યમાં કંઇપણ કર્યા વગર આ મૌનનો મહાવરો કેળવી શકે છે તેઓ તેમની વચ્ચેની ઘર્ષણની માત્રા ઘટાડી શકે છે. જરૂરી નથી કે રોજ બેસો. રોજ કોઇની પાસે સમય પણ નથી પરંતુ કેળવવા જેવી આદત છે. સવારે ટેબલ પર ચા પીતા-પીતા પણ એકબીજા સાથે ગાળેલી મૌનની ક્ષણો દિવસભરનો તરવરાટ આપી શકે એમ હોય છે. એક પણ શબ્દ વગરની પળો હૃદયને હૃદયથી જોડવા સમર્થ છે. બીજા શબ્દોમાં કહીએ તો એકબીજાની લાગણીઓને સાવ સાચા અર્થમાં અનુભવવા અને સમજવા માટે આ એક અસરકારક પઘ્ધતિ છે. સંબંધોની મજબૂતાઇ અને સાચો આનંદ બંને વ્યક્તિ એકબીજાની લાગણીઓ અનુભવે, સમજે અને સ્વીકારે તેમાં છે એવું મારે શિખવાડવાની જરૂર ક્યાં છે, મેં તો એક રસ્તો બતાવ્યો. પ્રયત્ન કરી જોજો, મઝા આવશે!!
‘અરે સાહેબ તમે મૌન બેસવાની વાત કરો છો પણ આના સવાલો બંધ રહે તો મૌન બેસાય ને?!’ મોટા ભાગના પુરુષો આવો સાચો કે ખોટો બળાપો કાઢશે. સાચો એટલા માટે કે મોટાભાગની સ્ત્રીઓ પુરુષ મૌન બેઠો હોય તે સાંખી નથી શકતી, તરત જ પ્રશ્ન પૂછે છે ‘શું વિચારો છો?!’ અને મહાભારત શરૂ. ખોટો એટલા માટે કે પત્ની સાથે મૌન બેઠેલો પુરુષ મોટેભાગે પત્ની સિવાયની બીજી બધી બાબતોમાં વિચારતો હોય છે! બોલો, હવે આમાં તમે કહ્યું એવું મૌન બેસવાનું, શ્વાસનો અહેસાસ, હૃદયથી હૃદય જોડવાનું ને... તમે’ય શું!! મેં તો એક રસ્તો બતાવ્યો. પ્રયત્ન કરી જોજો, કંઇ નહિ તો મઝા તો આવશે જ!!
પૂર્ણ વિરામ ઃ એક પણ શબ્દની આપ-લે વગર ઉન્માદનો અનુભવ કરાવતો સંબંધ એટલે પ્રેમ!
હંચલ ભચેચ

ગુણવંત શાહ: જીવન નામની ઓપન યુનિવર્સિટીના કેમ્પસ પર

દીકરા કે દીકરીનાં લગ્ન અંગેના નિર્ણય પર વડીલ ચપ્પટ બેસી જાય છે. સહજપણે ઊગેલા આકર્ષણ પર આતંકવાદી હુમલો કરવામાં આવે છે. સહજ આકર્ષણ દિવ્ય યોજના વિનાનું નથી હોતું.

પ્રેમ કરો અને છલોછલ પ્રેમ કરો. તમારું શારીરિક હૃદય તો એક પંપ છે, પરંતુ માણસની ભીતર એક સૂક્ષ્મ હૃદય પણ પ્રતિક્ષણ ધબકતું રહે છે. એ સૂક્ષ્મ હૃદય પ્રેમ કરવા અને પ્રેમ આપવા માટે સતત તલસે છે. એ તલસાટ પવિત્ર છે.

આ દેશનું તકલાદી વડીલપણું મૂળે બે સડેલાં ગૃહીતો પર ટકી રહ્યું છે: ૧-બધી અક્કલ અમારામાં છે અને

૨- નાદાન છોકરાં સાવ અક્કલ વિનાનાં છે. ઘરડાંઘરની દીવાલોની પ્રત્યેક ઇંટ સાથે આવી બે ભંગાર માન્યતાઓની સિમેન્ટ ચોંટેલી હોય છે. પાછલી ઉંમરે ઘરડાંઘરમાં જવું કેમ પડે? છોકરાં મોટાં થાય પછી આવાં જ વાક્યો વ્યાજમુદ્દલ સાથે વડીલોને પાછાં આપવામાં આવે છે.

હૃદયરોગનો હુમલો થાય તે એટલું તો સિદ્ધ કરે છે કે હૃદય નામની જણસ હજી બચી છે. માણસના મનને જે સમજાય તેના કરતાં એના માંહ્યલાને ઘણું વધારે સમજાય છે. ઉપનિષદમાં તેથી કહ્યું: ‘હૃદયેન હિ સત્યં જાનાતિ.’ પરિવારમાં ભલભલા ચાલાક લોકોને ન સમજાય તે વાતો માતાને સમજાય છે. ભવિષ્યમાં સંશોધનો એવું જરૂર સાબિત કરશે કે દુનિયાની માતાઓમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ સૌથી ઓછું હોય છે.

હૃદયરોગથી બચવાનો રામબાણ ઇલાજ છે: પ્રેમ કરો અને છલોછલ પ્રેમ કરો. તમારું શારીરિક હૃદય તો એક પંપ છે, પરંતુ માણસની ભીતર એક સૂક્ષ્મ હૃદય પણ પ્રતિક્ષણ ધબકતું રહે છે. એ સૂક્ષ્મ હૃદય પ્રેમ કરવા અને પ્રેમ આપવા માટે સતત તલસે છે. એ તલસાટ પવિત્ર છે.

ઇજિપ્તના કૈરો મહાનગરના તહરિર ચોકમાં મુબારકની વિરુદ્ધ જે દેખાવો થયા તે લગભગ અહિંસક હતા. લોકોનાં ટોળાં જોરજોરથી જે સૂત્રો પોકારતાં હતાં, તેમાં સૌથી બુલંદ અવાજે બોલાતું સૂત્ર હતું: ‘Go Mubarak Go.’ દુનિયાના લોકોને કાને ન પડેલું બીજું સૂત્ર હતું: ‘અમારે પરણવું છે.’ ઇજિપ્તના યુવાનો બેકારીમાં સપડાયા હતા. આવક ન હોય તેથી એ યુવાનોને ફરજિયાતપણે અપરિણીત રહેવું પડે. એમની સહજ ઝંખનાનું અગ્નિસ્નાન થતું રહે તેથી ઘોર નિરાશા જન્મે.

ઇજિપ્તના ઇસ્લામી સમાજની રૂઢિગ્રસ્ત માનસિકતા એ નિરાશાને વિકરાળ બનાવે તેવી પરિસ્થિતિમાં જ્યારે વિદ્રોહ જન્મે ત્યારે એ આપોઆપ ગમી જાય. ઇન્ટરનેટ પર ટર્કીમાં જોવા મળતી મુક્ત જીવનશૈલી ઉપરાંત ભારતીય બોલિવૂડમાં લેવાતી છુટછાટ એમને ગમી જાય. આમ ઇજિપ્તમાં થયેલા વિદ્રોહનું એક પરિબળ તે અતૃપ્ત યૌવન!

ભારતનાં કરોડો ઘરોમાં વડીલો તરફથી સંતાનોને વારંવાર સાંભળવા મળતું એક બ્રહ્નવાક્ય છે: ‘આ બાબતમાં તને સમજ ન પડે.’ બસ, આ એક વાક્યને કારણે યૌવન અપમાનિત થતું રહ્યું છે. આ દેશનું તકલાદી વડીલપણું મૂળે બે સડેલાં ગૃહીતો પર ટકી રહ્યું છે: (૧) બધી અક્કલ અમારામાં છે અને (૨) નાદાન છોકરાં સાવ અક્કલ વિનાનાં છે. ઘરડાંઘરની દીવાલોની પ્રત્યેક ઇંટ સાથે આવી બે ભંગાર માન્યતાઓની સિમેન્ટ ચોંટેલી હોય છે. પાછલી ઉંમરે ઘરડાંઘરમાં જવું કેમ પડે? છોકરાં મોટાં થાય પછી આવાં જ વાક્યો વ્યાજમુદ્દલ સાથે વડીલોને પાછાં આપવામાં આવે છે. દીકરા કે દીકરીનાં લગ્ન અંગેના નિર્ણય પર વડીલ ચપ્પટ બેસી જાય છે.

સહજપણે ઊગેલા આકર્ષણ પર આતંકવાદી હુમલો કરવામાં આવે છે. સહજ આકર્ષણ દિવ્ય યોજના વિનાનું નથી હોતું. પ્રેમનું ષડ્યંત્ર રચાયું તેમાં પ્રકૃતિનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વડીલોને કાને ક્યાંથી પડે? તેઓની ગણતરી લૌકિક હોય છે. જે સર્વથા લૌકિક હોય તેવી પરિસ્થિતિમાં, જે કશુંક અલૌકિક હોય તેને નિર્દયપણે કચડી નાખવામાં આવે છે.

આવી લાખો દુર્ઘટના જ્યાં સતત બનતી હોય એવા સમાજને કોઇ અધાર્મિક સમાજ નથી કહેતું! સંલગ્નતા વિનાની ફરજિયાત લગ્નતા એક એવો અભિશાપ છે, જેમાં મૂળભૂત માનવ-અધિકારનો ભંગ છે. જે વ્યક્તિ અંદરથી ગમતી ન હોય તેની સાથે આખું આયખું સાથે ગાળવાની સજાને કોઇ જનમટીપ ન કહે તેથી શો ફેર પડે? જીવન નામની ઓપન યુનિવર્સિટીના કેમ્પસ પર સતત કાને પડતાં જૂઠાણાં મધુર છે, પરંતુ આખરે તો જૂઠાણાં જ! થોડાંક જૂઠાણાં સાંભળો:

- અમારા જમાનામાં દુનિયા આટલી ખરાબ ન હતી.
- હું પૈસા માટે કામ નથી કરતો, આત્મસંતોષ ખાતર કરું છું.
- ડાર્લિંગ! તારા પર તો કોઇ પણ ડ્રેસ સારો જ લાગે છે!
- જે થયું તે થયું, પરંતુ હવે આપણે સારા મિત્રો બની રહીએ તો!
- દુકાનદાર ગ્રાહકને કહે છે: તમે નસીબદાર છો. આ છેલ્લો પીસ હતો.
- આમ દોડતા દોડતા આવો તે ન ચાલે. હવે શાંતિથી રહેવાય તેમ આવો.
- ઓફ કોર્સ આઇ લવ યૂ!
- જમવાનું સાદું બનાવજો, બહુ ધમાલ ન કરશો.
- આપણો સંબંધ એવો કે ગેરસમજ થાય એ શક્ય જ નથી.
- આ તો તારા ભલા માટે કહું છું, બાકી મારે એમાં શું લેવાનું?
- મેં તો પહેલાંથી તમને કહ્યું હતું, પણ મારું કોણ સાંભળે!
- જુઓ, અમારે તો દીકરી અને વહુ બંને સરખાં!

જીવનમાં ડગલે ને પગલે ઘૂસી ગયેલી કૃત્રિમતા આપણા બીઇંગને ખોખલું બનાવતી રહે છે. એવા કેટલાક માણસો જોયા છે, જેઓ કેવળ માનવસંબંધને ધ્યાનમાં રાખીને જ પોતાનો અભિપ્રાય ઉચ્ચારે છે. તેઓ પોતાના હૃદયમાં ઊગેલી વાત કરવાને બદલે સતત શબ્દોનું રંગરોગાન કરતા રહે છે. આવા કોઇ ‘મરી ચૂકેલા’ કૃત્રિમ મનુષ્યને તમે મળ્યા છો? એમનો ‘સ્વ’ પ્રતિક્ષણ મરતો જ રહે છે. સમાજમાં આવી ‘ભદ્રતા’ની પ્રતિષ્ઠા થતી રહે છે. એ સિન્થેટિક ભદ્રતા છે. આપણા ‘સ્વ’ પર સતત ઝીંકાતા હથોડા આપણા વ્યક્તિત્વમાં રહેલા પુષ્પત્વને પ્લાસ્ટિકનું બનાવી મૂકે છે. યાદ રાખવાનું છે કે કાંસકીની શોધ થઇ પછી આપણા માથા પર વાળ નથી ઊગ્યા, કાંસકી ન હતી ત્યારે પણ માણસને માથે વાળ હતા.

એ જ રીતે લગ્નની શોધ થઇ પછી પ્રેમ નથી ઊગ્યો. લગ્નસંસ્થા શરૂ થઇ તે પહેલાંની સદીઓમાં પણ પ્રેમ નામની ચીજ હતી જ! યુવાનોને નિયમની ખબર હોય છે, જ્યારે વૃદ્ધોને અપવાદની ખબર હોય છે. યુવાનો વૃદ્ધોની વાત સાંભળવા તૈયાર છે, પરંતુ તે માટે વૃદ્ધોએ યુવાનોના મિત્ર બનવું પડશે. વૃદ્ધોની એક મર્યાદા જાણી રાખવા જેવી છે. જ્યારે યુવાન હતા ત્યારે એમને સેક્સમૂલક આકર્ષણની પજવણી કેટલી તીવ્રપણે થઇ હતી તે વાત ભૂલી જવામાં તેઓ ઉસ્તાદ હોય છે.

આકર્ષણ તો ધરતીના પેટાળમાંથી નીકળતા ક્રૂડ ઓઇલ જેવું હોય છે. એ આકર્ષણ લેવાની નહીં, આપવાની ઉતાવળમાં હોય ત્યારે સેક્સ-અફેર, લવ-અફેર બને છે. ક્રૂડ ઓઇલનું રૂપાંતરણ પેટ્રોલમાં થાય તે માટે રિફાઇનરી જોઇએ. એ રિફાઇનરીમાં કશુંક ખોવામાં અને ખોવાઇ જવામાં મળતો આનંદ મહત્વનો છે. Giving is far more important than getting. પ્રેમ છે, તો આનંદ છે અને નિર્મળ આનંદ છે, તો અધ્યાત્મ છે. થોરિયાના ઠૂંઠા જેવું અધ્યાત્મ દુ:ખપ્રધાન હોવાનું. આનંદ વિનાના અધ્યાત્મને નવી પેઢી નહીં સ્વીકારે એ જ યોગ્ય છે.

મરજી વિરુદ્ધ થયેલું લગ્ન જીવનને નષ્ટ કરે છે અને સમાજની માનસિક તંદુરસ્તીનો નાશ કરે છે. સરકારે હેલ્પલાઇન શરૂ કરવી જોઇએ, જેથી માંહ્યરામાં બેઠેલી કન્યા કે એને પરણનાર મુરતિયો પોલીસને ટેલિફોનથી ખબર આપી શકે કે અમારી મરજી વિરુદ્ધ અમને જનમટીપ થવાની તૈયારીમાં છે. અગ્નિની સાક્ષીએ આવું મહાપાપ રોજ થતું રહે છે. જ્યાં મનમેળ હોય ત્યાં ઘરને પ્રેમમંદિરનો દરજજો પ્રાપ્ત થાય છે. (રાજકોટમાં ડૉ. ભદ્રાયુ વછરાજાનીના ઘરનું નામ ‘પ્રેમમંદિર’ છે.) પરાણે ગંઠાઇ ગયેલું યુગલત્વ સમાજને નિસ્તેજ બનાવે છે.

નવી પેઢીનાં નાદાન હૈયાં દ્વારા જે પસંદગી થાય તેમાં થતી ભૂલ પણ આટલી અપવિત્ર નથી હોતી. દહેજ લઇને પરણનાર લલ્લુ મને અંગત દુશ્મન જેવો જણાય છે. નવી પેઢીને કેટલીક ‘નિર્મળ ભૂલો’ કરવાની છૂટ આપણે ક્યારે આપીશું? રાધાકૃષ્ણની પૂજા કરનારો આપણો સમાજ ક્યારે સુધરશે? મામાનું ઘર કેટલે? ક્યાંય દીવો બળે છે ખરો? વાહ વાહ રામજી!



Blog:http://gunvantshah.wordpress.com

વિચારોના વૃંદાવનમાં, ગુણવંત શાહ

વિરોધના વણજારા

માણસ છે!

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે!
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે!
પહાડથી એ કôણ મક્કમ માણસ છે!
દડ દડ દડ દડ દડી પડે ભૈ, માણસ છે!
ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે!
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે!
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે!
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે!
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે!
ટાણે ખોટયું પડી, પડે ભૈ, માણસ છે!- જયંત પાઠક

જારામ રાવળ, ઉશનસ્ અને જયંત પાઠક-એ કવિ ત્રિપુટી છે. કમભાગ્યે પ્રજારામ રાવળ અને જયંત પાઠક રહ્યા નથી. સદ્ભાગ્યે ઉશનસ્ આપણી પાસે છે. જયંત પાઠકની ભાષામાં પ્રારંભમાં સંસ્કૃત પ્રચુરતા હતી. પછી એમની કવિતાની ગતિમાં ક્રમશ: વળાંક આવ્યો અને એમની ભાષા સીધી, સાદી, સરળ અને વેધક થતી ગઈ. વિષયોનો વ્યાપ વધ્યો. ઊંડાણની પણ પ્રતીતિ થવા માંડી. આમ તો આ ગઝલ હોય એવું લાગે પણ ખરેખર તો એનામાં ગીતમાં હોય એવી ગેયતાના ગુણ છે.

માણસ માત્ર વિરોધનો વણજારો છે. એને કઈ ઘડીએ સારું લાગે, માઠું લાગે, વાંકું પડે, ચેન અનુભવે, બેચેન થાય... વેધરની જેમ એની આગાહી થઇ ન શકે. આમ તો ખુલ્લી બાજીએ રમતો હોય પણ કોણ જાણે શું વાંકું પડે કે રમતાં રમતાં લડી પડે. એ ક્યારે લડે, રડે, પડે, આખડે, મિત્ર થાય, દુશ્મન થાય એના વિશે કોઈપણ આગાહી થઈ શકે નહીં. ભલભલા માણસના સંબંધોને વણસતા અને કણસતા જોયા છે. તો કેટલાક સંબંધો એવા ને એવા અકબંધ હોય છે. માણસ વિશે કોઈ અંતિમ કે અફર એવી વાત કરી શકાય નહીં. માણસનો પરિચય માણસ પોતે જ માનવજાતને આપતો રહ્યો છે.

ચિક્કાર આનંદનું વાતાવરણ અને એની આંખ સામે કોઈ ગમગીનીનું ચિત્ર આવે અને એ રડી પડે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આટલું બધું હસનારો માણસ અચાનક રડી કેમ પડ્યો? હરીન્દ્ર દવેની બે પંક્તિ છે: ‘એક હસે એક રડે, આંખ બે આપસમાં ચડભડે.’ મનસુખલાલ ઝવેરી કહે છે કે માણસનું જીવન જ એવું છે કે ઘડીક અષાઢ હોય, ઘડીક ફાગણ હોય છે અને ઘડીક શ્રાવણ હોય છે. એક અંધકારમાંથી બીજા અંધકારમાં એ અટવાતો હોય છે.

કેટલાક માણસો પહાડથી પણ મક્કમ હોય. પથ્થરને શરમ આવે એટલા અડીખમ હોય પણ કોઈક પ્રસંગે એમને દડ દડ દડી પડતા પણ વાર ન લાગે. જયંત પાઠકના આ કાવ્યની ખૂબી એ છે કે અહીં માણસની નિંદા કે ટીકા કરવાનું પ્રયોજન નથી પણ જે છે તે, જેવો છે તેવો આ માણસ છે ને માણસ છે એટલે જ બીજા માણસ જેટલો જ એ પણ વિરોધી તત્વોથી ભર્યો છે. ‘ભૈ માણસ છે’ એ ઉક્તિમાં જાણે કે આ બધું માફ કરી દેવા જેવું છે. માણસનો ચહેરો જોવા જેવો છે એના વાંસાને જોવા જેવો નથી. એની નિંદા કે કૂથલી કરવાનો અર્થ નથી. એના દોષને ચોળવા કે ચૂંથવામાં સમય વેડફવાની જરૂર નથી. માણસ હોય તો આવો જ હોય. એ અપૂર્ણ છે એની તો મજા છે. જો એ પૂર્ણ હોત તો આપણે એને ભગવાન કહી બેસત.

આમ તો ચંદ્ર સુધી પહોંચી શકે છે. ચપોચપ જાય છે અને પૃથ્વી પર ઠેસ કે ઠોકર ખાતા એને વાર નથી લાગતી. માણસ વીર છે, પ્રતાપી છે, સૂર્યવંશી છે. એનો તાપ છે. પ્રતાપ છે અને છતાં ઘણીવાર એવું બને છે કે આવો ભડ માણસ અચાનક ઢળી પડે અને આપણે આવાક થઈ જઈએ, પણ છેવટે માણસ છે: એના જીવન વિશે કે એના યૌવન વિશે કે એની આથમતી અવસ્થા વિશે કોઈ કશું કહી શકે એમ નથી. કેટલાક માણસો અમરતાના ઓરતા લઈને જીવતા હોય છે. એમને એમ કે જીવનમાં એવું કંઈ કરી નાખીએ કે આપણા પાળિયા હોય અને આપણી પૂજા થાય. ઈતિહાસમાં આપણું નામ થાય પણ એવા માણસોની ખ્યાતિ પણ વરાળ થઈને ઊડી જતી હોય છે.

અહીં માણસ પ્રત્યે અનુકંપા છે, કરુણા છે. જેવો તેવો હોય તો પણ માણસનો સ્વીકાર એ જ મોટી વાત છે. માણસને હકારથી આવકારવો જોઈએ. નકારથી નકારવો ન જોઈએ. એના ગુણ-દોષથી પર થવું જોઈએ. આપણે જ્યારે બીજામાં જે દોષ જોઈએ છીએ તે દોષ ક્યારેક આપણામાં પણ હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે મારા અવગુણને ઓળંગી હરિવર આવજો રે.

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

મોરારિબાપુ: રામના નામનો અવતાર હનુમાન

મારી હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા મને વિશ્વાસ સાથે એવું કહેવા પ્રેરે છે કે શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીનો આશ્રય કરવાથી મનુષ્યને નવમાંથી એકપણ ગ્રહ નડી શકતો નથી.

ધર્મ એટલે શું? આ વરસોથી ચર્ચાતો સવાલ છે. મારી સમજણ પ્રમાણે જવાબ આપું તો જે ભયભીત ન કરે તે ધર્મ. જે ભેદની ભીંતોને ભાંગે તે ધર્મ અને જે ભ્રમણામાં ન નાખે તે ધર્મ છે.ધર્મ માણસને અભય આપે છે. ધર્મ માણસને સમવાદ શીખવે છે. ધર્મ માણસને ભ્રમથી દૂર કરી બ્રહ્ન સુધી લઇ જાય છે. શ્રીમદ્ ભગવત ગીતાના સોળમા અધ્યાયમાં સંપત્તિની ચર્ચા છે. દૈવી સંપત્તિ એટલે કે સુરી સંપત્તિ અને રાક્ષસી સંપત્તિ એટલે કે અસુરી સંપત્તિથી માણસમાં કેવા ગુણો પ્રગટે એની વિગતવાર ચર્ચા છે.

ગીતાકાર કહે છે કે દૈવી સંપદા ધરાવનાર માણસમાં અભય, હૃદયશુદ્ધિ, જ્ઞાન, યોગ, નિષ્ઠા, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અલોલુપતા, દયા, મૃદુતા, લજજા, ચપળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, શૌર્ય, અદ્રોહ અને નિરાભિમાન જેવા સદ્ગુણો સહજ રીતે પ્રગટે છે. અહીં અભયને સૌપ્રથમ સ્થાને મૂકવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ ઉપરના તમામ સદ્ગુણોમાં અભયને સૌથી મોખરે મૂકે છે એનો અર્થ માનવીના જીવનમાંથી ડર દૂર થાય. જીવ ભયમુક્ત બને તેવું ઇશ્વર પણ ચાહે છે માટે મારી દ્રષ્ટિએ ધર્મનું પ્રથમ લક્ષણ એ છે, જે માનવીને ભયભીત ન કરે.

ભયને ભગાડવા માટે વર્તમાન સમયમાં એટલે કળિયુગમાં હનુમાનજી મહારાજના સ્મરણ જેવી અકસીર ઔષધી બીજી કોઇ નથી. મહાત્મા તુલસીદાસજી હનુમાન ચાલીસામાં લખે છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે. આ દુનિયામાં ભૂત અને પિશાચ છે કે નહીં એની ચર્ચામાં પડવું નથી પણ મને એટલી ખબર છે કે ભયના ભૂતને અને પીડાના પિશાચને ભગાડવા માટે મહાવીર એવા હનુમાનનું નામ પર્યાપ્ત છે.

ભગવાનના ચોવીસ અવતારમાંથી રામાવતારને ધ્યાનમાં રાખીને પરમતત્વને સમજવાનો પ્રયાસ કરીએ તો ભગવાન રામનું રૂપ એ પરમાત્માના રૂપનો અવતાર છે. અયોધ્યા ધામ એ ભગવાનના ધામનો અવતાર છે. રામચરિતમાનસ ભગવાનની લીલાનો અવતાર છે. લક્ષ્મણ ભગવાનની જાગૃતિનો અવતાર છે. જાનકી ભગવાનની શક્તિનો અવતાર છે. ભરત રામના પ્રેમનો અવતાર છે. શત્રુઘ્ન રામની વીરતાનો અવતાર છે અને હનુમાનજી ભગવાન રામના નામનો અવતાર છે. ભગવાન રામના નામનું મૂર્તિમંત સ્વરૂપ હનુમાન છે.

તુલસીદાસજી લખે છે કે કાલનેમી કલિ કપટ નિહાનુ, નામ સુમતિ સમર્થ હનુમાનુ, આ કળિયુગ કઠણ કાલનેમી જેવો યુગ છે પરંતુ ભગવાન રામના નામનો અવતાર એવા હનુમાન એવા મહાવીર છે કે જે કઠણ કાલનેમી ઉપર વિજય મેળવવા માટે સમર્થ છે અને મારી હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા મને વિશ્વાસ સાથે એવું કહેવા પ્રેરે છે કે શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીનો આશ્રય કરવાથી મનુષ્યને નવમાંથી એકપણ ગ્રહ નડી શકતો નથી.

આપણે તમામ ગ્રહને હનુમાનજી સામે મૂકીને જોઇ લઇએ તો સૌપ્રથમ ગુરુ નામનો ગ્રહ હનુમાનભક્તને પરેશાન કરે નહીં કારણ કે હનુમાન ચાલીસામાં લખ્યું છે કે જય જય જય હનુમાન ગુંસાઇ, કૃપા કરો ગુરુદેવ કી નાહી, હનુમાન ખુદ ગુરુ છે એટલે ગુરુની વક્રદ્રષ્ટિ થાય નહીં.

ત્યારબાદ શનિ તો હનુમાનજીનો વાર છે. આ શનિમહારાજ અને હનુમાનજીને એટલી નિકટતા છે કે જે હનુમાનજીનું સતત સ્મરણ કરે એને શનિ પજવતો નથી. જો સૂર્યની વાત કરીએ તો હનુમાન જ્યારે બાળક હતા ત્યારે સૂર્યને પોતાના મોઢામાં મૂકીને તમામ લોકમાં અંધારું કરી નાખ્યું હતું તેથી બજરંગબલિના ભક્ત ઉપર સૂર્ય હંમેશાં રહેમનજર રાખે છે.સોમ એટલે ચંદ્ર અને હનુમાન માટે મનોજવં મારુતતુલ્ય વેગમ્ કહેવામાં આવ્યું છે. આમ પણ હનુમાન એ રામના નામનો અવતાર અને તેથી હનુમાનભક્ત ઉપર ચંદ્ર કાયમ પોતાની શીતળતા વરસાવે છે.

જો મંગળની વાત કરું તો હનુમાનજી મંગળમૂર્તિ છે. આ મંગળમૂર્તિ મારુતનંદન ઉપર શ્રદ્ધા હોય તો મંગળ કનડે નહીં અને અમંગળનો નાશ થાય છે. બીજું હનુમાનને બુદ્ધિમતામ્ વરિષ્ઠમ કહ્યા છે એટલે હનુમાન બુદ્ધમાં શ્રેષ્ઠ છે. આવા બુદ્ધપુરુષના ભક્ત ઉપર બુધની અવકૃપા અશક્ય છે.શુક્ર એ પૌરુષનું પ્રતીક છે. હનુમાનજી બાળ બ્રહ્નચારી, વિક્રમ અને મહાવીર છે તેથી તેમને અતુલીત બલધામમ્ કહ્યા છે. જેમના બળની તુલના પણ થઇ ન શકે એવા બળવાન બજરંગી ઉપર શુક્રની વક્રદ્રષ્ટિ થતી નથી તેથી તે હનુમાનના ભક્તો ઉપર પણ એક આંખથી કૃપાદ્રષ્ટિ વરસાવે છે.

રાહુ ક્યારેય હનુમાનની હડફેટે ચડે નહીં કારણ કે રાહુની માતા સિંહિકા જે અવિદ્યાની ઉપાસક હતી અને હનુમાનને મારવાના પ્રયાસમાં પોતે મરી અને મોક્ષને પામી હતી. પોતાની માતાને મુિષ્ઠકાના પ્રહારથી મોક્ષમાર્ગી બનાવનાર મહાવીર હનુમાનના ભક્તો ઉપર રાહુ ક્યારેય અવકૃપા કરે નહીં, અને છેલ્લે કેતુની વાત કરીએ તો જે હનુમાને પોતાની અતુલીત શક્તિથી દુર્ગમ કાર્યો પણ સુગમ કરી દીધાં હોય, ચારે યુગમાં જેની ઉપસ્થિતિ હોય તથા ભગવાન કૃષ્ણ જેના સારથિ હતા એવા મહારથી અર્જુનના રથ ઉપર બેસવાની જેમાં લાયકાત હોય તેમણે સત્ય અને નીતિની ધજા ફરકાવી કહેવાય. હનુમાને ભગવાન રામને પણ પોતાના ઋણમાં રાખીને સેવાની ધૂણી ધખાવી હોય તેના ભક્ત પ્રત્યે કેતુ ક્યારેય ઉપદ્રવી બની શકે નહીં. આમ નવ ગ્રહમાંથી એકપણ ગ્રહ હનુમાનભક્તને પરેશાન કરી શકે નહીં એવી મારી વ્યક્તિગત શ્રદ્ધા છે.

નવ ગ્રહને પોતાના પલંગ સાથે બાંધી શકે એવો રાવણ પણ જેમના નામ માત્રથી ધ્રુજતો હોય અને પોતાની સેનાને કહેતો હોય કે મને હનુમાનની શક્તિનો ડર નથી પણ એના ચારિત્રયનો અને એની નિષ્ઠાનો ડર છે એવા બજરંગબલિથી નવેનવ ગ્રહો પણ ડરે તે સ્વાભાવિક છે.

આવતીકાલે રામનામના અવતાર અને દેવોના દેવ મહાદેવના રુદ્ર એવા હનુમાનજીની જન્મજયંતી છે ત્યારે ભયના ભૂતને અને પીડાના પિશાચને પળમાં ભગાડનાર પવનપુત્ર અને અંજનીના જાયાના નામનો આશ્રય કરવાથી કાલનેમી જેવા કઠણ કળિયુગમાં પણ મનુષ્યને સત્યુગ જેવી શાંતિ મળશે એવી મારી વ્યક્તિગત આસ્થા છે. આખા વિશ્વને હનુમાન જયંતીની વધાઇ.

(સંકલન : જગદીશ ત્રિવેદી)

માનસદર્શન, મોરારિબાપુ

Wednesday, April 20, 2011

Hindi Lyrics tu mujhe soch kabhi

Hindi Lyrics
tu mujhe soch kabhi yahi chaahat hai meri
main tujhe jaan kahu yahi hasrat hai meri
main tere pyaar ka armaan liye baitha hoon
tu kisi aur ko chaahe, kabhi khuda na kare - (2)

meri mehrum mohabbat ka sahaara tu hai - (2)
main jo jita hoon toh jine ka ishaara tu hai
apane dil pe tera ehasa liye baitha hoon
main tere pyaar ka armaan liye baitha hoon
tu kisi aur ko chaahe, kabhi khuda na kare - (2)
say u love me baby
i been waiting for you
hey ya o ya say u love me baby
pyaaar mein shart koyi ho toh bata de mujhko - (2)
gar khata mujhase huyi ho toh bata de mujhko
jaa hatheli pe meri jaan liye baitha hoon
main tere pyaar ka armaan liye baitha hoon
tu kisi aur ko chaahe, kabhi khuda na kare - (2)

ડૉ. શરદ ઠાકર: હોય હિંમત તો હવે થોડી બતાવ,આપણા સંબંધને શોધી બતાવ

પૂછનારે તો એટલું જ પૂછ્યું કે ‘તમે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે?’ પણ એના જવાબમાં કૌવત કામાણીએ બંને હાથ ફેલાવ્યા, અંગડાઇ લીધી, આંખોમાં નશાનો સુરમો આંજી લીધો અને સામે બેઠેલા દસ-બાર યાર-દોસ્તો તરફ ગર્વિષ્ઠ નજર ફેંકી લીધી. પછી ઘેઘૂર અવાજમાં ઉત્તર આપ્યો, ‘હા, મેં પણ પ્રેમ કર્યો છે. સત્તરમા વરસના સોનેરી પડાવ ઉપર મેં એક એવી છોકરીને ચાહી છે જેનાં સૌંદર્ય વિશે તમે તો કલ્પના પણ ન કરી શકો. એ પહેલા પ્યારની પહેલી યાદોના સહારે તો હું આજે જીવી રહ્યો છું. પણ જવા દો એ વાત! જિગરના જખમ અને જાંઘ ઉપરના ઘા સરખા હોય છે, એ બંને ગમે તેની સામે ઉઘાડા કરી શકાતા નથી.’

સામે બેઠેલા બધા મિત્રો હતા, પણ નવા હતા. એમની સાથેનો નાતો ધંધાકીય હતો, લાગણી આર્થિક હતી, વ્યવહાર મતલબનો હતો. એ દોસ્તી ‘કલાસિક’ને બદલે ‘ગ્લાસિક’ હતી, ભેગા બેસીને વ્હીસ્કીના ગ્લાસ ભરવાને કારણે બંધાયેલી ફ્રેન્ડશિપ હતી. કૌવતના દિમાગ ઉપર પણ અત્યારે નશો સવાર હતો. એની યે પાંપણો બંધ થઇ રહી હતી અને દિલની પર્ત ઊઘડવા માંડી હતી. સામે બેઠેલા બિલ્ડર મિત્ર બિમલ ગાંધીએ આગ્રહ કર્યો, ‘છોકરીનું નામ તો આપ!’ ત્યારે માંડ કૌવત આટલું બોલ્યો, ‘નામ જાણીને શું કરશો? સુંદર પ્રેમિકાની અસર એના નામમાં નહીં, કામમાં હોય છે. મારી અપ્સરાનું નામ હતું કરવટ કુંજપરા. કોલેજમાં એ મારી સાથે ભણતી હતી. બસ, આટલું પૂરતું છે ને?’

‘જરા પણ નહીં. રૂપના રામાયણની આ તો હજુ શરૂઆત છે, મહોબ્બતના મહાભારતની ફક્ત પ્રસ્તાવના છે. કોઇ ભૂખ્યા અતિથિને આમ ‘એપેટાઇઝર’ પીરસીને કાઢી ન મુકાય. હવે તો બસ, અમારી જિંદગીનો એક જ મકસદ છે, તારી પ્રેમકથા સાંભળ્યા વગર અમે અહીંથી જવાના નથી. આજકી શામ, કરવટભાભી કે નામ!’ વિપુલ મહેતાએ બેઠો સત્યાગ્રહ જાહેર કર્યો અને કૌવતે એની પ્રેમકથા કહેવી શરૂ કરી.

કૌવત માટે આ વાતની નવાઇ ન હતી. છાશવારે એની સાથે આવું બનતું રહેતું હતું. એ જ્યાં જાય ત્યાં લોકો એને પૂછતા રહેતા હતા: ‘તમે કોઇને પ્રેમ કર્યો હતો? એ સદ્ભાગી છોકરી કોણ હતી? તમે એની સાથે લગ્ન શા માટે ન કર્યા? એના બાપે ના પાડી કે છોકરીએ બેવફાઇ કરી?’

અત્યારે પણ એમ જ થયું. દોસ્તોએ દબાણ કર્યું એટલે જીભ ખૂલી ગઇ, ‘કરવટ સુંદર હતી. એ બહુ રૂપાળી ન હતી. એ શ્યામવણીઁ હતી. ભીનેવાનથી પણ સહેજ વધારે ઘેરો એની ત્વચાનો રંગ હતો. પણ એની સંઘેડા ઉતાર કાયામાં વીજળીનો ચમકાર હતો. એની આંખો મોટી ને તેજભરી હતી. વસ્ત્રપરિધાનની એની સૂઝ-સમજ અદભૂત હતી. એની ચાલમાં એવું લાવણ્ય હતું કે એને ચાલી જતી જોઇને પાછળ ઊભેલો યુવાન પણ એના પ્રેમમાં પડી જાય. કરવટ પાસે માત્ર રૂના પોલ જેવો દૂધિયો ચહેરો ન હતો, એની પાસે તો પુરુષને જકડી રાખે તેવો સુંદર, નમણો ફેઇસ-કટ હતો. મને એ જોતાંની સાથે જ ગમી ગઇ.’

‘પછી શું થયું? આ વાતની જાણ તેં કરવટને કરી કે નહીં?’ આશુતોષ નામના જવેલર મિત્રે જિજ્ઞાસા દર્શાવી.

‘હા અને ના.’ કૌવત હસ્યો, ‘મેં એને જાણ કરી તો ખરી, પણ સીધી રીતે નહીં. આડકતરી રીતે કરી.’

‘એ વળી કઇ રીત?’ પિનાકીને પૂછ્યું.

‘ચતુર પુરુષ પોતાનો પ્રેમ અનેક પ્રકારે વ્યક્ત કરી શકે છે. એમાંનો સૌથી સહેલો, સૌથી અણઘડ અને સૌથી ગામડિયો પ્રકાર છે: પોતાને ગમતી સ્ત્રીને ‘આઇ લવ યુ’ કહેવાનો. હું તો એ રીત ક્યારેય ન જ અપનાવું. મેં બીજી રીતો દ્વારા મનની વાત દર્શાવવા માંડી. મેં નોંધ કરી કે કરવટ પાસે આઠથી દસ રંગના ‘ડ્રેસીઝ’ છે, બીજા વધારે પણ હશે. પણ કોલેજમાં તો એ આટલાં જ વારાફરતી પહેરે છે.

કૌવતે પણ એવા જ રંગનાં વસ્ત્રો સીવડાવી લીધાં. પછી પાક્કી વ્યવસ્થા બનાવી દીધી. રોજ સવારે કરવટ ઘરેથી નીકળે કે તરત એની પડોશમાં રહેતો એક મિત્ર કૌવતને ફોન કરીને માહિતી આપી દે કે આજે કરવટે ક્યા રંગનો ડ્રેસ પહેર્યો છે. એ દિવસે કૌવત પણ એ જ રંગનાં વસ્ત્રો પહેરે. ધીમે-ધીમે આખી કોલેજને જાણ થઇ ગઇ કે એ બંનેનાં વસ્ત્રોનું મેચિંગ જામેલું છે. ખુદ કરવટ પણ આ વાત જાણી ગઇ.

ઉપાયો એક-બે નહીં, પણ હજારો-લાખો હતા. એક દિવસ કરવટ આવે તે પહેલાં એની બેન્ચ ઉપર તાજું તોડેલું ગુલાબનું ફૂલ કૌવત મૂકી દેતો, તો બીજા દિવસે વળી એ કરવટની સામે જોઇને ‘ફ્લાઇંગ કિસ’ મોકલી આપતો. કરવટ શરમાઇને નીચું જોઇ જતી અને કૌવતની છાતીમાં આખો મુગલ ગાર્ડન ખીલી ઊઠતો. આખી કોલેજમાં એક જ વાતની ચર્ચા હતી: કરવટ અને કૌવત વચ્ચેના પ્રેમની. હવે તો બીજા કલાસમાં ભણતા સિનિયર વિદ્યાર્થીઓ પણ આવી-આવીને સલાહ આપી જતા હતા, ‘કૌવત, આવું બધું કરવાને બદલે એક વાર કરવટને મળીને સીધું ને સટ કહી નાખ ને કે તું મને ગમે છે! એટલે કેસ ફાઇલ થઇ જાય.’

‘એની જરૂર ક્યાં છે? એવું કશું જ કહ્યા વગર પણ જો આખી કોલેજને ખબર પડી જતી હોય કે હું કરવટને ચાહું છું, તો કરવટને પોતાને નહીં પડી હોય! તમે બધાંએ મારી પ્રેમિકાને આટલી હદે બેવકૂફ સમજી લીધી છે?’ કૌવતની વાત સાંભળીને બધા કાન પકડી લેતા, હા, કરવટ બેવકૂફ ન હતી. કલાસમાં રેન્ક લાવતી હતી, ચાલાક હતી, ચબરાક હતી અને કૌવતે દિલની વાત વ્યક્ત કરવા માટે અજમાવેલા ઉપાયો પણ અસરકારક હતા. પણ વિધાતાને આ વાત મંજૂર નહીં હોય. બીજા જ વરસે કરવટના પપ્પાની બદલી થઇ ગઇ. એ બીજા શહેરમાં ચાલ્યા ગયા. આજે એ વાતને પંદર વરસ થઇ ગયાં. એ પછી કરવટ વિશે કૌવતને કશી જ જાણકારી મળી ન શકી.કરવટ તો પરણી ગઇ હશે, કૌવત કુંવારો જ રહ્યો.

*** *** ***

બીજા દસ વર્ષ નીકળી ગયાં. તાજેતરમાં એક સમારંભમાં કૌવતે કરવટને જોઇ. સહેજ સ્થૂળ કાયામાંથી પચીસ વર્ષના પડ બાદ કળવામાં થોડીક વાર તો લાગી પણ આખરે મૂળ સૌંદર્ય-પ્રતિમા પકડાઇ ગઇ ખરી. કૌવત એની સાવ પાસે પહોંચી ગયો, ‘ઓળખાણ પડે છે?’

‘ના, આ પહેલાં આપણે ક્યાંય મળ્યા છીએ ખરાં?’ કરવટે નિર્દોષતાથી પૂછ્યું.

‘અરે, હું કૌવત! તારો કોલેજકાળનો પ્રેમી. મને ભૂલી ગઇ?’

‘કોણ કૌવત?! મને તો તારું નામ જ યાદ નથી, ભૂલવાની વાત જ ક્યાં...?’

કૌવતે એક હજાર પ્રસંગો યાદ કરાવ્યા, એનું ભાથું ખાલી થયું ત્યારે કરવટે ભોળા ભાવે આટલું જ કહ્યું, ‘હવે મને આછું-આછું યાદ આવે છે ખરું કે કોલેજના પ્રથમ વર્ષમાં મારી સાથે કો’ક છોકરો ભણતો હતો ને રોજ મારી સામે નીતનવા વાનરવેડા કરતો હતો. એ તું જ હતો? નાઇસ ટુ મીટ યુ, કૌવત! એક વાત કહું? તું જો મને ખરેખર ચાહતો હતો તો એવું બધું કરવાની શી જરૂર હતી? સીધે સીધું આવીને કહી દીધું હોત કે ‘આઇ લવ યુ’ તો કેસ ફાઇલ થઇ ગયો હોત ને? અત્યારે જે મારો પતિ છે એણે આમ જ કર્યું હતું.’

(શીર્ષક પંક્તિ : ભાવેશ ભટ્ટ)

રણમાં ખીલ્યું, ગુલાબ, ડૉ. શરદ ઠાકર

થાય સરખામણી તો...

થાય સરખામણી તો...

વેલ, શાણા મનુષ્યો કહે છે કે સરખામણી મોટા ભાગનાં દુ:ખોનું મૂળ છે. જેટલી તમે બીજાની સાથે તમારી જાતની સરખામણી કરશો, તેટલા જ વધુ દુ:ખી થશો. ના ના, આપણે અહીં ફિલોસોફીની દુકાન શરૂ નથી કરવી. વાત એવી છે કે અમારા હાથે એવી સાઇટ લાગી છે કે જેમાં શુષ્ક લાગતા આંકડા અને ફેકટ્સનો એવો અદભૂત ઉપયોગ કરાયો છે કે ન પૂછો વાત. જેમ કે, http://www.ifitweremyhome.com/. આ સાઇટ આપને કહેશે કે જો તમારો જન્મ વિશ્વના કોઇ બીજા દેશમાં થયો હોત તો આપને કેવાક ફાયદા અથવા ગેરફાયદા થયા હોત.

ફોર એકઝામ્પલ, આપણે અત્યારે ધારી લઇએ કે આપનો જન્મ અપુન કા ઈન્ડિયામાં થયો છે. અને તમને એવું થયે રાખતું હોય કે યાર, આના કરતાં તો આપણે અમેરિકામાં જન્મ્યા હોત તો સારું હતું! તો જસ્ટ ચેક કરીએ કે એવું થયું હોત તો આપને કેવીક સગવડો પ્રાપ્ત થઇ હોત: જો આપનું અવતરણ અમેરિકાની ધરતી પર થયું હોત તો આપને આપની તબિયત પર ૭૮ ટકા વધુ ખર્ચ કરવો પડતો હોત, ૨૭.૬ ટકા વધુ પેટ્રોલિયમનો ધુમાડો કરતા હોત, ૨૫.૮ ટકા વધુ વીજળી બાળતા હોત, હા, ભારત કરતાં આપને ત્યાં નોકરી મળવાના ચાન્સિસ ૧૩ ટકા વધુ હોત અને ભારત કરતાં પંદરગણા વધુ રૂપિયા રળી શક્યા હોત, અને ત્યાં આપ ૧૧.૭૮ વર્ષ વધુ જીવી શકો.

લેકિન અમેરિકામાં આપને ત્યાં બાળક થવાની શક્યતા ૩૫.૧૯ ટકા ઘટી જશે, અને આપને એઇડ્સ થવાની શક્યતા ડબ્બલ થઇ જશે! (તો આવતો જન્મ અમેરિકા માટે કન્ફર્મ કરીશું કે કેન્સલ?) આવી રસપ્રદ ફેકટ્સ આપ વિશ્વના કોઇપણ બે દેશ વચ્ચે સરખાવી શકો છો અને તે દેશને વધુ સારી રીતે જાણવા માટે સારાંમાં સારાં પુસ્તકોની યાદી અને ખરીદવાનું ઠેકાણું (એમેઝોન.કોમ) પણ એ જ પેજ પર મળી જશે.

એકચ્યુઅલી, આ સાઇટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તથા સીઆઇએ વલ્ર્ડ ફેકટ બૂક દ્વારા એકઠા કરાયેલા ડેટાનો ઉપયોગ કરીને આપણને આવી સરખામણી કરી આપે છે. ઉપરાંત વિશ્વમાં વર્તમાન સમયમાં થયેલી કે થઇ રહેલી આફતોનું રસપ્રદ ચિત્રાત્મક નિરૂપણ પણ આ સાઇટ પેશ કરે છે.

આખરે આપણી વિસાત શું?

સરખામણીની જ વાત નીકળી છે તો બીજી એક સાઇટનો પણ ઉલ્લેખ કરવો જરૂરી બને છે. તે છે, http://htwins.net/scale/. ક્યારેક આપણને કવિ નર્મદની જેમ લમણે એક આંગળી અડાડીને એવો વિચાર આવે કે આ આખું બ્રહ્માંડ આમ કેવડું મોટું હશે? અને એની સરખામણીમાં આપણે, આપણી સૂર્યમાળા, આ પૃથ્વી પરની વિવિધ વસ્તુઓ, પ્રાણીઓ વગેરેની વિસાત કેટલી? આવો જ વિચાર કેરી અને માઇકલ હુઆંગ નામના ડિઝાઇનરોને આવ્યો હશે અને તેના ધાંસુ દિમાગમાંથી તૈયાર થઇ આ લિંક.

તેને ખોલતાવેંત તમને જે દેખાશે તે માણસની હાઇટની સરખામણીએ એક કોફીનો દાણો, એક ચોરસ ઇંચનું ચોરસ, ચોખાનો દાણો, હમિંગબર્ડ પક્ષીનું ઇંડું વગેરેનાં કદનો ખ્યાલ આપે છે. તેની નીચે એક આડી પટ્ટી હશે, તેના પર આપેલા બ્લ્યૂ ચોરસ પર કર્સર મૂકીને ડ્રેગ કરવાથી આખું ચિત્ર ઝૂમ ઇન અને ઝૂમ આઉટ થતું રહેશે અને આપની સમક્ષ રજૂ થતું રહેશે.

આખા બ્રહ્માંડની સૌથી નાનામાં નાની ચીજથી લઇને આખા બ્રહ્માંડના સંભવિત કદ સુધીની પાર વિનાની ચીજોની સરખામણીની ચિત્રાત્મક અને તેનાં એકમ સહિતનાં માપની તસવીરી સફર! તેમાં વિવિધ બેકટેરિયા, ઇલેકટ્રોન-પ્રોટોન, વિવિધ તત્ત્વોનાં અણુ, વિવિધ રોગના વાઇરસ, કોમ્પેકટ ડિસ્કમાં સ્ટોર કરેલા ડેટાના એક ખાડાની ઊંડાઇ, રકતકણ, માનવ આંખ વડે જોઇ શકાય તેવો સૌથી નાનો પદાર્થ, કીડી, બસ, પ્લેન, વિશ્વની પ્રખ્યાત ઇમારતો, વિવિધ ગ્રહો, તારા, સૂર્ય, નક્ષત્રો અને અગણિત પ્રકાશવર્ષ દૂર આવેલી ગેલેકસીઓ વગેરેનો સમાવેશ થાય છે. અમને ખાતરી છે કે આ ચાર્ટ જોયા પછી, ‘આપણે તો બહુ મોટા માણસ’ એવા આપણા સુપર ઇગોમાં થોડો ઘટાડો જરૂર થશે!

ઇમેજમાંથી લખાણ તારવો, તુરંત!

કમ્પ્યુટરનો ડે-ટુ-ડે ઉપયોગ કરનારાં અને જાતજાતના દસ્તાવેજની ઇ-મેઇલ મારફતે આપ-લે કરનારા લોકો તેમને પડતી એક મુશ્કેલીથી તો અવગત હશે જ. અમુક પાર્ટીએ મોકલેલું મેટર ઇમેજ કે પીડીએફ ફોર્મેટમાં હોય અને તેને ટેકસ્ટ ફોર્મેટમાં કન્વર્ટ કરવાનું છે અથવા કોઇએ આપને કોઇ ફેકસ કે અન્ય દસ્તાવેજ સ્કેન કરીને કે પીડીએફ સ્વરૂપે મોકલ્યાં હોય અને તેમાંના લખાણ-ટેકસ્ટને વાપરવાનું જરૂરી હોય ત્યારે એક લાંબો રૂટ પકડવો પડે છે.

આખી મેટરની પ્રિન્ટ કાઢો અને એને ફરીવાર કમ્પોઝ-ટાઇપ કરાવડાવો. આ આખી પ્રક્રિયા ખાસ્સી કંટાળાજનક છે અને ખાસ્સો બધો ટાઇમ માગી લે છે. ત્યારે એવી કોઇ સગવડ હોય કે જે આખી પ્રક્રિયાની ચૂટકી બજા કે કરી આપે તો કેવું સારું! ત્યારે આપે www.free-online-ocr.com ની મુલાકાત લેવી જોઇએ. સાઇટનું નામ છે, ફ્રી ઓનલાઇન ઓસીઆર. ઓસીઆર મતલબ ‘ઓપ્ટિકલ કેરેકટર રેકોગ્નિશન’. ટૂંકમાં કહીએ તો આ સર્વિસ પીડીએફ કે અન્ય કોઇપણ ઇમેજ ફોર્મેટ (જેમ કે, જેપીજી/જેપીઇજી, ટિફ, પીએનજી, બીએમપી વગેરે)માં રહેલી ટેકસ્ટ-લેખિત માહિતી-લખાણ શોધીને તેને આપણને જોઇતા ટેકસ્ટ ફોર્મેટ (જેમ કે, વર્ડ, આરટીએફ- રિચ ટેકસ્ટ ફોર્મેટ, ટીએકસટી કે ઇવન પીડીએફ)માં કન્વર્ટ કરી આપે છે.

આ સર્વિસના કેટલાક સરસ અને ખરેખર ઉપયોગી એવા ફાયદા આ રહ્યા: સૌથી પહેલાં તો આ સર્વિસ ઉપયોગ કરવા માટે કોઇ પણ જાતના લોગઇન-પાસ વર્ડ-યુઝરનેમ ઇત્યાદિની જરૂર નથી પડતી. બસ, આ સાઇટને બૂક માર્કમાં કે ફેવરિટમાં સેવ કરીને રાખી મૂકવાની. જ્યારે જરૂર પડે ત્યારે ઓપન કરી, ઇનપુટ તરીકે ઇમેજ ફાઇલ બ્રાઉઝ કરીને અપલોડ કરાવી દેવાની અને સાથેસાથે આઉટપુટ પણ સિલેકટ કરી લેવાનું અને ફરીથી આપણું કામ શરૂ કરી દેવાનું.

ગણતરીની પળોમાં આ સાઇટ પોતાનું કામ પૂરું કરીને આપને આપના જોઇતાં ફોર્મેટમાં તે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી લેવાનું કહેશે. બીજો ફાયદો એ છે કે આ રીતે કન્વર્ટ કરેલા ડોક્યુમેન્ટમાંથી કોઇ ચોક્કસ શબ્દ કે વાકયો શોધવાં હોય, ત્યારે ‘ફાઇન્ડ’નો વિકલ્પ પણ કામ કરતો થઇ જાય છે. ત્રીજો ફાયદો એ છે કે તે મૂળ ડોક્યુમેન્ટમાંનાં લખાણનું ફોર્મેટિંગ (બોલ્ડ, ઇટાલિક, ફોન્ટ સાઇઝ, કલર્સ વગેરે) એમનું એમ રાખે છે. ધારો કે મૂળ ડોક્યુમેન્ટમાં કોઇ ઇમેજ ત્રાંસી હોય તો પણ તે પોતાની મેળે જ સીધી કરી નાખે છે એ તેનો ચોથો ફાયદો. ગુજરાતી ફોન્ટ્સ સાથે કામ પાડતા લોકો માટે સારી બાબત એ છે કે આ સુવિધા ગુજરાતી ફોન્ટ્સને પણ સપોર્ટ કરે છે. અજમાવી જુઓ, ખરેખર કામની સર્વિસ છે!

Friday, April 15, 2011

ચાણક્યનાં વ્યવહાર સૂત્રો

મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવો નહિ.
દુષ્ટ સ્ત્રીનું ભરણપોષણ કરવું જોઈએ નહિ.
દુઃખી લોકોનો સંગ કરવો નહિ.
પત્ની પતિવ્રતા, મિત્ર સમજુ, અને સેવક આજ્ઞાકારી હોવાં જોઈએ.
ખરાબ દિવસો માટે ઘનસંચય (બચત) કરવો જોઈએ.
જે દેશમાં સન્માન ન મળે, આજીવિકા ન મળે, ભાઈ-ભાંડું રહેતા ન હોય, અભ્યાસની સગવડ ન હોય ત્યાં રહેવું નહિ.
પત્નીની પવિત્રતા, મિત્રની મિત્રતા, સેવકોની નિષ્ઠા – સૌની કસોટી કરી લેવી જોઈએ.
પત્ની તરીકે કન્યા પસંદ કરવામાં, રૂપ-સૌંદર્યને બદલે કુલિનતા-ગુણોને પ્રાધાન્ય આપો.
કન્યા પસંદ કરતી વખતે સ્ત્રીનું રૂપ નહિ, કુલને લક્ષમાં રાખો. નીચ કુલની સુંદર કન્યા હોય, તો પણ સ્વીકારવી નહિ.
નદીનાં પાણીનો (ઊંડાઈનો) કદી ભરોસો ન કરવો.
રાજપરિવારોનો ભરોસો કરવો નહિ.
આજ્ઞાકારી પુત્ર, પતિવ્રતા સ્ત્રી અને પોતાના ધનથી જેને સંતોષ હોય, તેને આ જગત સ્વર્ગ સમાન છે.
પુરુષ કરતાં સ્ત્રીઓમાં આઠગણી કામવાસના હોય છે, પરંતુ સ્ત્રીઓ લજ્જાવશ પહેલ કરતી નથી. પહેલ તો પુરુષોએ જ કરવી પડે છે.
સ્ત્રીઓ – જુઠાબોલી, કપટી, મૂર્ખ, લોભી, અપવિત્ર, દયાહિન, હોય છે.
વિધિના ખેલ કેવા છે ? જેની પાસે દાંત છે, તેની પાસે ચવાણું (ખાવાનું) નથી; જેની પાસે ચવાણું હોય છે, તેને દાંત નથી હોતા.
જેને તમે સાચો મિત્ર સમજતા હો, તેના પર પણ પૂરો ભરોસો રાખશો નહિ. જે વાત જાહેર થવાથી હાનિ થવાનો ભય હોય, તે તમારા મિત્રને પણ કહેશો નહિ. (આજે મિત્ર છે તે કાલે તમારો શત્રુ પણ બની શકે.)
અશિક્ષિ‍ત માણસ શીંગડાં અને પૂંછડા વગરના પશુ સમાન છે.
ઝેરમાંથી અમૃત મળતું હોય, તો ઝેરનેય સ્વીકારી લેવું.
નદીના કિનારા પર ઉગેલું વૃક્ષ, બીજાના ઘરમાં રહેતી સ્ત્રી અને મંત્રી વગરનો રાજા જદલી નાશ પામે છે.
ભોજન કર્યા બાદ મહેમાનને યજમાનની વિદાય લેવી જોઈએ.
સમકક્ષ સાથે જ સંબંધ શોભે.
સુંદર સ્ત્રીએ ઘરમાં જ રહેવું જોઈએ.
આ જગતમાં કોઈ દોષહીન નથી.
ખૂબ જ મહત્વનાં કે વિશિષ્ટવ કાર્ય માટે કુલિન વ્યક્તિને જ નિયુક્ત કરવી.
દુર્જન, સાપથીયે વધુ ભયંકર હોય છે.
સમર્થને માટે કંઈ મુશ્કેલ નથી.
કોઈ પણ બાબતમાં ‘અતિ‘નો ત્યાગ કરવો. (અતિ સર્વત્ર વર્જયેત)
કામ કરનાર વ્યક્તિને દારિદ્રયનો ભય હોતો નથી; મૌન ધારણ કરનારને ઝઘડાનો ભય હોતો નથી; જાગરૂક માણસને કોઈ પ્રકારનો ભય હોતો નથી.
જેમ સળગતું સૂકું પાંદડું સારાયે વનને આગથી ભસ્મીભૂત કરે છે, તેમ કુપુત્ર સારાયે કુટુંબનો નાશ નોતરે છે.
પિતાનું કર્તવ્ય છે બાળક પાંચ વર્ષનો થાય ત્યાં સુધી લાડ કરવાં, ૬ થી ૧૫ વર્ષનો થાય ત્યાં સુધી શિસ્તમાં રાખવો અને સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો.
જે ઘરમાં પતિ-પત્નીને ઝઘડા થતા નથી, ત્યાં લક્ષ્મીજ વાસ કરે છે.
હજારો તારાઓ જે અંધકાર દૂર કરી શકતા નથી, તે એક ચંદ્ર દૂર કરે છે; અનેક ગુણહીન પુત્રો કરતાં એક ગુણીયલ પુત્ર સારો.
નિસ્પૃહી માણસ કોઈ પદ કે પદાર્થ પાછળ દોડતો નથી. મૂર્ખ માણસ મીઠી વાણી બોલતો નથી. સ્પષ્ટમવક્તા કદી લુચ્ચો હોતો નથી.
જ્યાં સુધી ભય સામે ન આવે ત્યાં સુધી ગભરાવું નહિ, ભય જ્યારે આવે ત્યારે હિંમતથી તેનો સામનો કરવો.
આપણો સમય કેવો છે ? કોણ મિત્રો છે ? નિવાસ સ્થાન કેવું છે ? આવક કેટલી ને ખર્ચ કેટલો છે ? હું કોણ છું ? મારી શક્તિ કેટલી છે ?
ડાહ્યા પુરુષોએ આ પ્રશ્નો પર વિચારવું જોઈએ.
મૂર્ખાઓ પંડિતોની ઇર્ષ્યા કરે છે; ગરીબો ધનવાનોની ઇર્ષ્યાઓ કરે છે; વ્યભિચારિણીઓ કુલિન સ્ત્રીઓની ઇર્ષ્યાઈ કરે છે; વિધવાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓની ઇર્ષ્યા કરે છે.
ગંદી જગામાં વસવાટ, નીચ પુરુષની નોકરી, વાસી ભોજન, ઝઘડાખોર પત્ની, મૂર્ખ મિત્ર, વિધવા પુત્રી – આ છ દુઃખો માણસને વિના અગ્નિએ બાળે છે.
આળસને કારણે વિદ્યા નાશ પામે છે; પરાયા હાથમાં ગયેલું ધન કામ લાગતું નથી; થોડાં બી નાખવાથી ખેતરમાં પાક થતો નથી; સેનાપતિ વિહોણું સૈન્ય વિજયી બનતું નથી.
દયારહિત ધર્મ, વિદ્યાવિહીન ગુરુ, ઝઘડાળુ સ્ત્રી, સ્નેહવિહોણા સંબંધ – એ સર્વે તજવા યોગ્ય છે.
કામવાસના સમાન કોઈ રોગ નથી; મોહ જેવો કોઈ ભયંકર શત્રુ નથી; ક્રોધ જેવો કોઈ અગ્નિ નથી; જ્ઞાન જેવું કોઈ સુખ નથી.
બ્રહ્મવિદ્દને માટે સ્વર્ગ તુચ્છ છે; શૂરવીરને માટે જીવન તુચ્છ છે; ઇન્દ્રિયોને વશમાં રાખનાર માટે સ્ત્રી તુચ્છ છે; નિસ્પૃહી માટે સંસાર તુચ્છ છે.
સંકટ આવે તે પહેલાં જ તેનો ઉપાય શોધી રાખનાર અને સંકટ આવ્યે તેનો ઉપયોગ કરનાર સુખી રહે છે.
પ્રવાસમાં વિદ્યા મિત્ર છે; ઘરમાં પત્ની મિત્ર છે; ઔષધ રોગીનું મિત્ર છે; ધર્મ મૃતનો મિત્ર છે.
તપમાં એક, અભ્યાસમાં બે, સંગીતમાં ત્રણ, પ્રવાસમાં ચાર, ખેતીમાં પાંચ અને યુદ્ધમાં અસંખ્ય વ્યક્તિઓ જરૂરી છે.
ધનના પ્રલોભનથી લોભી વશ થાય છે; નમસ્કારથી ‍(વિનમ્રતાથી) હઠી વશ થાય છે; અનુકૂળ વ્યવહારથી મૂર્ખ વશ થાય છે; જ્ઞાનથી વિદ્વાન વશ થાય છે.
આહાર-વ્યવહારમાં સ્પષ્ટ રહેનાર સુખી રહે છે.
બહુ સરળ થવામાં સાર નથી.
શાકભાજી ખાવાથી રોગો વધે છે; દૂધનું સેવન કરવાથી શરીર વધે છે; ઘી ખાવાથી વિર્ય વધે છે; માંસ ખાવાથી માંસ વધે છે.
ઘરમાં આસક્તિ રાખનાર વિદ્યા મેળવી શકતો નથી; માંસ ખાનાર દયાભાવ રાખી શકતો નથી; લોભી સાચું બોલતો નથી; કામી પુરુષ પવિત્ર રહી શકતો નથી.
દુર્જન કદી સજ્જન થતો નથી.

જીવનમાં મિત્ર ના હોત તો !


જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?
મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.
મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.
મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.
મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.
મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.
એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.