Wednesday, April 20, 2011

થાય સરખામણી તો...

થાય સરખામણી તો...

વેલ, શાણા મનુષ્યો કહે છે કે સરખામણી મોટા ભાગનાં દુ:ખોનું મૂળ છે. જેટલી તમે બીજાની સાથે તમારી જાતની સરખામણી કરશો, તેટલા જ વધુ દુ:ખી થશો. ના ના, આપણે અહીં ફિલોસોફીની દુકાન શરૂ નથી કરવી. વાત એવી છે કે અમારા હાથે એવી સાઇટ લાગી છે કે જેમાં શુષ્ક લાગતા આંકડા અને ફેકટ્સનો એવો અદભૂત ઉપયોગ કરાયો છે કે ન પૂછો વાત. જેમ કે, http://www.ifitweremyhome.com/. આ સાઇટ આપને કહેશે કે જો તમારો જન્મ વિશ્વના કોઇ બીજા દેશમાં થયો હોત તો આપને કેવાક ફાયદા અથવા ગેરફાયદા થયા હોત.

ફોર એકઝામ્પલ, આપણે અત્યારે ધારી લઇએ કે આપનો જન્મ અપુન કા ઈન્ડિયામાં થયો છે. અને તમને એવું થયે રાખતું હોય કે યાર, આના કરતાં તો આપણે અમેરિકામાં જન્મ્યા હોત તો સારું હતું! તો જસ્ટ ચેક કરીએ કે એવું થયું હોત તો આપને કેવીક સગવડો પ્રાપ્ત થઇ હોત: જો આપનું અવતરણ અમેરિકાની ધરતી પર થયું હોત તો આપને આપની તબિયત પર ૭૮ ટકા વધુ ખર્ચ કરવો પડતો હોત, ૨૭.૬ ટકા વધુ પેટ્રોલિયમનો ધુમાડો કરતા હોત, ૨૫.૮ ટકા વધુ વીજળી બાળતા હોત, હા, ભારત કરતાં આપને ત્યાં નોકરી મળવાના ચાન્સિસ ૧૩ ટકા વધુ હોત અને ભારત કરતાં પંદરગણા વધુ રૂપિયા રળી શક્યા હોત, અને ત્યાં આપ ૧૧.૭૮ વર્ષ વધુ જીવી શકો.

લેકિન અમેરિકામાં આપને ત્યાં બાળક થવાની શક્યતા ૩૫.૧૯ ટકા ઘટી જશે, અને આપને એઇડ્સ થવાની શક્યતા ડબ્બલ થઇ જશે! (તો આવતો જન્મ અમેરિકા માટે કન્ફર્મ કરીશું કે કેન્સલ?) આવી રસપ્રદ ફેકટ્સ આપ વિશ્વના કોઇપણ બે દેશ વચ્ચે સરખાવી શકો છો અને તે દેશને વધુ સારી રીતે જાણવા માટે સારાંમાં સારાં પુસ્તકોની યાદી અને ખરીદવાનું ઠેકાણું (એમેઝોન.કોમ) પણ એ જ પેજ પર મળી જશે.

એકચ્યુઅલી, આ સાઇટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તથા સીઆઇએ વલ્ર્ડ ફેકટ બૂક દ્વારા એકઠા કરાયેલા ડેટાનો ઉપયોગ કરીને આપણને આવી સરખામણી કરી આપે છે. ઉપરાંત વિશ્વમાં વર્તમાન સમયમાં થયેલી કે થઇ રહેલી આફતોનું રસપ્રદ ચિત્રાત્મક નિરૂપણ પણ આ સાઇટ પેશ કરે છે.

આખરે આપણી વિસાત શું?

સરખામણીની જ વાત નીકળી છે તો બીજી એક સાઇટનો પણ ઉલ્લેખ કરવો જરૂરી બને છે. તે છે, http://htwins.net/scale/. ક્યારેક આપણને કવિ નર્મદની જેમ લમણે એક આંગળી અડાડીને એવો વિચાર આવે કે આ આખું બ્રહ્માંડ આમ કેવડું મોટું હશે? અને એની સરખામણીમાં આપણે, આપણી સૂર્યમાળા, આ પૃથ્વી પરની વિવિધ વસ્તુઓ, પ્રાણીઓ વગેરેની વિસાત કેટલી? આવો જ વિચાર કેરી અને માઇકલ હુઆંગ નામના ડિઝાઇનરોને આવ્યો હશે અને તેના ધાંસુ દિમાગમાંથી તૈયાર થઇ આ લિંક.

તેને ખોલતાવેંત તમને જે દેખાશે તે માણસની હાઇટની સરખામણીએ એક કોફીનો દાણો, એક ચોરસ ઇંચનું ચોરસ, ચોખાનો દાણો, હમિંગબર્ડ પક્ષીનું ઇંડું વગેરેનાં કદનો ખ્યાલ આપે છે. તેની નીચે એક આડી પટ્ટી હશે, તેના પર આપેલા બ્લ્યૂ ચોરસ પર કર્સર મૂકીને ડ્રેગ કરવાથી આખું ચિત્ર ઝૂમ ઇન અને ઝૂમ આઉટ થતું રહેશે અને આપની સમક્ષ રજૂ થતું રહેશે.

આખા બ્રહ્માંડની સૌથી નાનામાં નાની ચીજથી લઇને આખા બ્રહ્માંડના સંભવિત કદ સુધીની પાર વિનાની ચીજોની સરખામણીની ચિત્રાત્મક અને તેનાં એકમ સહિતનાં માપની તસવીરી સફર! તેમાં વિવિધ બેકટેરિયા, ઇલેકટ્રોન-પ્રોટોન, વિવિધ તત્ત્વોનાં અણુ, વિવિધ રોગના વાઇરસ, કોમ્પેકટ ડિસ્કમાં સ્ટોર કરેલા ડેટાના એક ખાડાની ઊંડાઇ, રકતકણ, માનવ આંખ વડે જોઇ શકાય તેવો સૌથી નાનો પદાર્થ, કીડી, બસ, પ્લેન, વિશ્વની પ્રખ્યાત ઇમારતો, વિવિધ ગ્રહો, તારા, સૂર્ય, નક્ષત્રો અને અગણિત પ્રકાશવર્ષ દૂર આવેલી ગેલેકસીઓ વગેરેનો સમાવેશ થાય છે. અમને ખાતરી છે કે આ ચાર્ટ જોયા પછી, ‘આપણે તો બહુ મોટા માણસ’ એવા આપણા સુપર ઇગોમાં થોડો ઘટાડો જરૂર થશે!

ઇમેજમાંથી લખાણ તારવો, તુરંત!

કમ્પ્યુટરનો ડે-ટુ-ડે ઉપયોગ કરનારાં અને જાતજાતના દસ્તાવેજની ઇ-મેઇલ મારફતે આપ-લે કરનારા લોકો તેમને પડતી એક મુશ્કેલીથી તો અવગત હશે જ. અમુક પાર્ટીએ મોકલેલું મેટર ઇમેજ કે પીડીએફ ફોર્મેટમાં હોય અને તેને ટેકસ્ટ ફોર્મેટમાં કન્વર્ટ કરવાનું છે અથવા કોઇએ આપને કોઇ ફેકસ કે અન્ય દસ્તાવેજ સ્કેન કરીને કે પીડીએફ સ્વરૂપે મોકલ્યાં હોય અને તેમાંના લખાણ-ટેકસ્ટને વાપરવાનું જરૂરી હોય ત્યારે એક લાંબો રૂટ પકડવો પડે છે.

આખી મેટરની પ્રિન્ટ કાઢો અને એને ફરીવાર કમ્પોઝ-ટાઇપ કરાવડાવો. આ આખી પ્રક્રિયા ખાસ્સી કંટાળાજનક છે અને ખાસ્સો બધો ટાઇમ માગી લે છે. ત્યારે એવી કોઇ સગવડ હોય કે જે આખી પ્રક્રિયાની ચૂટકી બજા કે કરી આપે તો કેવું સારું! ત્યારે આપે www.free-online-ocr.com ની મુલાકાત લેવી જોઇએ. સાઇટનું નામ છે, ફ્રી ઓનલાઇન ઓસીઆર. ઓસીઆર મતલબ ‘ઓપ્ટિકલ કેરેકટર રેકોગ્નિશન’. ટૂંકમાં કહીએ તો આ સર્વિસ પીડીએફ કે અન્ય કોઇપણ ઇમેજ ફોર્મેટ (જેમ કે, જેપીજી/જેપીઇજી, ટિફ, પીએનજી, બીએમપી વગેરે)માં રહેલી ટેકસ્ટ-લેખિત માહિતી-લખાણ શોધીને તેને આપણને જોઇતા ટેકસ્ટ ફોર્મેટ (જેમ કે, વર્ડ, આરટીએફ- રિચ ટેકસ્ટ ફોર્મેટ, ટીએકસટી કે ઇવન પીડીએફ)માં કન્વર્ટ કરી આપે છે.

આ સર્વિસના કેટલાક સરસ અને ખરેખર ઉપયોગી એવા ફાયદા આ રહ્યા: સૌથી પહેલાં તો આ સર્વિસ ઉપયોગ કરવા માટે કોઇ પણ જાતના લોગઇન-પાસ વર્ડ-યુઝરનેમ ઇત્યાદિની જરૂર નથી પડતી. બસ, આ સાઇટને બૂક માર્કમાં કે ફેવરિટમાં સેવ કરીને રાખી મૂકવાની. જ્યારે જરૂર પડે ત્યારે ઓપન કરી, ઇનપુટ તરીકે ઇમેજ ફાઇલ બ્રાઉઝ કરીને અપલોડ કરાવી દેવાની અને સાથેસાથે આઉટપુટ પણ સિલેકટ કરી લેવાનું અને ફરીથી આપણું કામ શરૂ કરી દેવાનું.

ગણતરીની પળોમાં આ સાઇટ પોતાનું કામ પૂરું કરીને આપને આપના જોઇતાં ફોર્મેટમાં તે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી લેવાનું કહેશે. બીજો ફાયદો એ છે કે આ રીતે કન્વર્ટ કરેલા ડોક્યુમેન્ટમાંથી કોઇ ચોક્કસ શબ્દ કે વાકયો શોધવાં હોય, ત્યારે ‘ફાઇન્ડ’નો વિકલ્પ પણ કામ કરતો થઇ જાય છે. ત્રીજો ફાયદો એ છે કે તે મૂળ ડોક્યુમેન્ટમાંનાં લખાણનું ફોર્મેટિંગ (બોલ્ડ, ઇટાલિક, ફોન્ટ સાઇઝ, કલર્સ વગેરે) એમનું એમ રાખે છે. ધારો કે મૂળ ડોક્યુમેન્ટમાં કોઇ ઇમેજ ત્રાંસી હોય તો પણ તે પોતાની મેળે જ સીધી કરી નાખે છે એ તેનો ચોથો ફાયદો. ગુજરાતી ફોન્ટ્સ સાથે કામ પાડતા લોકો માટે સારી બાબત એ છે કે આ સુવિધા ગુજરાતી ફોન્ટ્સને પણ સપોર્ટ કરે છે. અજમાવી જુઓ, ખરેખર કામની સર્વિસ છે!

No comments:

Post a Comment