Wednesday, April 20, 2011

ડૉ. શરદ ઠાકર: હોય હિંમત તો હવે થોડી બતાવ,આપણા સંબંધને શોધી બતાવ

પૂછનારે તો એટલું જ પૂછ્યું કે ‘તમે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે?’ પણ એના જવાબમાં કૌવત કામાણીએ બંને હાથ ફેલાવ્યા, અંગડાઇ લીધી, આંખોમાં નશાનો સુરમો આંજી લીધો અને સામે બેઠેલા દસ-બાર યાર-દોસ્તો તરફ ગર્વિષ્ઠ નજર ફેંકી લીધી. પછી ઘેઘૂર અવાજમાં ઉત્તર આપ્યો, ‘હા, મેં પણ પ્રેમ કર્યો છે. સત્તરમા વરસના સોનેરી પડાવ ઉપર મેં એક એવી છોકરીને ચાહી છે જેનાં સૌંદર્ય વિશે તમે તો કલ્પના પણ ન કરી શકો. એ પહેલા પ્યારની પહેલી યાદોના સહારે તો હું આજે જીવી રહ્યો છું. પણ જવા દો એ વાત! જિગરના જખમ અને જાંઘ ઉપરના ઘા સરખા હોય છે, એ બંને ગમે તેની સામે ઉઘાડા કરી શકાતા નથી.’

સામે બેઠેલા બધા મિત્રો હતા, પણ નવા હતા. એમની સાથેનો નાતો ધંધાકીય હતો, લાગણી આર્થિક હતી, વ્યવહાર મતલબનો હતો. એ દોસ્તી ‘કલાસિક’ને બદલે ‘ગ્લાસિક’ હતી, ભેગા બેસીને વ્હીસ્કીના ગ્લાસ ભરવાને કારણે બંધાયેલી ફ્રેન્ડશિપ હતી. કૌવતના દિમાગ ઉપર પણ અત્યારે નશો સવાર હતો. એની યે પાંપણો બંધ થઇ રહી હતી અને દિલની પર્ત ઊઘડવા માંડી હતી. સામે બેઠેલા બિલ્ડર મિત્ર બિમલ ગાંધીએ આગ્રહ કર્યો, ‘છોકરીનું નામ તો આપ!’ ત્યારે માંડ કૌવત આટલું બોલ્યો, ‘નામ જાણીને શું કરશો? સુંદર પ્રેમિકાની અસર એના નામમાં નહીં, કામમાં હોય છે. મારી અપ્સરાનું નામ હતું કરવટ કુંજપરા. કોલેજમાં એ મારી સાથે ભણતી હતી. બસ, આટલું પૂરતું છે ને?’

‘જરા પણ નહીં. રૂપના રામાયણની આ તો હજુ શરૂઆત છે, મહોબ્બતના મહાભારતની ફક્ત પ્રસ્તાવના છે. કોઇ ભૂખ્યા અતિથિને આમ ‘એપેટાઇઝર’ પીરસીને કાઢી ન મુકાય. હવે તો બસ, અમારી જિંદગીનો એક જ મકસદ છે, તારી પ્રેમકથા સાંભળ્યા વગર અમે અહીંથી જવાના નથી. આજકી શામ, કરવટભાભી કે નામ!’ વિપુલ મહેતાએ બેઠો સત્યાગ્રહ જાહેર કર્યો અને કૌવતે એની પ્રેમકથા કહેવી શરૂ કરી.

કૌવત માટે આ વાતની નવાઇ ન હતી. છાશવારે એની સાથે આવું બનતું રહેતું હતું. એ જ્યાં જાય ત્યાં લોકો એને પૂછતા રહેતા હતા: ‘તમે કોઇને પ્રેમ કર્યો હતો? એ સદ્ભાગી છોકરી કોણ હતી? તમે એની સાથે લગ્ન શા માટે ન કર્યા? એના બાપે ના પાડી કે છોકરીએ બેવફાઇ કરી?’

અત્યારે પણ એમ જ થયું. દોસ્તોએ દબાણ કર્યું એટલે જીભ ખૂલી ગઇ, ‘કરવટ સુંદર હતી. એ બહુ રૂપાળી ન હતી. એ શ્યામવણીઁ હતી. ભીનેવાનથી પણ સહેજ વધારે ઘેરો એની ત્વચાનો રંગ હતો. પણ એની સંઘેડા ઉતાર કાયામાં વીજળીનો ચમકાર હતો. એની આંખો મોટી ને તેજભરી હતી. વસ્ત્રપરિધાનની એની સૂઝ-સમજ અદભૂત હતી. એની ચાલમાં એવું લાવણ્ય હતું કે એને ચાલી જતી જોઇને પાછળ ઊભેલો યુવાન પણ એના પ્રેમમાં પડી જાય. કરવટ પાસે માત્ર રૂના પોલ જેવો દૂધિયો ચહેરો ન હતો, એની પાસે તો પુરુષને જકડી રાખે તેવો સુંદર, નમણો ફેઇસ-કટ હતો. મને એ જોતાંની સાથે જ ગમી ગઇ.’

‘પછી શું થયું? આ વાતની જાણ તેં કરવટને કરી કે નહીં?’ આશુતોષ નામના જવેલર મિત્રે જિજ્ઞાસા દર્શાવી.

‘હા અને ના.’ કૌવત હસ્યો, ‘મેં એને જાણ કરી તો ખરી, પણ સીધી રીતે નહીં. આડકતરી રીતે કરી.’

‘એ વળી કઇ રીત?’ પિનાકીને પૂછ્યું.

‘ચતુર પુરુષ પોતાનો પ્રેમ અનેક પ્રકારે વ્યક્ત કરી શકે છે. એમાંનો સૌથી સહેલો, સૌથી અણઘડ અને સૌથી ગામડિયો પ્રકાર છે: પોતાને ગમતી સ્ત્રીને ‘આઇ લવ યુ’ કહેવાનો. હું તો એ રીત ક્યારેય ન જ અપનાવું. મેં બીજી રીતો દ્વારા મનની વાત દર્શાવવા માંડી. મેં નોંધ કરી કે કરવટ પાસે આઠથી દસ રંગના ‘ડ્રેસીઝ’ છે, બીજા વધારે પણ હશે. પણ કોલેજમાં તો એ આટલાં જ વારાફરતી પહેરે છે.

કૌવતે પણ એવા જ રંગનાં વસ્ત્રો સીવડાવી લીધાં. પછી પાક્કી વ્યવસ્થા બનાવી દીધી. રોજ સવારે કરવટ ઘરેથી નીકળે કે તરત એની પડોશમાં રહેતો એક મિત્ર કૌવતને ફોન કરીને માહિતી આપી દે કે આજે કરવટે ક્યા રંગનો ડ્રેસ પહેર્યો છે. એ દિવસે કૌવત પણ એ જ રંગનાં વસ્ત્રો પહેરે. ધીમે-ધીમે આખી કોલેજને જાણ થઇ ગઇ કે એ બંનેનાં વસ્ત્રોનું મેચિંગ જામેલું છે. ખુદ કરવટ પણ આ વાત જાણી ગઇ.

ઉપાયો એક-બે નહીં, પણ હજારો-લાખો હતા. એક દિવસ કરવટ આવે તે પહેલાં એની બેન્ચ ઉપર તાજું તોડેલું ગુલાબનું ફૂલ કૌવત મૂકી દેતો, તો બીજા દિવસે વળી એ કરવટની સામે જોઇને ‘ફ્લાઇંગ કિસ’ મોકલી આપતો. કરવટ શરમાઇને નીચું જોઇ જતી અને કૌવતની છાતીમાં આખો મુગલ ગાર્ડન ખીલી ઊઠતો. આખી કોલેજમાં એક જ વાતની ચર્ચા હતી: કરવટ અને કૌવત વચ્ચેના પ્રેમની. હવે તો બીજા કલાસમાં ભણતા સિનિયર વિદ્યાર્થીઓ પણ આવી-આવીને સલાહ આપી જતા હતા, ‘કૌવત, આવું બધું કરવાને બદલે એક વાર કરવટને મળીને સીધું ને સટ કહી નાખ ને કે તું મને ગમે છે! એટલે કેસ ફાઇલ થઇ જાય.’

‘એની જરૂર ક્યાં છે? એવું કશું જ કહ્યા વગર પણ જો આખી કોલેજને ખબર પડી જતી હોય કે હું કરવટને ચાહું છું, તો કરવટને પોતાને નહીં પડી હોય! તમે બધાંએ મારી પ્રેમિકાને આટલી હદે બેવકૂફ સમજી લીધી છે?’ કૌવતની વાત સાંભળીને બધા કાન પકડી લેતા, હા, કરવટ બેવકૂફ ન હતી. કલાસમાં રેન્ક લાવતી હતી, ચાલાક હતી, ચબરાક હતી અને કૌવતે દિલની વાત વ્યક્ત કરવા માટે અજમાવેલા ઉપાયો પણ અસરકારક હતા. પણ વિધાતાને આ વાત મંજૂર નહીં હોય. બીજા જ વરસે કરવટના પપ્પાની બદલી થઇ ગઇ. એ બીજા શહેરમાં ચાલ્યા ગયા. આજે એ વાતને પંદર વરસ થઇ ગયાં. એ પછી કરવટ વિશે કૌવતને કશી જ જાણકારી મળી ન શકી.કરવટ તો પરણી ગઇ હશે, કૌવત કુંવારો જ રહ્યો.

*** *** ***

બીજા દસ વર્ષ નીકળી ગયાં. તાજેતરમાં એક સમારંભમાં કૌવતે કરવટને જોઇ. સહેજ સ્થૂળ કાયામાંથી પચીસ વર્ષના પડ બાદ કળવામાં થોડીક વાર તો લાગી પણ આખરે મૂળ સૌંદર્ય-પ્રતિમા પકડાઇ ગઇ ખરી. કૌવત એની સાવ પાસે પહોંચી ગયો, ‘ઓળખાણ પડે છે?’

‘ના, આ પહેલાં આપણે ક્યાંય મળ્યા છીએ ખરાં?’ કરવટે નિર્દોષતાથી પૂછ્યું.

‘અરે, હું કૌવત! તારો કોલેજકાળનો પ્રેમી. મને ભૂલી ગઇ?’

‘કોણ કૌવત?! મને તો તારું નામ જ યાદ નથી, ભૂલવાની વાત જ ક્યાં...?’

કૌવતે એક હજાર પ્રસંગો યાદ કરાવ્યા, એનું ભાથું ખાલી થયું ત્યારે કરવટે ભોળા ભાવે આટલું જ કહ્યું, ‘હવે મને આછું-આછું યાદ આવે છે ખરું કે કોલેજના પ્રથમ વર્ષમાં મારી સાથે કો’ક છોકરો ભણતો હતો ને રોજ મારી સામે નીતનવા વાનરવેડા કરતો હતો. એ તું જ હતો? નાઇસ ટુ મીટ યુ, કૌવત! એક વાત કહું? તું જો મને ખરેખર ચાહતો હતો તો એવું બધું કરવાની શી જરૂર હતી? સીધે સીધું આવીને કહી દીધું હોત કે ‘આઇ લવ યુ’ તો કેસ ફાઇલ થઇ ગયો હોત ને? અત્યારે જે મારો પતિ છે એણે આમ જ કર્યું હતું.’

(શીર્ષક પંક્તિ : ભાવેશ ભટ્ટ)

રણમાં ખીલ્યું, ગુલાબ, ડૉ. શરદ ઠાકર

No comments:

Post a Comment