મને તમે પસંદ છો. તમે મારા પપ્પાને કહી શકો છો કે તમારી અને મારી સગાઇ માટે આપણે બંને સંમત છીએ.’ હમણાં જ જેનું અઢારમું વર્ષ પૂરું થયું છે તેવી સુંદર, સુચરિત્ર અને સુલક્ષણા યુવતી પ્રથમ જ મુલાકાતમાં જ્યારે ઉપરનું વાક્ય બોલે ત્યારે કોઇપણ લગ્નોત્સુક યુવાન માટે સ્વર્ગની શોધ પૂરી થઇ ગઇ ગણાય, પણ યુગ મૂંઝાઇ ગયો. એ બંને પક્ષના વડીલોની ગોઠવણના ભાગરૂપે આજે ઉમ્મિદને જોવા માટે આવ્યો હતો. કન્યા એને નામંજૂર કરે એ માટે પૂરી તૈયારી સાથે આવ્યો હતો.
એણે આજે ખાસ એવાં પેન્ટ-શર્ટ પહેર્યા હતાં, જે એને પોતાનેય નહોતાં ગમતાં. રોજ તો એ માથાના વાળ કોરા રાખતો હતો. પણ કોલેજમાં એની સાથે ભણતી યુવતીઓ એના ફરફરતાં વાંકડિયા ઝૂલ્ફો પર કુરબાન હતી, માટે જ એણે આજે વાળમાં કોપરેલની વાટકી ઊંધી વાળી દીધી હતી. હેર સ્ટાઇલ પણ પંદરમી સદીમાં શોભે તેવી અપનાવી હતી. પગમાં શૂઝ તો પહેર્યા હતાં, પણ ‘પોલિશ’ માટે તરસ્યા થયેલાં શૂઝને એણે આજે ખાસ તરસતાં જ રાખ્યાં હતાં. પાણીદાર આંખોનું તેજ ઝાંખું પડી જાય એટલા માટે જાણી જોઇને નંબર વગરનાં ચશ્માં ચડાવ્યાં હતાં. હોશિયાર વિદ્યાર્થી નાપાસ થવા માટે ‘પેપર’માં છબરડા ઉપર છબરડા વાળે તેમ છતાં ‘ડિસ્ટિંકશન માકર્સ’ લઇ આવે એવો ચમત્કાર આજે યુગની જિંદગીમાં સર્જાઇ ગયો.
ઉમ્મિદનાં મમ્મી-પપ્પા ડ્રોઇંગરૂમમાં બેઠાં હતાં. યુગનાં મમ્મી-પપ્પાની સાથે જ્ઞાતિ અને સમાજની વાતો કરી રહ્યાં હતાં. આવા પ્રસંગે બનતું હોય છે તે પ્રમાણે બાજુના ઓરડામાં કન્યા અને મુરતિયાને અંગત વાતચીત કરવા માટેનું આંશિક એકાંત પૂરું પાડવામાં આવ્યું. કંઇક વાત તો કરવી જ પડે. યુગે કરી. ઉમ્મિદને એનો અંદાજ ગમી ગયો. એણે કહી દીધું, ‘મને તમે પસંદ છો…’
યુગને લાગ્યું કે પોતાનાં બારેય વહાણ ડૂબી ગયાં! થોડી વાર માટે તો એ હબકી ગયો. પછી માંડ સ્વસ્થતા મેળવીને એણે સત્યની પોટલી ખોલી નાખી, ‘આઇ એમ સોરી, ઉમ્મિદ! તમે મને સમજવાની કોશિશ કરો! તમારામાં તમામ લાયકાતો હાજર છે, જે કોઇ પણ યુવાનને ખપતી હોય. પણ હું તમારી સાથે લગ્ન કરી શકું તેમ નથી. તમારો કોઇ જ દોષ નથી, બધો વાંક મારો છે. હું… હું કોઇને પ્રેમ કરું છું. મને એ છોકરી ખૂબ જ ગમે છે. એને પણ હું ગમું છું. મારા પપ્પાને અમારો પ્રેમસંબંધ કબૂલ નથી. હું ના પાડીશ તો એ ક્યારેય નહીં માને. માટે તમને વિનંતી કરું છું… તમે જ મને ‘રિજેક્ટ’ કરી દો! હું તમારું ઋણ જીવનભર નહીં ભૂલું!’
અંગત મુલાકાત પૂરી થઇ ગઇ. બંને જણાં ડ્રોઇંગરૂમમાં આવ્યાં. દુનિયા જોઇ ચૂકેલા ચાર વડીલો મોટેથી હસતાં, ચેવડો-પેંડા ઉપર હાથ ચલાવતાં, એકબીજાને આંજી દેવાની ભરપૂર કોશિશો કરી રહ્યાં હતાં. મમ્મી-પપ્પાઓની બંને જોડીઓએ અછડતી નજરે યુગ અને ઉમ્મિદના ચહેરાઓ વાંચી લીધા. યુગના ચહેરા પર હળવાશ હતી અને ઉમ્મિદની આંખોમાં ઉલઝન.
આવા પ્રસંગોએ ‘હા-ના’ની ચોખવટ ત્યારે ને ત્યારે તો કરવાની હોય નહીં. થોડીક આડી-અવળી વાતો કરીને બધાં છુટાં પડ્યાં. ઉમ્મિદના પપ્પાએ સૂચક રીતે કહી દીધું, ‘જે હશે તે બે-ચાર દિવસમાં જણાવીશું. અમારે તો દીકરીની મરજી એટલે સુપ્રીમ કોર્ટનો આદેશ! બાકી અમને તો તમારો દીકરો અને તમારું ઘર ગમ્યાં છે.’યુગના પપ્પા ઝૂમી ઊઠ્યા, ‘અમારું પણ એમ જ છે. બલકે હું તો ત્યાં સુધી કહીશ કે તમારી દીકરી અમને એટલી હદે ગમી ગઇ છે કે અમારો દીકરો ના પાડશે તો પણ અમને તો આ સંબંધ મંજૂર જ હશે.’
યુગ ‘ટેન્શન’માં આવી ગયો. પણ બીજી જ પળે પાછો હળવાશમાં ગોઠવાઇ ગયો. એ જાણતો હતો કે એના પપ્પા એને કોઇ પણ છોકરીની સાથે પરણાવી દેવા માટે તલપાપડ હતા. સાધારણ દેખાવની છોકરી હોત તો પણ એમનો તો આ જ જવાબ હોત! એમાં વળી ઉમ્મિદ આટલી બધી ખૂબસૂરત નીકળી પડી. પછી પપ્પા છોડતા હશે?
‘સારું થયું કે મેં ઉમ્મિદને સાચી વાત જણાવી દીધી.’ યુગ મનોમન બબડ્યો, ‘અને મેં ખોટું શું કહ્યું છે?! હું ખરેખર કોઇને પ્રેમ કરું છું. કોઇને શા માટે? હું મારી એષણાને પ્રેમ કરું છું. સાચો પ્રેમ. જો પરણીશ તો એષણાની સાથે. ઉમ્મિદ ભલેને એના કરતાંયે વધારે આકર્ષક હોય, મારે શું? જગતની બધી રૂપાળી છોકરીઓને તો આપણે પરણી નથી શકતાં ને? વસંતઋતુમાં રંગબેરંગી ફૂલોથી છલકાતાં બગીચામાં આપણે તો એક જ ફૂલને ચૂંટી શકીએ. મારી પસંદગીનું ફૂલ… ના, કળી તો એક જ છે… એષણા…’ યુગ એષણાના વિચારોમાં સરી પડ્યો. એષણાનું આગમન એ યુગની જિંદગીમાં એક આશ્ચર્ય બનીને આવ્યું હતું.
યુગના પપ્પાએ જ સૂચન કર્યું હતું, ‘સાંભળ્યું છે કે એ સુંદર છોકરી છે. આપણી જ્ઞાતિની જ છે. એનાં મા-બાપ વિશે હું ખાસ કશું નથી જાણતો, પણ મગનકાકાએ આ ઘર ચિંધ્યું છે. એકવાર જઇ આવીએ અને જોઇ આવીએ. જોવામાં આપણું શું જાય છે?’ આમ યુગ અને એષણાની મુલાકાત થઇ. એ પણ ગોઠવાયેલી મુલાકાત હતી. એષણાનું ઘર હતું, ચા ને નાસ્તો હતાં, મમ્મી-પપ્પાની બબ્બે જોડ હતી અને ડ્રોઇંગરૂમની બાજુના ઓરડામાં મર્યાદિત ખાનગીપણું હતું.
એષણા ચુલબુલી છોકરી નીકળી. યુગ પોતાને લગ્ન માટે જોવા આવ્યો છે એ વાતની જરા સરખીયે સભાનતા રાખ્યા વગર એ વાતો કરતી રહી. વાતો નહીં, પણ બકબક! છેલ્લે કઇ ફિલ્મ જોઇ, દબંગમાં સલમાન કેટલો વાહિયાત લાગે છે, આજકાલના કૌભાંડકારી નેતાઓને જાહેરમાં ફાંસી આપવી કે જનતાના હાથોમાં સોંપી દેવા જોઇએ આવી બાબતોથી માંડીને ડુંગળીના વધેલા ભાવ સુધી એષણા બોલતી રહી. યુગને એની છટા ગમી ગઇ. એણે ત્યાં ને ત્યાં કહી દીધું, ‘એષણા તું મને ગમી ગઇ છે.
જો તને પણ હું પસંદ પડ્યો હોઉં તો આપણે…’ જવાબમાં એક ચુલબુલી છોકરીએ પાંપણો ઝુકાવી દીધી, હોઠ સીવી લીધા અને માથું ઢાળી દીધું. યુગ સમજી ગયો કે પ્રેમની પટરી ઉપર જિંદગીની ટ્રેનને આગળ ધપાવવા માટેનું આવશ્યક ગ્રીન સિગ્નલ એને મળી ગયું હતું. ઘરે આવીને એણે પપ્પાને જણાવી દીધું, ‘મને છોકરી ગમી છે. હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું.’
અહીંથી આશ્ચર્યભર્યા આઘાતનો સિલસિલો શરૂ થયો. એના પપ્પાએ આંચકો આપતાં કહ્યું, ‘સોરી, દીકરા! હું આ લગ્ન માટે તૈયાર નથી.’‘પણ મને છોકરી ગમી છે.’‘મને છોકરીનો બાપ નથી ગમ્યો, બેટા! લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી હોતું, પણ બે પરિવારો વચ્ચે રચાતો સંબંધ હોય છે. એષણાના પપ્પા એક બદતમીજ અને બદમિજાજ માણસ છે. એમને એ વાતનુંયે ભાન નથી કે એમની દીકરીનાં ભાવિ સાસરિયાં જોડે કેવી રીતે વાત કરાય! આઇ એમ સોરી, માય સન! આઇ શેલ ફાઇન્ડ આઉટ એ બેટર ગર્લ ફોર યુ એન્ડ એ બેટર ફેમિલી ફોર અસ…’ આમ શરૂ થઇ બીજી છોકરીઓ શોધવાની જહેમતભરી શૃંખલા.
ચાર-પાંચ છોકરીઓને જોઇ પણ નાખી. યુગ દરેક છોકરીને એકાંતમાં મળતો ત્યારે એક જ કીમિયો અજમાવતો હતો: ‘હું એક છોકરીને ચાહું છું, પણ મારા પપ્પા માનતા નથી. મારાથી તો એમને એવું નહીં કહી શકાય કે હું તમારી સાથે લગ્ન કરવા રાજી નથી. પણ જો તમે જ મને નપાસ થયેલો જાહેર કરી દેશો તો હું બચી જઇશ.’ દરેક છોકરી આવું જાહેર કરી દેતી.
હવે યુગના પપ્પા માટે આઘાત અને આશ્ચર્યની પરંપરા શરૂ થઇ ગઇ. તેઓ સમજી શકતા ન હતા કે અચાનક આમ કેમ થવા માંડ્યું છે! પોતાના રાજકુંવર જેવા સોહામણા યુગ માટે આ બધી છોકરીઓ ના શા માટે પાડી રહી છે?! યુગ મનમાં ને મનમાં હરખાતો હતો: ‘બસ, થોડી વધારે છોકરીઓ ના પાડે એટલે મામલો ખતમ! પપ્પા સામે ચાલીને કહી દેશે- ‘બેટા! તારી એષણા અમને કબૂલ છે!’
*** *** ***
યુગના પપ્પા એની પાસે આવ્યા તો ખરા, પણ ઉદાસીભર્યા નહીં, ઉલ્લાસભર્યા, ‘કોંગ્રેચ્યુલેશન્સ, માય સન! ઉમ્મિદ તરફથી હા આવી છે. આવતા રવિવારે તમારી સગાઇ અને આ શિયાળે જ લગ્ન…’ પપ્પા હવે ઉતાવળમાં હતા. એ સાંજે યુગે ઉમ્મિદને ફોન કર્યો, ‘મેં તને કહ્યું તો હતું કે હું બીજી કોઇ છોકરીને પ્રેમ કરું છું, તારાથી ના નહોતી પાડી શકાતી?’ ‘ના, તારા માટે થઇને હું શા માટે જુઠ્ઠું બોલું? મારા પપ્પાએ પૂછ્યું તો મેં સાચું કહી દીધું કે મને યુગ ગમી ગયો છે.
તારા ભૂતકાળ સાથે મારે નિસ્બત નથી, મારો સંબંધ મારાને તારા ભવિષ્ય સાથે છે. ના પાડવી જ હોય તો તું પાડી શકે છે!’ ઉમ્મિદે ફોન કાપી નાખ્યો. હવે યુગ કશું જ કરી શકે તેમ ન હતો. આ વિધાતાએ આપેલો અંતિમ આંચકો હતો, આઘાત ભરેલા આશ્ચર્યનો આંચકો! યુગે સ્વીકારી લીધું કે જે છોકરીને આપણે ચાહતા હોઇએ તેની સાથે ન પરણી શકાય તો છેવટે એ છોકરીની સાથે પરણી જવું જે આપણને ચાહતી હોય!
(શીર્ષક પંક્તિ : ‘ભીનાશ’ )
રણમાં ખીલ્યું ગુલાબ, ડૉ. શરદ ઠાકર

Nice...
ReplyDeleteSars
ReplyDelete