કોઇપણ સંબંધો બંધાવા, વિકસવા અને ટકવા પાછળ ચોક્કસ કારણો અને પરિબળો કામ કરતા હોય છે. અલબત્ત જન્મના પેકેજમાં આવેલા સંબંધો બાદ કરવા પડે! એક જમાનામાં જ્યારે સંપર્કના માઘ્યમો મર્યાદિત હતા ત્યારે સંબંધો બંધાતા ઘણો સમય નીકળી જતો અને આજે અનેક સંપર્કના માઘ્યમો વચ્ચે પલક ઝપકતાં સંબંધ બંધાઇ જાય છે. આપણી વચ્ચે એક એવી પેઢી પણ જીવે છે કે જેમાં સંબંધ બંધાયા પછી સંપર્ક થયો હોય!! એકમેક સાથે એક પણ શબ્દ બોલ્યા ના હોય અને પહેલી મુલાકાત જ સીધી લગ્નની ચોરીમાં થઇ હોય તેવા અસંખ્ય યુગલોએ તેમના લગ્ન જીવનના પચ્ચાસ વર્ષો પૂરા કર્યાના જીવતા-જાગતા દાખલાઓ આપણા સમાજમાં છે. અત્યાર સુધી આ દાખલાઓ પશ્ચિમના સંબંધ નિષ્ણાતો (રીલેશનશીપ એક્સપર્ટ)ને મૂંઝવતા હતા અને હવે આપણી યુવા પેઢીને પણ મૂંઝવી રહ્યા છે! આજની યુવા પેઢી માટે તો આવું વિચારવું પણ અશક્ય છે. દિલની વાત કહેવામાં દિવસો અને વર્ષો કાઢી નાખ્યા હોય તેવા યુગલોની હયાતી જ જેમના ગળે માંડ ઉતરતી હોય ત્યાં તમે જ કહો, દિલની એક નાની અમથી વાત કહેવામાં દિવસો (અને ક્યારેક તો આખાય જીવન!) નીકળી જાય તેવું આજની પેઢી માટે વિચારવું પણ શક્ય છે?! આજે તો સંપર્કના માઘ્યમોની સવલતો અને સમયની મારામારી વચ્ચે સંબંધો બિલાડીની ટોપની જેમ રાતોરાત ફૂટી નીકળે છે. આ ઓછું હોય તેમ સંબંધ નિષ્ણાતો પણ આજકાલ સંબંધો બાંધવા અને ટકાવવા અસરકારક સંપર્ક (ઈફેક્ટીવ કમ્યુનિકેશન)ના પાઠ ભણાવવા માંડ્યા છે જેના પગલે સંબંધો ચોમાસામાં ઉગી નીકળતા ઘાસ-ફૂંલની જેમ ફૂટી નીકળે છે. મોબાઇલ, ઈ-મેઇલ, ચેટીંગ, સોશિયલ નેટવર્કંિગ સાઇટો, ઓનલાઇન વીડીયો ટોક વગેરેના ટ્રાફિક વચ્ચે પણ કડવી વાસ્તવિકતા એ છે કે સંબંધોનું આયુષ્ય ઘટતું જાય છે. પાશ્ચાત્ય દેશોમાં તૂટેલા વિજાતીય સંબંધોમાં વપરાતો ‘એક્સ’ (મારો એક્સ બૉયફ્રેન્ડ કે એક્સ ગર્લફ્રેન્ડ) હવે આપણા ત્યાં એનો પગ પેસારો કરી ચૂક્યો છે. ખેર, સંપર્કમાં આપણે ઘણા આગળ વધી ચૂક્યા છીએ. હવે પાછા વળવું અશક્ય છે. જુની વાતો વાગોળવી પણ વ્યર્થ અને હાસ્યાસ્પદ ગણાશે. પરંતુ આ આખીય વાતમાં વિચાર માંગી લે તેવી એક વાત એ છે કે સંપર્ક કે વાતચીતના અસરકારક માઘ્યમો વચ્ચે પણ સંબંધ ટકાવવા કેમ અઘરા બન્યા છે?! પુસ્તક લખી શકાય તેવો આ પ્રશ્ન છે, આપણે ટુકડે-ટુકડે આ બાબતની ચર્ચા પણ અવાર-નવાર કરી છે. આજે આ બાબતનો એક એવો ટૂકડો યાદ આવ્યો છે કે સંબંધોની માવજત અને મજબૂતાઇ માટે અદભૂત કહો તો અદભૂત અને ચમત્કારિક કહો તો ચમત્કારિક સાબિત થઇ શકે તેમ છે. કલ્પના કરો કે યુગલો વચ્ચે સહજીવનના દરેક તબક્કે સંપર્કના વિવિધ માઘ્યમો દ્વારા કે અંગત આમને-સામને કેટલા શબ્દોની આપલે થતી હશે. વાતચીત, દલીલો, યોજનાઓ, વાટાઘાટો, સોદાઓ, વલોપાતો- સતત કંઇકનું કંઇક ચાલ્યા જ કરે છે. સંબંધ નિષ્ણાતો આને ઈફેક્ટીવ કોમ્યુનિકેશન જેવું સુંવાળું નામ આપે છે. આ બધાથી સંબંધમાં એક પ્રકારનું ખુલ્લાપણું આવે છે તેની ના નહીં પરંતુ આ ખુલ્લાપણું સંબંધોને વત્તેઓછે અંશે હચમચાવતું રહે છે. કોઇ પણ વસ્તુને મજબૂતાઇ આપવા થોડી હલચલ જરૂરી છે. પરંતુ એના કરતા પણ વઘુ જરૂરી છે. હલચલ બાદ થયેલી ઉથલપાથલને શાંત થવા સમય આપવો. આ માટે જરૂરી છે એકબીજાનું સાવ મૌન સાથે બેસી રહેવું. તમે તમારા સાથે સાથે એકપણ શબ્દ બોલ્યા વગર અને બીજી કોઇપણ પ્રવૃત્તિ કર્યા સિવાય ક્યારેય બેઠા છો?! જે લોકોનો જવાબ ‘હા’ હશે અને જે લોકો અવારનવાર આ રીતે બેસતા હશે તે સમજી શકશે કે પોતાની અંદરની લાગણીઓ વહેવડાવવાની અને બીજાને તેનો અહેસાસ કરાવવાની આ કેટલી અસરકારક પઘ્ધતિ છે. સાવ સરળ લાગતી આ વાત છે. આરામદાયક વાતાવરણમાં માત્ર તમારા પ્રિયપાત્રની બાજુમાં કંઇપણ બોલ્યા વગર શાંતિથી બેસી રહો, બસ, એમ જ હાથ પકડીને આંખો બંધ કરીને, બન્ને જણાના જોડે લેવાતા શ્વાસના અહેસાસમાં ડૂબવાનો પ્રયત્ન કરો. એક ગજબનો સંપર્ક સ્થપાશે, મનના વિરોધો, દલીલો શમવા માંડશે. સ્વીકૃતિ અને સ્નેહનો એક નવો ભાવ ઉત્પન્ન થશે જે સંબંધની માવજત કરવા અત્યંત જરૂરી છે. જે યુગલો એકબીજાના સાનિઘ્યમાં કંઇપણ કર્યા વગર આ મૌનનો મહાવરો કેળવી શકે છે તેઓ તેમની વચ્ચેની ઘર્ષણની માત્રા ઘટાડી શકે છે. જરૂરી નથી કે રોજ બેસો. રોજ કોઇની પાસે સમય પણ નથી પરંતુ કેળવવા જેવી આદત છે. સવારે ટેબલ પર ચા પીતા-પીતા પણ એકબીજા સાથે ગાળેલી મૌનની ક્ષણો દિવસભરનો તરવરાટ આપી શકે એમ હોય છે. એક પણ શબ્દ વગરની પળો હૃદયને હૃદયથી જોડવા સમર્થ છે. બીજા શબ્દોમાં કહીએ તો એકબીજાની લાગણીઓને સાવ સાચા અર્થમાં અનુભવવા અને સમજવા માટે આ એક અસરકારક પઘ્ધતિ છે. સંબંધોની મજબૂતાઇ અને સાચો આનંદ બંને વ્યક્તિ એકબીજાની લાગણીઓ અનુભવે, સમજે અને સ્વીકારે તેમાં છે એવું મારે શિખવાડવાની જરૂર ક્યાં છે, મેં તો એક રસ્તો બતાવ્યો. પ્રયત્ન કરી જોજો, મઝા આવશે!! ‘અરે સાહેબ તમે મૌન બેસવાની વાત કરો છો પણ આના સવાલો બંધ રહે તો મૌન બેસાય ને?!’ મોટા ભાગના પુરુષો આવો સાચો કે ખોટો બળાપો કાઢશે. સાચો એટલા માટે કે મોટાભાગની સ્ત્રીઓ પુરુષ મૌન બેઠો હોય તે સાંખી નથી શકતી, તરત જ પ્રશ્ન પૂછે છે ‘શું વિચારો છો?!’ અને મહાભારત શરૂ. ખોટો એટલા માટે કે પત્ની સાથે મૌન બેઠેલો પુરુષ મોટેભાગે પત્ની સિવાયની બીજી બધી બાબતોમાં વિચારતો હોય છે! બોલો, હવે આમાં તમે કહ્યું એવું મૌન બેસવાનું, શ્વાસનો અહેસાસ, હૃદયથી હૃદય જોડવાનું ને... તમે’ય શું!! મેં તો એક રસ્તો બતાવ્યો. પ્રયત્ન કરી જોજો, કંઇ નહિ તો મઝા તો આવશે જ!! પૂર્ણ વિરામ ઃ એક પણ શબ્દની આપ-લે વગર ઉન્માદનો અનુભવ કરાવતો સંબંધ એટલે પ્રેમ! હંચલ ભચેચ |
Friday, April 22, 2011
તારી અને મારી વાત -હંસલ ભચેચ
Subscribe to:
Post Comments (Atom)
dr. bhachechji nu lekh khubaj pawarpul & stya chhe
ReplyDelete