Friday, April 22, 2011

વિરોધના વણજારા

માણસ છે!

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે!
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે!
પહાડથી એ કôણ મક્કમ માણસ છે!
દડ દડ દડ દડ દડી પડે ભૈ, માણસ છે!
ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે!
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે!
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે!
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે!
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે!
ટાણે ખોટયું પડી, પડે ભૈ, માણસ છે!- જયંત પાઠક

જારામ રાવળ, ઉશનસ્ અને જયંત પાઠક-એ કવિ ત્રિપુટી છે. કમભાગ્યે પ્રજારામ રાવળ અને જયંત પાઠક રહ્યા નથી. સદ્ભાગ્યે ઉશનસ્ આપણી પાસે છે. જયંત પાઠકની ભાષામાં પ્રારંભમાં સંસ્કૃત પ્રચુરતા હતી. પછી એમની કવિતાની ગતિમાં ક્રમશ: વળાંક આવ્યો અને એમની ભાષા સીધી, સાદી, સરળ અને વેધક થતી ગઈ. વિષયોનો વ્યાપ વધ્યો. ઊંડાણની પણ પ્રતીતિ થવા માંડી. આમ તો આ ગઝલ હોય એવું લાગે પણ ખરેખર તો એનામાં ગીતમાં હોય એવી ગેયતાના ગુણ છે.

માણસ માત્ર વિરોધનો વણજારો છે. એને કઈ ઘડીએ સારું લાગે, માઠું લાગે, વાંકું પડે, ચેન અનુભવે, બેચેન થાય... વેધરની જેમ એની આગાહી થઇ ન શકે. આમ તો ખુલ્લી બાજીએ રમતો હોય પણ કોણ જાણે શું વાંકું પડે કે રમતાં રમતાં લડી પડે. એ ક્યારે લડે, રડે, પડે, આખડે, મિત્ર થાય, દુશ્મન થાય એના વિશે કોઈપણ આગાહી થઈ શકે નહીં. ભલભલા માણસના સંબંધોને વણસતા અને કણસતા જોયા છે. તો કેટલાક સંબંધો એવા ને એવા અકબંધ હોય છે. માણસ વિશે કોઈ અંતિમ કે અફર એવી વાત કરી શકાય નહીં. માણસનો પરિચય માણસ પોતે જ માનવજાતને આપતો રહ્યો છે.

ચિક્કાર આનંદનું વાતાવરણ અને એની આંખ સામે કોઈ ગમગીનીનું ચિત્ર આવે અને એ રડી પડે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આટલું બધું હસનારો માણસ અચાનક રડી કેમ પડ્યો? હરીન્દ્ર દવેની બે પંક્તિ છે: ‘એક હસે એક રડે, આંખ બે આપસમાં ચડભડે.’ મનસુખલાલ ઝવેરી કહે છે કે માણસનું જીવન જ એવું છે કે ઘડીક અષાઢ હોય, ઘડીક ફાગણ હોય છે અને ઘડીક શ્રાવણ હોય છે. એક અંધકારમાંથી બીજા અંધકારમાં એ અટવાતો હોય છે.

કેટલાક માણસો પહાડથી પણ મક્કમ હોય. પથ્થરને શરમ આવે એટલા અડીખમ હોય પણ કોઈક પ્રસંગે એમને દડ દડ દડી પડતા પણ વાર ન લાગે. જયંત પાઠકના આ કાવ્યની ખૂબી એ છે કે અહીં માણસની નિંદા કે ટીકા કરવાનું પ્રયોજન નથી પણ જે છે તે, જેવો છે તેવો આ માણસ છે ને માણસ છે એટલે જ બીજા માણસ જેટલો જ એ પણ વિરોધી તત્વોથી ભર્યો છે. ‘ભૈ માણસ છે’ એ ઉક્તિમાં જાણે કે આ બધું માફ કરી દેવા જેવું છે. માણસનો ચહેરો જોવા જેવો છે એના વાંસાને જોવા જેવો નથી. એની નિંદા કે કૂથલી કરવાનો અર્થ નથી. એના દોષને ચોળવા કે ચૂંથવામાં સમય વેડફવાની જરૂર નથી. માણસ હોય તો આવો જ હોય. એ અપૂર્ણ છે એની તો મજા છે. જો એ પૂર્ણ હોત તો આપણે એને ભગવાન કહી બેસત.

આમ તો ચંદ્ર સુધી પહોંચી શકે છે. ચપોચપ જાય છે અને પૃથ્વી પર ઠેસ કે ઠોકર ખાતા એને વાર નથી લાગતી. માણસ વીર છે, પ્રતાપી છે, સૂર્યવંશી છે. એનો તાપ છે. પ્રતાપ છે અને છતાં ઘણીવાર એવું બને છે કે આવો ભડ માણસ અચાનક ઢળી પડે અને આપણે આવાક થઈ જઈએ, પણ છેવટે માણસ છે: એના જીવન વિશે કે એના યૌવન વિશે કે એની આથમતી અવસ્થા વિશે કોઈ કશું કહી શકે એમ નથી. કેટલાક માણસો અમરતાના ઓરતા લઈને જીવતા હોય છે. એમને એમ કે જીવનમાં એવું કંઈ કરી નાખીએ કે આપણા પાળિયા હોય અને આપણી પૂજા થાય. ઈતિહાસમાં આપણું નામ થાય પણ એવા માણસોની ખ્યાતિ પણ વરાળ થઈને ઊડી જતી હોય છે.

અહીં માણસ પ્રત્યે અનુકંપા છે, કરુણા છે. જેવો તેવો હોય તો પણ માણસનો સ્વીકાર એ જ મોટી વાત છે. માણસને હકારથી આવકારવો જોઈએ. નકારથી નકારવો ન જોઈએ. એના ગુણ-દોષથી પર થવું જોઈએ. આપણે જ્યારે બીજામાં જે દોષ જોઈએ છીએ તે દોષ ક્યારેક આપણામાં પણ હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે મારા અવગુણને ઓળંગી હરિવર આવજો રે.

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

No comments:

Post a Comment