Sunday, April 24, 2011

સફળતા વિષેના સ્વામી વિવેકાનંદના વિચારો અત્રે રજુ કરેલ છે.

આ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલાં વધારે છે.
૧. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
૨. ડરો નહિ. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો તેનો વિચાર ન કરો. હરકત નહિ, કાળ અનંત છે. આગળ વધો.
૩. દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરદસ્ત પ્રામાણિકતા રહેલાં હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે.
૪. અનંત શ્રદ્ધા અને બળ, એ જ માત્ર સફળતાનું રહસ્ય છે.
૫. દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદભુત કાર્યો કર્યા છે. બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !
૬. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈ પણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.
૭. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એક માત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કે… જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો ત્યાં સુધી નિષ્ફળતા કદી નહિ સાંપડે.
૮. કોઈ પણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.
૯. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમઃ જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહિ શકે.
૧૦.’છાયા અને ફળ બંનેવાળું હોય તેવા મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ માણતાં કોણ રોકે છે?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર છે.
૧૧. કોઈ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.
૧૨. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઈચ્છા સાથે જોડાઈ જઈને કાર્ય કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઈચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે.
૧૩. નિરાશ ન થશો. અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ નથી.
૧૪. મારા ધ્યેયની સાથે મારું સમગ્ર જીવન છે; મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ. સફળતાની એ જ ચાવી છે.

No comments:

Post a Comment