Sunday, April 10, 2011

પડછાયો અને સત્વ - તત્‍વ

એક માણસને પોતાનો પડછાયો નહોતો જોઈએ. એણે જોયું કે પડછાયો સાથે ને સાથે રહેતો હતો. એક ક્ષણ પણ તેને છોડતો નહોતો. તેણે વિચાર્યું, ‘‘આ પડછાયાને ઊંડે ઊંડે દાટી દઉં જેથી પછી એ મારી સાથે આવે જ નહીં.’’ પડછાયાને દાટવા તેણે ખાડો ખોદવા માંડ્યો. ખાડો ખોદી નીચે જોયું તો તેનો પડછાયો ખાડામાં નીચે દેખાતો હતો. તેણે તેના પર માટી નાખવા માંડી, પણ જેમ એ માટી નાખતો ગયો તેમ પડછાયો ઉપર આવતો ગયો અને છેલ્‍લે ખાડો પુરાઈ ગયો ત્‍યારે પડછાયો જમીન પર તેની સામે જ હતો !
એ માણસે બીજો રસ્‍તો લીધો. પડછાયાથી છૂટવા એ દોડવા માંડ્યો. સૂર્ય પૂર્વમાં હતો. માણસ? પશ્ચિમ તરફ દોડતો હતો ત્‍યારે પડછાયો તેની આગળ ને આગળ દોડતો હતો. દોડવાની દિશા ફેરવી માણસ પૂર્વમાં દોડવા માંડ્યો તો પડછાયો પાછળ- પાછળ દોડતો હતો.
અંતે માણસ જમીન પર લાંબો થઈને શાંતિથી સૂઈ ગયો. તેના મોં સામે અફાટ આકાશ હતું. સામે પડછાયો દેખાતો નહોતો. તેણે મોં ફેરવી આમ જોયું, તેમ જોયું, પડછાયો દેખાતો નહોતો. તે શાંત ચિત્તે આકાશ સામે જોઈ પડી રહ્યો. પડછાયાથી તેને મુસ્‍કત મળી.
મનુષ્‍યનાં અહમ્, મોહ અને માયા પડછાયા જેવાં છે. પ્રયત્‍નપૂર્વક તેમને દાટી શકાતાં નથી. જેમ દબાવવા જાવ તેમ ઊછળી ઊછળીને એ બહાર આવે છે. વધારે દબાવો ને તે વધારે ઊછળશે. તેનાથી છૂટી શકાતું નથી, નાસી શકાતું નથી. તમારી આગળ કે પાછળ તે દોડી દોડીને તમારી સાથે રહે છે.
અહમ્, મોહ, માયાથી મુકત થવા ચિત્તને ઈશ્ર્વરની પ્રકૃતિમાં પરોવવાની અને મનને શાંત કરવાની જરૂર છે. દોડદોડ કરવાની જરૂર નથી. સૂતેલા માણસની જેમ આત્‍મનિમજ્જન કરવાનું છે. શાંત ચિત્તે આત્‍મામાં પરોવાઈ જઈએ તો અહમ્, મોહ અને માયા અદૃશ્‍ય થશે.

No comments:

Post a Comment